3.13.1 - નાનાભાઈ રૂસ્તમજી રાણીનાને - ૧ / મારી હકીકત / કવિ નર્મદ


સુરત આમલીરાન
તા. ૧૨ મી અકટોબર ૧૮૬૯

   પ્રિય ભાઈ
   તારો પત્ર આવ્યો છે, એમ ન જાણીશ કે હું બેદરકાર છઉં. હું પણ હમેશની કાળજીથી વખતે વખતે તાવથી સપડાઉં છઉં. હજી ચોપડી ખાતાના રૂ. ૨૮0) કાઠિયાવાડથી આવ્યા નથી-બ્યૂલર પાસે તાકીદ કરાવ્યા છતાં બિજા રૂ. ૫00 ત્યાંથી મારી બીજી ચોપડીઓના આવનાર છે. એક પાસથી ઘર ખરચના સવાસો જોઈયે ને વેચવાની નાની ચોપડીઓ મળે નહીં. તને ભરવાની મોટી કાળજી તેમ અહીંનાને ભરવાની પણ. વળી અહીં કરજ વધારવાની જરૂરિયાત. હવે હું કેમ ન ગભરાઉં? ઉઠુંછ ત્યારથી તે સુતા સુધીમાં ઓછામાં ઓછી ૧0 વાર દોઢિયાં એમ નિશ્વાસથી બોલાઈ જવાય છે. ખરેખર હું દ્રવ્યને તુચ્છ ગણતો આવ્યો છઉં ને હજીએ મનેથી તેમજ ગણું છઉં પણ મિત્રના વિશ્વાસ ઉપર સાહસ થયેથી જારે ભીડ આવી તારે દ્રવ્ય જરૂરનું લાગે છે. હું હમેશ સહાય કરનારો તે હાલ સહાયપાત્ર થયો છઉં ને સહાય મળતી નથી-હોય! રતના ફેરફાર હોય છે તેમ આ દિવસ પણ જશે. ફાં ફાં માર્યો જાઉં છું-આશા રાખ્યો જાઉં છું-પણ થવાનું હશે તે થશે એમ મનમાં નક્કી સમજું છઉં. સાહસથી થયેલી હાનિનો બદલો વાળવાનો સાહસ જ કરવું જોઈયે, પછી આમ કે તેમ, એ વિચાર પ્રમાણે વર્તવું મેં ધાર્યં છે-નાનાં ચોપડાં તૈયાર કરી છપાવવાં. વાલ્ટર સ્કોટે પોતાના લ્હેણદારોને કહ્યું હતું કે સબુરી રાખો તેમ મારે કહેવું પડે છે. ભાઈ જટેલા ભરાર્યાં છે તેની ક્યાં આશા હતી?! ‘નવાણું તો ભર્યા સો’ એમ કરી રહેલી ચોપડીઓ બંધાવી મારે હવાલે કરે તો પછી હું ૮-૭-૬-૫-૪ ને નિદાન ત્રણે પણ વેચી તને નાણું ભરૂં-એ ઉપાય કરવો રહ્યો. પણ બંધાવાનું તારા હાથમાં છે. ડૈરેક્ટરો કોશ છપાઈ રહે મદદ આપવાનો વિચાર કરીશું એમ લખ્યું છે. હું નવેંબર આખરે તારી પાસ આવીશ ને આશા તો રાખું છઉં કે થોડુંક લેતો આવીશ. ભાઈ તું ગભરાઈને તારી પ્રકૃતિમાં બગાડો કરે છે એ સારી વાત તો નથી. દુખમાં તો પથ્થર જેવી છાતી રાખી વર્તવું, પણ ડાહી સાસરે ન જાય ને ઘેલીને શિખામણ દે તેવું થાય છે! ઈશ્વર તને તન્દુરસ્તી બક્ષે.
- તારો સાચો આનંદ.


0 comments


Leave comment