3.11.3 - ગણપતરામ વેણીલાલ ઓઝાને - ૩ / મારી હકીકત / કવિ નર્મદ


સુરત-આમલીરાન,
તા. ૨૧ આગષ્ટ ૧૮૧૮

   પ્રિય ભાઈ ગણપતરામ,
   તને મનોરંજક વિષે મત માગ્યું તો હું ટુંકામાં લખું છું-પ્રથમ મેં છેલ્લો અંગ્રેજી આર્ટિકલ વાંચ્યો ને તેથી બહુ પ્રસન્ન થયો છઊં. ઈબારતની છબ ‘ડાંડિયા’ના કેટલાક આર્ટિકલના જેવી ને વિષય સરસ છે. Better to die Leonidas એ પારેગ્રાફથી મને એમ લાગ્યું કે એવો એક્કેકો વિષય ગુજરાતીમાં આવ્યાં કરે તો સ્વદેશપ્રીતિના લખાણોમાં સારો ઉમેરો થાય. પ્રસ્તાવના ને ટુંકામાં લખેલી ઠાવકી અંગ્રેજી કવિતા પણ સારી છે. (ફ્રીમેશન) રાજ્યસ્વપ્ન તથા નાટક વિષયમાં જેટલું લખાયલું છે તેટલા ઉપરથી ચોપાનિયાનું ભાવી સ્વરૂપ સુંદર કલ્પી શકાય છે. બીજા વિષયો સાધારણ પક્ષના સારા છે. ભાષા, પ્રૌઢી તરફના વલણથી લખતાં વિચાર થાય ને વાર લાગે તેટલી ઓછી એવી સરળતાવાળી ને વાદે સારી છે.

   હિંદુસ્તાની દાખલ કરવા વિષે જે વિચાર રાખ્યો છે તે મન બહુ ગમ્યો છે. પણ મારું મત નવી ઉરદુ કરવાનું નથી હિંદી કાયમ રાખવાનું છે. હિંદુસ્તાનની ન્યાશનલ ભાષા એક જ હોવી જોઈયે એવો મારો ઘણા વરસનો વિચાર છે ને એ સંબંધી મેં કહીં લખ્યું પણ છે. આપણી નાશનલ ભાષા સંસ્કૃત હતી પણ હવે જેમાં વિશેષ સંસ્કૃત ને થોડા ઉરદુ ફારસી શબ્દો આવે તેવી આગરા, કાશી વગેરેમાં હિંદુઓ જે ભાષા બોલે છે તે હિંદી હોવી જોઈયે; અગર તેવો કોઈ લખનાર અહીં ન મળે તો તેણીપાસથી કોઈને બોલાવવો જોઈએ ને આપણે તે શિખવાનો અભ્યાસ રાખવો જોઈયે. ગુજરાતી ઇડિયમવાળી, મુસલમાની ઇડિયમવાળી અને સંસ્કૃત ફારસી હિંદી ઉરદુ શબ્દો મનસ્વી મિશ્રણવાળી નવી ભાષા કરી, છતી શુદ્ધ હિન્દીને અથવા શુદ્ધ ઉરદુને ભ્રષ્ટ કરવી એ મને તો સારૂં નથી લાગતું. કહેશો કે શુદ્ધ હિંદીમાં મુસલમાનને ગમ નહીં પડે, પણ એટલું તો ખરૂં છે કે તેઓ સમજી તો શકશે જ ને અગર તેઓને અનુકૂળ ન પડી તો પણ શું? હિંદુસ્તાનમાં હિંદુની સંખ્યા મુસલમાન કરતાં બાર ગણી વધારે છે, માટે આપણે આપણી નાશનલ ભાષા હિંદી જ રાખવી કે જે આજકાલ ફક્ત ઉત્તર હિંદુસ્તાનમાં જ ચાર કરોડ હિંદુઓમાં બોલાય છે. બંગાળીઓ પોતાની બંગાળીની સાથે હિંદી પણ જાણે છે, તારે ગુજરાતીઓએ કેમ ન જાણવી? ઉપર જે ચાર કરોડની સંખ્યા લીધી છે તેમાં બંગાળીઓ નથી. ઓગણીશ કરોડની વસ્તીમાં માત્ર ત્રણ કરોડ ઉરદુ બોલનાર છે. ભ્રષ્ટ ઉરદુમાં લખેલો નાટકવિષય ભાષા સુદ્ધાં નિરસ છે; તેમ મિશ્ર કાવ્યબંધ ચાતુરીના ક્લિષ્ટ કવિતા ચોપાનિયામાં ન આવવી જોઈએ.

   સૂચના દાખલ એક વાત જણાવું છઉં કે આજકાલ ગ્રંથ લખવામાં વિષયના વિધિનિષેધની ઘણી અસર થાય તેવું હોય-ગ્રંથમાંથી અસર કરવાની શકિત ઘટી જઈને તે મોળો પડતો હોય તો તે પ્રસંગે નિષેધવાદ ભભકમાં ન બતાવવો. મારે કેટલીક વખત મારા લખાણમાં દેશકાલ જોઈ લોકના ઉપર અસર કરવાને ઉદ્દેશને જ છટાથી દરસાવવો પડે છે – જેમ છેલ્લા અંગ્રેજી આર્ટિકલમાં છે તેમ, હેલેનિઝમમાં કેટલુંક ઘણું સ્તુત્ય છે પણ ખબડદાર લખનારા એને વળી ખરેખરૂં હેલેનઝમને જ અચ્છું બ્હાર પાડયું છે.

   મોટી ખુશાલી છે કે દેશી રાજ્યમાં રાજ્યમાં રાજ્યાશ્રયથી એ ચોપાનિયું નિકળ્યું છે. એમાં દેશપ્રીતિના વિષયો, દેશાભિમાની પુખ્ત વિદ્વાનોના વિચાર ને જોસ્સાથી લખાશે એવી આશા રાખું છઉં.

   અધિપતિઓએ તમારી પાસે મને યથાયોગ્ય લખાવ્યા છે તેમ તેઓને મારા પહોંચાડજો. હવે તો લોકને ‘વિજ્ઞાન વિલાસ’ ને ‘મનોરંજક’ એ બેની સરસાસરસી જોવાની મઝા છે.
- નર્મદાશંકરના આશીર્વાદ.


0 comments


Leave comment