3.11.7 - ગણપતરામ વેણીલાલ ઓઝાને - ૭ / મારી હકીકત / કવિ નર્મદ


તા. ૨૦ ફેબરવારી ૧૮૭૦,
સવારે સાત વાગતે.

   પ્રિય મિત્ર ભાઈ ગણપતરામ,
   તમારો તા. ૧૬ મીનો પત્ર પોંહચ્યો છે, તેમ ભાઈ રણછોડલાલનો તા. ૧૪ મીનો પણ આવ્યો છે. તમારા બંનેના સ્નેહ જોઈ હું જરા સંકોચાયોં છઉં કે મારો તમને દેખડાવવાનો પ્રસંગ આવતો નથી. સ્નેહની આતુરતાને કિયો માણસ નથી ઝીલતો? અણસમજુ અવિવેકે ઝીલે છે ને સમજુ વિવેકથી ઝીલે છે. વિવેકથી ઝીલવામાં તેટલી તેજી નથી હોતી તો પણ એ ઝીલવામાં રસ ઘાડો ને સ્થાયી છે એમ હું સમજું છઉં. અરે ટૂંકમાં ઉત્તર લખવો ધારીને બેઠો હતો તે લાંબા લખાણનો પાયો નંખાયો! દિલગીર છઉં કે ચણવાનો અવકાશ નથી! ભાઈયો માફ કરજો ઘણી તજવીજ છતાં પણ મારાથી પાવાગઢ નિમિત્ત તમારો સમાગમ થઈ શકશે નહીં-ઇચ્છા પરિપૂર્ણ છે, તમારૂં સ્નેહાળ ઉત્તેજન છે પણ શેઠ ઉપાધિ આડો નડે છે–ગુજરાતી પૂર્વ દિશાની અધિષ્ઠાતા દેવીનાં સ્થાનકની શોભા જોતાં મને સંભારજો ને પછી તમે સહુ પ્રાર્થના કરજો કે મા હવે બહુ થયું રંક દેશીઓ સામું જો ને……….. ઉરમાં અભિમાન પ્રેરે ને જય અપાવ-ભાઈયો મારી ગેરહાજરીથી દિલગીર ન થતાં આનંદથી રહેજો.

   મંડળને યથાયોગ્ય.
- નર્મદાશંકરની સઈ.


0 comments


Leave comment