3.29 - માનબાઈને / મારી હકીકત / કવિ નર્મદ


સૌભાગ્યવતી માનબાઈ,

   તમારે વિષે હું કેવળ અજાણ છઉં એટલે વિસ્તારથી નહિ પણ ટુંકામાં જ લખું છઉં કે-
   જે દાસપણું આપણા લોકોએ સ્ત્રીઓને આપ્યું છે, તેમાંથી તેઓને છોડવવાને હાલમાં વિદ્વાનો વાણીથી ને લખાણથી મેહેનત કરે છે, પણ જ્યાં સુધી પુરૂષો પોતાના સંબંધવાળી સ્ત્રીઓને વ્યવહારમાં યોગ્ય છુટ નહીં આપે અને સ્વ…. સ્ત્રીઓ પોતાની મેળે યોગ્ય છુટ નહીં લે ત્યાં સુધી આપણા દેશની સ્ત્રીઓની સ્થિતિ સુધરવાની નથી. એ વિચાર તમારા પ્રાણપ્રિયનો છે ને એથી જ તમે છુટનું સુખ ભોગવો છો એ જોઈ હું બહુ સંતોષ પામું છઉં.

   તમારા ઘર સંસારી કામકાજમાં અડચણ ન પહોંચે ને તમે તમારો અભ્યાસ જારી રાખી શકો અને વળી તમારૂં જોઈ બીજી સ્ત્રીઓને ઉત્તેજન મળે એને માટે મારે કેટલીક સૂચના કરવી છે તે બીજે પ્રસંગે કરીશ.

   બાઈશ્રી-હું તમારા પ્રાણપ્રિયની દર્શાવેલી ઇચ્છાથી ખાધો(?) નથી.
લા. નર્મદાશંકરના આશીર્વાદ

   ઉપલાનો જવાબ તા. ૨0 મીનો ૨૧ મીયે આવ્યો છે.
(૨)
રૂડા સ્વભાવના માનબાઈ,
   ‘ધર્મેષુ સહથા’ એ બુદ્ધિ તમારી સદૈવ રહો. હું તમારા પ્રાણનાથ સ્વામીનો પરમ સ્નેહી છઉં ને સંતોષી સ્વભાવનો છઉં એનું તમે લખો છો એને હું માત્ર ઉપલો વિવેક સમજું છઉં, કારણકે હજી તમો દંપતિને મારી સાથે ઘણો પ્રસંગ પડયો નથી. તોપણ તમે ઉભયતાએ મારે વિષે સ્નેહપૂર્વક મત બાંધ્યું છે એમ દરસાવો છો તેને માટે હું તમારો ઉભયનો ઉપકાર માનું છઉં.
- નર્મદાશંકરના આશીર્વાદ.


0 comments


Leave comment