43 - કડવું ૩૧ મું- શાસ્ત્રોના મતો / અખેગીતા (અખો)
રાગ ધન્યાશ્રી
વૈશેષિક કહે જંત વિશેષજી, જંતવિના નોહે ના વેષજી;
એમ તે ગણે ગુણના લેખજી, કોણે ન હોય જીવનો ઉવેખજી.૧ ૧
પૂર્વછાયા
નોહે ઉવેખ એહનો, સહુજ દેખે દેહને;
હવે કહું સિધ્ધાંત મોટું, સાંખ્ય બોલે તેહને. ૧
સાંખ્ય સંખ્યા કાઢે તત્વની, જીવકેરૂં રૂપ કહે;
કહે માયા એ મલિન બ્રહ્મ છે, કર્મ ભારને તે વહે. ૨
માયા કેરો સંગ છુટે, તોય પ્રાય શિવ તે છે સદા;
આવર્ણના વિક્ષેપ માટે, ભોગવે છે આપદા. ૩
વેદાંત કહે છે વાત મોટી, એ તો અજા રમે છે અણછતી;
કર્તા કારયિતા એજ માયા છે, દીસે છે જાતી આવતી. ૪
એ તો માયાને માયા ફુરી છે, કર્મ જીવ ને ફળ અજા;
જે જે કર્તવ્ય તે માયાનું,જો ધર્મની બાંધે ધજા. ૫
એ મૂલ મત ખટ દરશનનું, શાસ્ત્રકેરૂં કહિયું રદે;
અર્વાકી તેહના ઉપાસક, તે તો મનના મત બહોળા વદે. ૬
જીવ થાપ્યો મત સઘળે, પછે આચરણ અળગા આચર્યાં;
જીવરૂપે માના ઉદરથી, અળગા કો નવ નીસર્યા. ૭
સાંખ્યને આંખ્ય પા વસાની, જો ચાલે તો ચાલી શકે;
વેદાંતને વાટ સૂજે સુધી, જો માયા મુખથી નવ બકે. ૮
એક એક માંહોમાંહે ખટપટે, હારદ હેત મળે નહીં;
મધ્યે બેઠી માયા મોટી, તે અપત્યને રાખે અહીં. ૯
કહે અખો સહુકો સુણો, એમ સમજ છે મહંતને;
એહનું હારદ તો હાથ આવેમ જો સેવે હરિ-ગુરુ-સંતને. ૧૦
________________________________________
૧ ઉવેખજી = ઉપેક્ષા.
૨ વિક્ષેપ માટે = બહિર્મુખ વૃત્તિને લીધે.
૩ કારયિતા = કરાવનારી.
૪ ફુરી = સ્ફુરી.
૫ અર્વાકી = અર્વાચીન.
૬ સુધી = પાંસરી.
૭ હારદ = અભિપ્રાય.
૮ અપત્યને = પોતાનાં છોકરાંને.
૨ વિક્ષેપ માટે = બહિર્મુખ વૃત્તિને લીધે.
૩ કારયિતા = કરાવનારી.
૪ ફુરી = સ્ફુરી.
૫ અર્વાકી = અર્વાચીન.
૬ સુધી = પાંસરી.
૭ હારદ = અભિપ્રાય.
૮ અપત્યને = પોતાનાં છોકરાંને.
0 comments
Leave comment