3.11.2 - ગણપતરામ વેણીલાલ ઓઝાને - ૨ / મારી હકીકત / કવિ નર્મદ


સુરત-આમલીરાન,
તા. ૭ જુલાઈ ૧૮૬૮

   પ્રિય ભાઈ ગણપતરામ,
   તમારો ૨૫ મી જુનનો પત્ર આવ્યો તે વાંચી સમાચાર જાણ્યા છે. નર્મવ્યાકરણની નકલ ૩૨ બે બિંદડીમાં મોકલી છે તે પ્હોંચી હશે. નર્મકોશ છપાવવાની સહાયતા સંબંધી ચરચા ચાલે છે તેથી ખેદ પામું છઉં. આજ દિન સુધીમાં મારા કોઈ ગ્રંથ વિષે ચરચા થઈ નથી. દહોડ બે હજારના કામ સારૂ મારી તરફથી ચરચા ચાલવી શરૂ થાય નહીં ને થઈ નથી. સરકાર ને લોકની તરફથી મદદ ન મળવા વિષે મિત્રોમાં વાત કરતાં દાખલામાં નર્મકોશ વિશે બોલાયલું ને પછી મિત્રોએ બ્હાર ચરચેલું છે. ને એ ઉપરથી જારે બેકદર લોકમાં ગમે તેમ ચરચા ચાલે તારે મારા સરખાનું મન કેમ ન દુખાય? વળી મારી ખાતરી છે કે ગમે તેટલી ને તેવી ચરચા ચાલવા છતાં પણ એ જુજ રકમની પણ મદદ મળવી કઠણ છે. ભાઈ! એ કોશ વ્હેલો મોડો છપાશે જ ને પ્રસ્તાવનામાં લખવાનું થશે કે તે આટલો ચરચાયો છતાં પણ ગુજરાતીઓમાં કોઈ સદ્ગૃહસ્થ ન મળ્યો? પણ એ વિચાર ફેરવવાનો પ્રસંગ ઈશ્વર મને આપો, એવું મારૂં મારા ગુજરાતીઓ સંબંધી અભિમાન છે.

   મારા ગ્રંથ પ્રસિદ્ધ કરવા સંબંધી મારી રીતથી તમે દૂર પડયા એટલે પૂરા વાકેફ નહીં હો. ગ્રન્થ છપાયો કે પ્રથમ તો તેની સવાસો નકલ મિત્રોમાં ભેટ જાય છે, પછી તે ગમે તેટલી મોટી કિમ્મતની હોય. વળી જે ગરીબ શોખીલા ને વિદ્યાર્થિ છે તેને પણ આપું છઉં. તે ઘણીક વેચાય છે. કેટલાક મિત્રો મારી બક્ષીસની રીતથી અને શ્રીમંતને શરમમાં ન નાંખવાની રીતથી અપ્રસન્ન છે ને તેઓ મને બહુ સમજાવે છે પણ હું દલગીર છઉં કે મારાથી મારી ટેવ મુકાતી નથી. તેમ ધન્ય છે કેટલાક મિત્રોને કે તેઓ મૈત્રિને અર્થે ને વિદ્યાપ્રસારને અર્થે મારા કામને બનતી સહાય કરે છે ને એને સારૂં હું તેમનો ઉપકાર માનું છઉં.

   ‘ડાંડિયા’ ના વિષય સંબંધી ‘જેમાં વિચારીને વાંચશો તો જાણવામાં આવશે.’ પણ દલગીર છઉં કે જુનાગઢ ભાવનગર ઉત્તર ગુજરાતનાં બૈરાંઓનાં ભાષણ સાંભળવાનો મારે હજી પ્રસંગ આવ્યો નથી.
- શુભેચ્છક નર્મદાશંકરના આશીર્વાદ.


0 comments


Leave comment