3.11.5 - ગણપતરામ વેણીલાલ ઓઝાને - ૫ / મારી હકીકત / કવિ નર્મદ


સુરત-આમલીરાન
તા. ૧૬ નવેંબર ૧૮૬૯

   સ્નેહી ભાઈ ગણપતરામ,
   તા. ૨૫ મી ઓક્ટોબરનો પોતો છે.

   તમે જાણતાં જ હશો જ તો પણ મારે જણાવવું ઘટિત છે કે કોશ ભાવનગરમાં છપાશે ને આશ્રય મળશે.
   હું ગણદેવી જઈ ભાઈ રતીલાલ તથા મીયાંને મળ્યો છઉં ને મેં એઓ સાથે સારી વાતો કરી છે. મનોરંજક રત્ન હવે ઉતાવળથી પાછું નજરે પડશે.

   ‘તંગીમાં મદદ કરે તે ખરો દોસ્ત.’ તો પણ તેવું ઘણીવાર કેટલાએક પ્રસંગ પુર:સર કરવાનું ખુશીથી કે નાખુશીથી-સ્વસત્તાથી કે પરસત્તાથી માંડી વાળવું પડે છે, એ વાક્યમાં માણસ જો દોસ્ત જ છે તો તેને મદદ કરવાનું ખુશીથી અને સ્વસત્તામાં છતાં માંડી વાળવું એમાં તો મૈત્રિને દૂષણ આવે. એ શબ્દોમાં તમે જો કોઈ ભેદ રાખ્યો હોય તો વળી જુદો વિચાર થાય.

   અએ પોતાના સંકટમાં પોતાના બીજા બધા મિત્રોની સલાહ લીધી પણ એક બની ન લીધી-એથી બ કંઈક નારાજી થયો, તોપણ તે અના ભુંડામાં નહીં, ને એમ છતાં બીજા મિત્રોએ અના કાન ભંભેર્યા કે બ જ તને આડો આવે છે. ગભરાયલા અએ તે વાત ખરી માની અધમ જુક્તિથી પણ સ્વાર્થ સાધવાને ખાનગીમાં નિદ્યાં કર્યો ને જાહેરમાં ધિકાર્યો. બ તારે કેવળ નિસ્પૃહ રહેલો ને વિસ્મિત થયલો કે અ આ શું ઘેલું કરે છે? અએ જે જે કીધું તે તે સહુ બએ સાંખ્યું. અ બંધ રહે જ નહીં તારે પછી બનો ધર્મ હતો કે વા પર ગયલા અને જોસ્સો કોઈ પણ રીતે નરમ પાડવો ને તેમ તેણે કીધું. હજી પણ બને અની દયા છે, પણ ડોળઘાલુ અ પુરુષમાં જારે વીર્યનીચત્વ, સ્વાર્થાધત્વ, સંગતિ-દુર્જનત્વ દેખાયા ત્યારે બએ એકવાર તેને શાસ્ત્ર બતાવ્યું, પણ ભલો છે બ કે જેટલું કહેવું જોઈયે તેટલું પણ તે પ્રસંગની પૂર્વ નીશાનીમાં કહેતો નથી, પણ ફક્ત બેદરકાર જ રેહ છે ને અ શું ફુવડતા કર્યો જાય છે તે વિચારવંત જાણે છે ને શું કરશે તે જાણશે-અફસોસ. વળી તમારે જાણવું કે અ ને બ પ્રથમથી જ મારા મિત્ર નોતા! માત્ર એક ક્ષેત્રમાં સાથે કામ કરનારા હોવાથી લોકમાં તેઓ મિત્ર છે એમ માનતા હશે.

   તમે મારા કાગળો રઝળતા નહીં રાખતા હો ને ક્વચિત જ કોઈને વંચાવતા હશો એમ હું જાણું છઉં.
- લી. નર્મદાશંકર.


0 comments


Leave comment