3.12.1 - લક્ષ્મીરામને - ૧ / મારી હકીકત / કવિ નર્મદ


સુરત, આમલીરાન
તા. ૭ ફેબ્રુઆરી ૧૮૬૯

   ભાઈ લક્ષ્મીરામ,
   મહા વદ૧ નો આવ્યો તે વાંચી સંતોષ થયો છે કે મળ્યાને ઘણા માસ થયા છે તો પણ તમારી ભક્તિ મારા ઉપર તેવી જ છે. તમે મને ડિસેથી લાંબો કાગળ લખ્યો હતો પણ મારાથી ઉત્તર ન લખાયો, તેનું કારણ આ કે, તમે જાણતા જ હશો કે હું ઉધરસની હેરાન હતો ને એ પાછી એટલી વધી ગઈ હતી કે મેં દેહકષ્ટથી તે કહાડવાનું ઠેરવ્યું હતું ને ઉદેપુર લગી જઈ આવ્યો છઉં. સુરતથી જ જો તહાં જવાનો વિચાર હત તો હું ડિસે જ આવત, પણ અમદાવાદ બહાર પડયા પછી મેં તેણી તરફનો રસ્તો લીધો હતો. મેં ઘણાક વિકટ પહાડ ઝાડીને રસ્તે ભીલના ગામ ને સલુંબર ને ઉદેપુર જોયાં છે. ભલુ સૃષ્ટિસૌંદર્ય! એણે જ મારું વૈદું કર્યું ને હું સારો થયો. હજી એક વાર પાછું તહાં જવું ધારું છઉં પણ હાલ તો નહીં.

   જેમ તમે મને કાઠિયાવાડ તરફ આવવાને લખો છો, તેમ ઘણા મિત્રોએ પણ કહ્યું છે કે ઘણાક કહે છે ને મારી પણ ઈચ્છા છે પણ કામના રોકાણથી યોગ આવતો નથી.

   તમે લખો છો કે ‘પ્રથમ હું ડિસા તરફ ગયો, તારે તાહાંના લોકોને એવા તો કમનસીબ જોયા કે તમારા નામથી કેવળ અજાણ, પણ ઈશ્વરેચ્છાથી તમારાં ત્રણે પુસ્તકનો પ્રસાર થયો છે.’ એ વાક્યથી મને સંતોષ છે કે તમે નવા વિચાર સંબંધી તહાંના લોકને જિજ્ઞાસા ઉત્પન્ન કરી છે. ખરેખર એમ જ દરેક જુવાને કરવું જોઈયે. દેશભૂમિ એ આપણી મા છે ને આપણે તેનાં છોકરાં છૈયે. તે ને આપણે અનેક રીતે પીડાઈયે છૈયે માટે સમજતા છોકરાઓનો ધર્મ છે કે પીડા દૂર કરવાને તેઓએ તન, મન, ધન ને ઐક્યથી શ્રમ લેવો જ.

   મારાં પુસ્તકના એજંટ થવા વિષે લખ્યું તો બહું સારૂં. પણ વાંચતાં ન આવડે તેઓને મોંઘી કિંમતના પુસ્તક શા કામના? તો પણ હું હાલ અક્કેક નકલ મોકલીશ.
   ‘પ્રતિદિન તમારો ટેકી સ્વભાવ તથા દેશાભિમાન વધતાં જાય અને નારાયણ રૂડો બદલો આપે’ એ શુભેચ્છા પાર પડો-બદલો આ જ કે દેશીયો સર્વે રીતે ખરા સુખી થાય.

   ઉતાવળ નથી પણ અનુકૂળતાએ નીચે લખેલાં ત્રણ કામ કરવાનો શ્રમ લેશો.
   આપણા જિલ્લામાં ન વપરાતા એવા કાઠિયાવાડી શબ્દો જે તમારા સાંભળવામાં આવે તેનું અર્થ સાથે લખાણ રાખવું.

   કાઠિયાવાડમાં થયલા બહારવટીયા સંબંધી વાતો (તેના વરસ સાથે) એકઠી કરવી.
   આપણાં દેશી રાજ્યોમાં વપરાતાં હથિયારોનાં નામ-જુદી જુદી જાતની બંદુક, જુદી જુદી જાતની તરવાર વગેરે-

   શબ્દ, વાતો ને નામ જેમ જેમ મળતાં જાય તેમ તેમ મોકલ્યાં કરવાં.
  મારાથી કાગળ મોડો લખાય તો પણ તમારે તમારી ફુરસદે લખ્યાં કરવો. ટીકીટો નોતી મોકલવી.
- તમને યશ મળતો જાય એવું ઇચ્છનાર નર્મદાશંકર.


0 comments


Leave comment