3.11.4 - ગણપતરામ વેણીલાલ ઓઝાને - ૪ / મારી હકીકત / કવિ નર્મદ


સુરત,
તા. ૨ જી અકટોબર સને ૧૮૬૯

   સ્નેહી શ્રી ભાઈ ગણપતરામ,
   મારી તે વળી કૃપા શી? કૃપા તો તમારી હોવી. તમારા પત્રો મારાં કાગળિયામાં સંતાઈ રહેલા તેને શોધતાં વાર લાગી હતી. મિત્ર રતિલાલના કહેવાથી મેં જાણ્યું કે દોસ્ત મુરાદઅલ્લીએ મને પત્ર લખ્યો હતો. એ પત્ર ગેરવલ્લે પડેલો અથવા મારા ઘરના માણસોથી ડાબે હાથે મુકાયલો એમ મને લાગે છે. એ ભાઈએ તમારા પત્રમાં જે પ્રેમ ઉભરાતી લીટી લખી છે તેને માટે હું તેમનો ઉપકાર માનું છું. શું લખું? કોઈ પણ રીતે આપણે ફાવી શકતા નથી; સાતમે આકાશથી સાતમે પાતાળ ધમ પડી રીબાઈયે છૈયે-ઉપરથી માર છે એટલે ઉભાં પણ થવાતું નથી તો પછી શું? લાખોમાંથી થોડાંએક મારા ખાતાં ખાતાં પણ જુદે જુદે ઠેકણે મથીમથીને ઉભાં થવું – પ્રત્યેકે ઉભા થઈ પોતપોતાની પાસેના બીજાઓને સહાય થઈ ટટાર કરવા – પછી સાધન સાહિત્યસામગ્રી પ્રાપ્ત કરવાના રણમાં મથવું. – મથતાં જો તે પ્રાપ્ત થયાં તો વળી પછી સમોવડિઆએ સ્પર્ધા – તજી ઐક્ય રાખવું – વળી પાછું મોટું યુદ્ધ કરવું ને તેમાં બહુ બહુ અપજસ જોવા-પછી અંતે આમ કે તેમ – વ્હેમોને હાંકી મેલવા એ ત્વરાથી તો ન જ બનવાનું ને મૃતક પુરુષત્વને સજીવન કરવાનું બની શકે તેમ છે. તો પણ જ્યાં ઉભાં થવાતું નથી ત્યાં બીજું શું ઇચ્છવું? જેમ તેમ ઉભાં થયલા એવામાંથી કોઈ બેસી ગયા છે-જાય છે ને કોઈ સૂઈ ગયા ને – જાય છે. મારો વિચાર તો આ કે મથતા રેહેવું. પછી સમય કરે તે ખરું-મથતાં થાકી જવાય તો થાક ઉતારવો પણ ઉતર્યો કે પાછાં ગતિમંત થવું. આ વિચારને તમે કેટલા પ્રતિકૂળ છો તે લખશો?

   ‘લખી શકો’ – ‘તેમ ન પણ લખાય’ ને એ વાક્ય મેં તમારે જ માટે લખ્યું હતું – ને સ્પષ્ટ કરવાને તો હમણાં હું ઇચ્છતો નથી. મૈત્રિ વિષે તમે તમારા અનુભવ તથા તર્ક ઉપર વિચાર કરતાં શું નક્કી કરવું છે? ઉત્તમ મૈત્રિ તે કઈ? એ વિષે લખી જણાવશો.

   આ કાગળની પેહેલી કલમમાં હમણાંની સ્થિતિ જણાવી છે એટલે તમે જાણશો કે હાલમાં મારી તરફના ઓળખીતામાંથી કોઈ ‘શેર’ રાખે તેવું નથી જ. તમે લખો છો તે પ્રમાણે છેક ‘પરતંત્ર’ થવું પડે.

   તમે ‘સમશેરનો’ ઉતારો મોકલ્યો તે ઉપરથી મારા કોષ વિષે તમારી દાઝ છે, એમ મેં જાણ્યું છે. એ વિષય મારી જાણ પ્રમાણે આ છે –પ્રથમ ગુજરાતી અંગ્રેજી કોશ કરવો ને પછી બીજા તૈયાર કવા એવો ડા. બ્યુલરનો વિચાર તે તેઓએ જણાવ્યો ને હાલ તેઓ પચાસ હજારની ગોઠવણ કરવાના વિચારમાં છે. ડા. બ્યૂલરે મારી સાથે વાત કરી છે ને મેં તેમને મારા શબ્દ આપવાની ના કહી છે. ડા. ને મળ્યો તેની પહેલાં મેં મિ. પીલને મદદને સારૂ અરજી કરી હતી ને તેના જવાબમાં આવ્યું છે કે કોશ છપાયા પછી વિચાર-પણ મારા શ્રમની તેમને કદર છે એવું તેણે લેટરમાં બતાવ્યું છે. એકાએક ડા. બ્યૂલરનો વિચાર નિકળવો એ અને જાણો જ છો કે મહિપતરામની વર્તણુંક મારી તરફ કેવી છે તે એ બે કારણથી મિ. પીલે ઇચ્છા પ્રમાણે ઉત્તર વાળ્યો નથી.

   આ વર્ષમાં ગોપાળજીભાઈ સાથે મારે થોડોક વધારે પ્રસંગ પડયો છે ને હમે સારી સારી વાતો કરી છે. એઓ ભાવનગર હોય તો મારૂં આ સંભારણું તેમને જણાવશો. મારા પાડોશી કવિને તમારા લખ્યા પ્રમાણે કહ્યું છે.

   ગુજરાતી ગીતિ કરી છે તે જો યથાર્થ હોય તો ઉપયોગમાં લેવી. મારૂં નામ સંક્ષેપમાં પણ લખવું અવશ્ય તો નથી.
ગ્રીક સકળ જનમાંહી, જેના સરખો નહીં જ કો સાચો;
ન્યાયે વર્તે તેવો, તેને શિક્ષા મરણ તણી દો છો.

   વારૂ ભાઈ, ગુજરાતી ભાષાના પ્રાચીન ગ્રંથો અથવા એમાંનાં પાનાંનો સંગ્રહ તમારી તરફ મારા જોવામાં આવે ખરો? સૈકા સૈકામાં ભાષામાં કેટલો અંતર પડયો છે તે જાણવાનું છે? નરસહીં મેતાની પૂર્વે કોણ કવિ થઈ ગયા છે? આપણા કવિઓએ દેશી-ઢાળમાં પદબંધ બાંધ્યા છે તે શા ઉપરથી. પદ-ગરબી દેશીની ચાલ કોણે ક્યારે ને શા ઉપરથી કહાડી તે જાણવું જોઈએ.

   બહુ લખાણ થઈ ગયું માટે હવે બસ-
- નર્મદાશંકરના આશીર્વાદ.


0 comments


Leave comment