1 - પ્રથમ વર્ષા અને પછી …. [પિનુની ડાયરીમાંથી ] / ચુનીલાલ મડિયા


આગલી સાંજે આકાશ સામું જોઈને ઊંઘી ગયેલાઓને એ આકાશી દીદારમાં વળતી સવારે થનાર વર્ષાનું ભાગ્યે જ કોઈ લક્ષણ દેખાયું હશે. છતાં, સમ ખાવાને ય કોઈ પ્રેયસીને પત્ર ન આવવાની પૂરેપૂરી ખાતરી હોવા છતાં, ટપાલ-વહેંચણી ટાણે દિલ સફાળું જાગી ઊઠીને પોસ્ટમેનનાં પગલાંની વ્યર્થ છતાં મીઠી પ્રતીક્ષા કરવા મંડી પડે છે. એ બાલિશ, જક્કી લતનો પ્રેર્યો જ હું, આજે વરસાદ આવશે એ આશામાં, ઘોડબંદરથી એરોડ્રોમ સુધીની નાળિયેરીઓ ભડકિયાના અર્ધા અજવાળે ગણી આવ્યો. પણ ગેબની રાહ જોનારાઓની દયા ખાઈને કોઈકે આશીર્વાદ નથી આપ્યા કે પ્રીતક્ષા ફળ જે તવ ? લેંઘો ઊંચો ચડાવીને આટલા બધા ફર્લાંગનું ગોઠણ સુધી જે રેતીસ્નાન કર્યું હતું તેને જાણે કે સુવર્ણ-ઝારીમાં અંઘોળજળ ભરી પખાળવા જ આકાશેથી ફરફર ફોરાં પડવા માંડયાં. અટાણના પહેરમાં ચિત્રો યાદ આવે એની સામે મને વાંધો નથી, પણ આટઆટલામાં ચિત્રો મૂકીને પેલી જરીપુરાણી, ભમરાળા ઊપટી ગયેલા રંગોમાં છાપેલી, ગામડાંના ચોરાઓ અને મેરાઈની હાટડીઓમાં ટીંગાતી છાપ જ યાદ આવે? —સ્નાનાગારમાં બાજઠ ઉપર રાજા ગોપીચંદને રાણીઓ સ્નાન કરાવે છે અને ઉપરના છજામાંથી, પુત્રની તપ્તકાંચનવર્ણી દેહલતા જોઈને માતાની આંખમાંથી ડબાક દેતુંકને આંસુ ટપકે છે– ‘આવી કાયા પત્ર જરા અને મૃત્યુને લીધે એક દિવસ ધૂળધાણી થાશે.’ રાણીઓને હાથે સુવર્ણ–ઝારીઓમાંથી વરસતા એકધારા પાણીપ્રવાહમાં ઉપરથી ટપકેલ આંસુનો ઉનો અનોખો સ્પર્શાનુભવ અને...અને આજે પ્રથમ વર્ર્ષાના મંગળ–અવસરે આવંં થાય તે સારું નહિ એમ સમજી હું તો આંખ લૂછીને આગળ વધ્યો.

એને વરસાદ કહેવા કરતાં સારી રીતે તે નાનકડું ઝાપટું, શ્રાવણ મહિનાનું સરવડું કહેવું જોઈએ. અને ફોરાંનું કદ પણ કેવું જાડુંમોટું હતું. તવાનું તેલ થયું ન થયું, ને ઉતાવળમાં ભજિયાનો પહેલો ઘાણવો નાખીને આસ્વાદવાની આતુરતામાં ઝટઝટ બહાર કાઢી લેતાં કાચુંપાકું અને નાનુંમોટું ઊતરે એવું જ આ પ્રથમ વર્ષાએ થતું લાગ્યું. નાળિયેરીઓ તળેની રેતી જ્યારે પલળીને લબદો થઈ ગઈ હતી, ત્યારે જ્યાં મોજાનાં ફીણ પથરાતાં હતાં એની આજની જ રેતી કેટલેક ઠેકાણે સાવ કોરી થઈ ગઈ હતી.

એટલા માટે જ કહું છું કે આજનો દિવસ મારે માટે જુદી રીતે ઊગ્યો હતો. જુઓ ને, ગુજરાત મેલ અને કાઠિયાવાડ મેલ સડસડાટ દોડી જઈને સેન્ટ્રલ પણ પહોંચી ગયા, માથે બે લોકલ પણ ઊપડી ગઈ, છતાં સૂરજ ઊગવાના-ના, એ તે ઊગ્યો હશે જ પણ એનો તડકો ઊગવાનાં – એક્કેય ચિહ્ન દેખાય છે ? અને અત્યારે અમથો રખડવા નીકળી પડ્યો એમાંય સાથે ઘડિયાળ લાવ્યો હોત તો પણ આ પ્રથમ વર્ષા પછીની ચટકા ભરતી ઠંડી ધરતીમાંથી ફોરતી ઊનીઊની મહેક અને નહાઈ ધોઈને ભીનાં ચોટલાની લટો સમારતી ઉભેલી નાળિયેરીઓ મને ત્યાંથી ડગલું પણ ક્યાં ખસવા દિયે એમ હતી ? અને પરિણામે રેસ્ટોરાંમાં મોડો પડતાં મારે જરથુસ્તી જિગર જરા રંગમાં આવી જઈને મારા મોડા થવા વિશે રંગબેરંગી કલ્પનાઓ કરે એમાં એનો ય શું વાંક ? રોજિંદા– અને તેથી જ એકધારા બન્યે જતા અને ચા અને ‘મસ્કાસીલેસ’માં ય આજે કઈ દિવસ નહોતો એટલો સ્વાદ આવતો હતો. માત્ર ચા અને ટોસ્ટ જ શા માટે, આજે રેસ્ટોરાંનાં અરીસા, કાચ, કબાટ, સિગારેટ, ચોકલેટના ડબ્બા– બધું જ નવા રંગે ચમકતું હતું.

પૂર ઝડપે દોડતી લોકલની લોઢા-લાકડાની દીવાલોથી રક્ષાઈને બેસવું એ આજે અર્ધા કલાકની આસનકેદની સજા ભોગવવા જેવું આકરું લાગતું હતું. બધાં જ પરાંઓએ આજે સમુહસ્નાન કર્યું હતું. મહિનાઓથી નહિ ધોવાયેલા સ્ટેશનના પ્લેટફોર્મ અને પુલોને આજે જાણે કે ઘસીઘસીને અજવાળ્યાં હતાં. પરોઢની વર્ષાની સુમધુર ચમકારી અને ગરમ સ્વેટરની ગરજ સારે એવી હુંફાળી ધરતીની ઉષ્મા વાતાવરણમાં ઠાંસોઠાંસ ભરી હતી. સદાયને માટે અભંગદ્વાર રહેતાં ડબ્બાનાં બારણાં વચ્ચેના થાંભલાને મમતાપૂર્વક બગલમાં ભીડીને હું પગથિયાની બહાર ત્રાંસો ઝળુંબતો હતો, તે જોઈને સાન્તાક્રુઝથી મિસ દલાલ અને તેની ઓળખીતી પાળખીતી બધી જ બહેનપણીઓનું ટોળું આ ડબામાં ચડ્યું. છતાં હું તો મારે સ્થિતપ્રજ્ઞ બનીને મારા એ સળિયાને વફાદાર રહી, બહાર ઝુકતો જ રહ્યો. ખારના પ્લેટફોર્મ ઉપર ગીરદી પ્રમાણમાં ઓછી હતી છતાં, મિસ કાપડિયા, મિસ શોધન અને મિસ અતલેકરની ત્રિપુટીને આ ડબ્બાનું જ બારણું નજીક પડ્યું. વાંદરે જતાં થોડી રાહત મળશે એવી આશા હતી, પણ ત્યાં તે લ્યુસી, તહેમી, મિસ ઝાબવાલા અને મિસ આશરપોટાએ છેક સામે છેડે, પુલ નજીક ઊભાં હતાં ત્યાંથી, છેક કોલેજ-ક્લાસ સુધીનો સથવારો મળશે એમ સમજી ‘હલ્લો ! હલ્લો મિસ્ટર પિનુભાઈ !’ કરતાંકને મને મારા ટેકણ થાંભલાથી છુટ્ટો પાડ્યો. હવે આ ડબ્બો ‘વિલ્સોનિયન્સ’ થી ચીકાર થઈ ગયો હતો, છતાં માટુંગાથી પ્રમીલા, વત્સુ અને મિસ જરીવાલા જુદા ડબ્બામાં બેસે એ અમારા કલબલાટે ગાજતા ડબ્બાની બારીઓએ બેઠેલી કાબરોથી કેમ સહ્યું જાય? ગિરદીમાં ય વધારે ગિરદી કરાવ્યા પછી હું મારી બેઠક ઉપર ‘પ્રોકસી’ તરીકે મૂકી આવેલ કૉલેજફાઈલનો કબજો લેવા ગયો ત્યારે એ જગ્યા ગઈ હતી તેનો તો મને રંજ ન થયો, પણ મૂળ મુદ્દામાલ ફાઈલનો પણ પત્તો ન મળ્યો. મળ્યાં માત્ર મર્મસૂચક હાસ્યો અને મર્મવચનો :
‘આજે ચોર પકડાયો !’
‘આટલા માટે જ ભાઈસાહેબ કલાસમાં આપણું બરોબર સામેની બેન્ચ ઉપર બેસે છે!’
‘પ્રોફેસર બિચારા સમજે કે મારાં લેક્ચર્સ ઉતારે છે અને આ ક્લાકાર આપણા સહુના રેખાચિત્રો–‘
‘ના રે ના, એ તો હેર ઓઈલવાળાની જાહેર ખબર માટે આટલા બધા ચોટલા અને બોબ્ડ ચીતર્યા છે.’

પણ તે દરમ્યાન તો મારી ફાઈલ હાથોહાથ ફરતી, સામે ખૂણે પહોંચી ગઈ હતી. વાતો પણ વધી હતી :
‘આ લેડી મેકબેથ'
‘પણ આનું નાક આટલું વધારે લાંબુ શા માટે બનાવ્યું હશે ?... અમોલાનું નાક તો–'
‘અને નોર્માં શેરરને પણ નથી છોડી કે? પણ મિસ દોરીવાલાના ગાલ ઉપર તો-‘

પૂર્વ તરફની ટેકરીઓ ઉપર વાદળીઓ વરસી રહ્યા પછી એવી તે અચ્છી તરેહથી ગોઠવાઈ ગઈ હતી કે અત્યારે પાછળ ચડી આવેલ સૂરજનાં કિરણો એમાં પ્રતિબિંત થતાં, રંગબેરંગી ઝુમ્મરોમાં મૂકેલ દીપાવલિ જેવું દૃશ્ય ઊઠતું હતું. ડબ્બામાં પણ એટલી જ તાઝગીભર્યા રંગો ચમકી રહ્યા હતા. તાલબદ્ધ ખડભડાટ સાથે દોડ્યે જતી લોકલમાં પણ જે ઠંડીગાર લહરીઓ આવીને ટેનીસ સોંસરવો સીત્કાર કરાવી જતી હતી તેમાં પણ દિલ અને દિમાગને તરબતર કરી મૂકતી ખુશ્બૂ ભરી હતી.

પણ હું એ ટેકરીઓની રંગ-કિનારીઓ ઉપરથી આંખ ખસેડું એ પહેલાં તો એ ફાઈલ મારી બગલમાં કોઈએ ખોસી દીધી હતી અને હું ‘શુક્રિયા—‘ એટલું કહેવા જીભ ઉપાડું એ પહેલાં તો ચારે ખૂણેથી, મોં આડે નોટ્સબુક્સ ધરીધરીને સહુએ હસવા માંડ્યું. મિસ દોરીવાલાનો અવાજ આવ્યો : ‘મિસ્ટર, પહેલાં તમારા માથામાં તો કાંસકો ફેરવવો શરૂ કરો; પછી તમારી સ્કેચ-બુકમાં અમારાં વેણીગુલાબ ચીતરજો !’

દોરીવાલા તરફ ફરવા જાઉં છું ત્યાં તે ફરી પાછળથી વત્સુએ શરૂ કર્યું:
‘અને પિનુભાઈ અમારી અલકલટો દોરતાં પહેલાં તમારી જ મલકલટોનાં ઊડતાં જટિયાંમાં પિન ખોસો ને !'

અને સાચે જ, સામી બાજુથી એક હેરપિન ઊડતીકને મારા કાન સાથે અથડાઈ.
ગ્રાન્ટરોડ આવતાં સૌએ ટપોટપ નીચે પડવા માંડ્યું, પણ હું વગરમાગ્યે ઇનાયત થયેલી સોગાદ સાથે લઈ લેવાનું ચૂક્યો નહિ.

આજે મારે બધે ય ઠેકાણેથી જાકારા સાંભળવા સર્જ્યા હશે ? ગ્રાન્ટરોડથી વિલ્સન ક્યારે અને કેવી રીતે પહોંચ્યો એનું, કશું ભાન ન રહ્યું. કોણ જાણે કોણે એ જોડકણું રચ્યું હશે, પણ આખે રસ્તે એ બૈતે પજવ્યા કર્યો: ‘ગર્લ્સ સી ધ ફેસીઝ, વિલ્સન ફેસીઝ ધ સી.’ અટાણે સૂર્ય બનીઠનીને વાદળાંની બહાર આવ્યો હતો; છતાં થોડા કલાક પહેલાં જ પોશપોશ પાણીએ રડેલા આકાશના ગાલ ઉપરથી આંસુની ધારના ડાઘ સાવ નહોતા ભૂંસાઈ શક્યા. મૂળ માછીમારોનો આ ટાપુ આજે પ્રથમ વર્ષાનાં પાણી વડે નહાઈધોઈને તડકે ડીલ સૂક્વવા બેઠા હતા. આ અલબેલી ગણાતી નગરીની તપ્તકાંચનવર્ણી સૂરત જોતો જોતો નોટિસબોર્ડ નજીક પહોંચ્યો તે ત્યાં શું જોયું?...એ જ તો, જે જોઈને પ્રેમાનંદના વાસંગીઓ રાફડામાં સંતાઈ ગયા હતા. એક-લટ અને બે—લટમાં વિહરતા એ કલાપો અને માથે વર્ષાછાંટે ભીંજાયેલાં અક્કેક બબ્બે ગુલાબો. નોટિસબોર્ડ ઉપર થતા અધીરા ધસારા ઉપરથી લાગ્યું કે કાંઈક અગત્યની કોઈ નોટીસ મુકાઈ છે; પણ આ ગુલાબ મોગરાની નાકાબંધી તૂટે તો હું આગળ જઈને કાંઈ વાંચી શકું ને? પગના અંગૂઠા અને આંગળીઓને ટેકણે ઊંચા થવાનો અખતરો હજી તો અમલમાં મૂકું છું, ત્યાં જ, બે પગ ઉપર ઝાડ થવા માગતી ઘોડીના બરડા ઉપર તેના સવારનો ચાબુક પડે તેમ મારી પીઠ ઉપર ધબાકો થયો અને ટેનિસના કાંઠલામાં આંગળીઓ ભરાવીને મહેન્દ્રે મને પાછો ખેંચ્યો :
‘કોલેજમાં કાંઈ ભણવું કારવવું છે ખરું, કે પછી આમ વેણીઓ જ સૂંઘ્યા કરવી છે ?'

મહેન્દ્રને હું કાંઈ જવાબ આપું, કે બચાવ કરું એ પહેલાં તો એક બીજો મિત્ર લાયબ્રેરી તરફ ખેંચી ગયો હતો.

બહાર આજે બધી હોડીઓ પાણી વિના કાદવમાં ખૂંચીને તરફડિયાં મારતી જોઈને મારું મન ભારેભારે થઈ ગયું. ચાકીમાં મોહનથાળને ઘાણવો ઠાલવ્યો હોય એવા સમથળ કાદવપટમાં પગલાં પાડીને વચ્ચે વચ્ચે કોઈ ગઈ રાતના વાસી ફૂલહારોનો ખાસ્સો ઢગલો જ કરી ગયું હતું. એમાં કરમાયેલી માળાએ અને ગજરાઓમાં ગૂથેલી મોંઘી પાડી જરીનાં ગૂંચળાં તો સૂરજના પ્રકાશમાં છેક અહીં સુધી ઝગારા મારતાં હતાં. આજે નોમ હતી એ તો હું કેલેન્ડરમાંથી જોઈ આવ્યો હતો. અને છ વાગે મારમાર કરતી ભરતી આવી ચડશે એનું મને આશ્વાસન હતું જ; છતાં, થોડા કલાક પછી ત્યાં માનવમેદની ઊમટવાની છે એ રળિયામણા માર્ગને ખાલીખમ્મ પડેલો જોઈને, બપોર ટાણે બગાસાં ખાતી નાટકશાળાના જેટલો મેં હડસેલો અનુભવ્યો.

રીસેસ પછી પીરિયડ ભરવાની મજા નહિ આવે એમ સમજીને રેસ્ટોરાંમાંથી બારોબાર જ બાણગંગાને રસ્તે ઊપડી ગયો.
સીધા, ડામર રસ્તે જવાને બદલે મેં હેંગિંગ ગાર્ડનથી ઊતરતી આડ-કેડીઓએ ચાલવાનું પસંદ કર્યું. હજી ગઈકાલ સુધી ભૂખરી લાગતી વનરાજિ આજે કોઈ અજબ રંગે ચમકી ઊઠી હતી. આડે દિવસે સુક્કાં સડેલાં પાંદડાંથી ભરી રહેતી આ કેડીઓની ભૂલભુલામણી આજે ધોધમાર દરોડાઓમાં ધોવાઈને સાફ થઈ ગઈ હતી. વચ્ચે, ક્યાંકક્યાંક ખાડાખાબોચિયામાં આજે નવાં પાણી ભરાઈ બેઠાં હતાં. આ બધામાં છબછબિયાં કરતો એટલી તે પલકવારમાં બાણગંગા જઈ પહોંચે કે કુંડને પગથિયે થંભીને કેડે હાથ મૂકતાં લાગ્યું કે આખા રસ્તાનો ઢોળાવ ઊતરતી વેળા પાછળથી કોઈએ ધક્કો જ માર્યો હશે.

હવે પછવાડે દરિયાને ઘૂઘવાટ વધવા માંડ્યો હતો અને મારી કાયમી બેઠક તોતિંગ શિલા પણ મારા વિયોગે રડતી હશે એમ લાગવાથી હું સીધો ત્યાં જ પહોંચ્યો. જોયું તો ભરતીને વાર હોવા છતાં બેસવાના પથ્થરને મોજાં ઠીકઠીક પલાળી જતાં હતાં. આ ખડક સમ્રાટની અડખેપડખે પડેલા નાનાનાના ખંડિયા પથ્થરો તો ક્યારના અર્ધીપર્ઘી જળસમાધિ લઈ બેઠા હતા; છતાં, વળતાં મોજાંમાં એમાંના કેટલાકની પીઠ ખુલ્લી થઈ ત્યારે તો આ મજા ઔર વધી ગઈ. મારી આજુબાજુના સામંતો, દંડનાયકો, પાટધરો વગેરે કોઈકોઈ વખત લાગ મળ્યે માથું ઊંચકતા હતા, તેમની ઉપર છેલ્લછેલ્લું મોજું ફરી વળ્યું અને હું એકચક્રે રાજ કરવા લાગ્યો. આ અજેય ખડક ઉપર હું એકલો અટૂલો અને ફરતાં પાણી, સામી દિશાએ દૂરદૂર, ક્ષિતિજ ઉપર પૃથ્વીને આલિંગતું આકાશ, અને પીઠ પાછળ?.. એકમેકની સાથે ગોઠવાઈ ગયેલા મબલખ માનવયુગલોનો બહોળો સમુદાય; અને આ બંને જુદી જુદી જાતના સાગરની મિલનપટ્ટીની સરહદે હું એકાકી સાથી સહોદર-વિહોણ?... ના, ના મારી સાથે પણ મારા નિત્યસહવાસીઓ છે જ. આ પિંગપોંગ–બોલ, ચોવીસે કલાક ખિસ્સામાં પડ્યો રહેતો આ કેરમનો ‘સ્ટ્રાઈકર’ પણ મારાં જ છે. અને મારા આત્મીય કહી શકાય એવાં પ્રિયજનો પણ ક્યાં ઓછાં છે? બાણગંગા અને હું એકબીજાનાં ‘ચમ-(chum)’ છીએ એવી મતલબનો પ્રચાર તો પેટના દાઝયા મિત્રો આજે લાંબા સમયથી છડેચોક કરી રહ્યા છે. અને જુહુની રેતી જોડેની મારી ભાઈબંધી તે અનેક ભાઈબંધોની આંખમાં રેતીની જેમ જ ખટકે છે. અને પોતાનીના ધૂળરાખ જેવા પ્રેમપ્રસંગોનો બચાવ કરવા માટે મારા આ ‘અફેર્સ–(affairs)’ ને આગળ કરે છે. પણ એ મૂર્ખાઓને ક્યાં ખબર છે કે ગર્જી રહેલા સિન્ધુ જેટલા મારા બહોળા પ્રણયોની પડછમાં એમના પ્રણયપ્રસંગો તો બિન્દુ જેટલા પણ નથી? હું એક જ પિનુ, મારામાં વસતા કેટકેટલા પિનુઓનાં કેટકેટલા પ્રેમપાત્રોની વસ્તીગણતરી કરું? આ એક પિનુ અત્યારે બાણગંગાના પડખામાં બેઠો છે, ત્યારે બીજો પિનુ વરલીના ફેનિલ મોજાંની છાંટમાં નહાવા ઊપડી ગયો છે, જ્યારે ત્રીજો પિનુ તે એલીફન્ટામાં ભટકતો હશે કે ઈલોરે ગયો હશે એ જ મને ખબર નથી. આવી સ્થિતિમાં હું તે મારી કયી પ્રેયસીના ક્યાં ‘affair’ નો વિચાર કરું? એમ જ કહોને કે અણુએ અણુમાં નવજીવનની ઉષ્માથી ધબકતી આ પૃથ્વી ઉપર બે પગ ચાંપીને ઊભો રહી શકું છું, એ જ મોટામાં મોટો પ્રણય છે.

આમ, આ બધા સાથીઓની હુંફમાં વીંટળાઈને, સામેના રંગમંચ ઉપર ગુલાલ છંટકાવાની રાહ જોતા બેઠે રહ્યો તે દરમ્યાન અંતિમ ઘડીઓ વેળાના સૂર્યના તરફડાટ જોવામાં બહુ મજા આવી. એને બિચારાને આજે સવારથી જ વરસાદે હેરાન કરવા માંડયો હતો. બપોર પછી વાદળાંઓએ એને ગૂંગળાવવાનું કાંઈક ઓછું કર્યું ખરું, પણ છેક સાંજે પણ સામે ખૂણે ડૂબકી મારવા ટાણે ફરી બે-ત્રણ ભરાળી વાદળીઓએ એની સાથે ચેનચાળા કરવા માંડયા. દિવસ આખાની દડમજલ કરીને એ ભલે જીવ થાક્યોપાક્યો આવતો હતો, તેમાં આ તોફાની અભિસારિકાઓની પજવણી એને બહુ આકરી પડી ગઈ. પણ પછી તો, આ બાળાભોળાની નાહક પજવણી કરીને ખુદ વાદળીઓ જ એટલી તો શરમાઈ ગઈ કે સૂર્યે પીઠ ફેરવી કે તરત જ સૌ અભિસારિકાઓના ગાલ ઉપર એક જાતના ક્ષોભની ધસમસતી લાલી પથરાઈ ગઈ અને એ દિશામાં આખી ક્ષિતિજ ઉપર જાણે કે પીચકારી ભરીભરીને કેસૂડાંના રંગ છંટકાઈ ગયા.

આજના રંગે પીવામાં બહુ મજા આવી. ટયુશનનો ટાઈમ થતો હતો એ પણ ખ્યાલ ન રહ્યો. એમાંય, ઓછામાં પૂરું, એ રંગમંચની વચ્ચોવચ્ચે જ એક હોડીએ દેખા દીધી. હવે તે દૃશ્ય ખરેખર, અસહ્ય બન્યું. પશ્ચાદભૂદના નેપથ્ય, અડખે પડખેની ‘વીંગ,’ ‘વીંગ’ ના દીવા, મંચની માથેના દીવા તેમ જ પગદીવા, સૌએ એક રૂપ થઈને કેસુડિયો પ્રકાશ અને વાતાવરણ જમાવ્યાં હતાં, તેની વચ્ચે ડાબી બાજુએ થઈને ધવલોજ્જવલ સઢપાલવમાં વીંટળાઈને નાથની પ્રતીક્ષા કરતી વિરહિણી દાખલ થઈ; અને પછી તો એ ભટકતી ભામિનીનું પીટ કલાસના પ્રેક્ષકોના પાંચપાંચ વન્સ–મોર પામેલું ગીત ‘વહાલા ! લાગે વિયોગ વસમા..’ કેમે કર્યું મનમાંથી ખંખેરાય જ નહિ ને !

છતાં, ટયુશનને સમય ભરાઈ ગયો હોવાથી આ નાટયપ્રવેશ અધૂરો મૂકી, મનને મજબૂત કરોને ચાલવા માંડ્યું, પણ આજે મારે બધે જ ઠેકાણે આવાં સાચાં નાટકો જેવાં નિર્મ્યા હશે. ચોપાટી ઉપર પગ માંડતાં જ શું જોયું ? સૂપડામાં દાણાં સોવાતાંસોવાતાં છેવટે છેક કિનારા પાસે આવીને ભેગાં થાય તેમ પચરંગી પ્રજાને આશરે આપનાર આ ટાપુનાં માણસો સોવાતાંસોવાતાં ઠેઠ કાંઠે આવી પહોંચ્યાં હતાં. માછીમારોની ઝૂંપડીઓમાંથી ધીમે ધીમે ‘ભવન,’ ‘મહાલ,’ ‘મૅન્શન,’ ‘વીલા,’ ‘ટેરેસ’ અને ‘રેકલેમેશન’ સુધીની ઉત્ક્રાંતિના સાક્ષી સ્થપતિઓએ આ નગરની માર્ગ રચનામાં જાણીબૂઝીને સૂપડા જેવો ઢોળાવ કર્યો છે એટલું બધું ગંભીર તહોમત તે પૂરેપૂરી તપાસ વિના એમના ઉપર ન મૂકી શકાય; પણ એક હકીકત સ્વીકાર્યા વિના તો છૂટકો જ નથી, કે સાંજ પડવા ટાણે આ ટાપુના કિનારાની પટ્ટીની વસ્તુનું ઘટત્વ એના મધ્ય પ્રદેશની વસ્તીનાં ઘટત્વ કરતાં અનેકગણું વધી પડે છે. આજે આ ઘટત્વ રોજિંદા ઘટત્વને ય આંટે એટલું વધી ગયું હતું; કારણ કે આજે આખા વાતાવરણમાં નાટકી ખુમારી હતી, નાટકી માદકતા હતી. માનવીની મોટામાં મોટી સિદ્ધિ, સંપ્રાપ્તિ તરીકે નાટકને આગળ કરતી વેળા ગેટેનાં પ્રજ્ઞાચક્ષુ આગળ આવું જ કોઈ દૃશ્ય તો નહિ હોય ?
પણે સંધ્યાના રંગમંચ ઉપર પેલી સઢ ફરફરાવતી હોડી એ નાટકની નાયિકા હતી, ત્યારે આ મંચ ઉપર પાત્રની ફરજ મારે ભાગે આવી હતી. એકલ હોડીની અદાકારી ઉપર જે પ્રેક્ષકો વારી ગયા હતા એ જ પ્રેક્ષકસમૂહ સમક્ષ અત્યારે મારે એકાકીની ભૂમિકા ભજવવાની હતી. પાશ્ચાદભૂનો પડદો સાવ જુદી જાતનો મળ્યો હતો. લાલપીળા એકપણ રંગ વગરનો, નહિ સાવ કાળો નહિ સાવ સફેદ એવા મિશ્ર રંગી ચંદરવા ઉપર શુક્ર અને તેના સમૂહની અહીંતહીં ટીલડીઓ ટમટમતી હતી. એક છેડે આખા વાલકેશ્વરની બત્તીઓનો ઉજાસ અને બીજે છેડે લાલરંગી ડૉકલેમ્પસ નેપથ્યવિધાનમાં હતાં. હું તો મારે હાથમાં પિંગપોંગ દડો ઉછાળતો ‘વહેવું જગે એકલ, સાથમાં વા ?’ નો પ્રશ્ન દડાને–અને આખી દુનિયાને પણ–પૂછતો પૂછતો આગળ વધી રહ્યો હતો. નેપથ્યે બિછાવેલી નિસર્ગ- સમૃદ્ધિ એક ઉત્તર આપતી હતી, જ્યારે મારા પગની આગળ, પાછળ, અડખે પડખે એકઠી મળેલી દુનિયા બીજો ઉત્તર આપતી હતી. પણ હું આમાંના કોઈને ય સાંભળવા થોભું તો તો મારી લોકલ, મારું ટ્યુશન અને મારાં ઠંડા થતાં ચા અને મસ્કા--સીલેસનું શું થાય? પણ આ તો નાટક હતું, અને ‘નાટકી’ અકસ્માતે જ મને રોક્યો.

‘મિસ્ટર, આ તમારું પિંગપોંગ–ટેબલ નો’ય... ફૂટપાથ છે; સમજ્યા ? જરાક આંખ ઉઘાડીને ચાલો.....’ એક તીણો અવાજ આવ્યો. અને તુરત તેના સાથીનો કર્કશ અવાજ : ‘એક તો રખડવું એકલપંડે અને માથેથી આંધળાની જેમ ચાલવું?’

અત્યારે પૃથ્વી ફાટવાનો સીન ન હોવા છતાં મને લાગ્યું કે પડદા ખેંચવાવાળાઓએ ભૂલથી, ઘંટડી વાગતાં સ્ટેજ તળેની પાટો હળવે હળવે ખેંચવા માંડી અને હું જાણે કે થોડેક ધરતીમાં ઊતરી ગયો. આખો પ્રેક્ષકવર્ગ તાળીઓ પાડવા માંડ્યો અને ગોઠણભેર બેઠેલા પીટ કલાસમાંથી તો કેટલાકે ઊભા થઈને મોંએથી સીટી પણ વગાડવા માંડી. સ્ટેશનમાં દાખલ થતી વેળા, આવી ક્ષોભની લાગણી સાથે એક બીજું ચિત્ર પણ મનમાં બેસતું જતું હતું : મસ્ત પવન સાથે લહેરિયા ખાતું એક લાવશ્ય– સરોવર અને એને કાંઠેકાંઠે, ‘કેઈએ પાણી પીવું નહિ' એવા હુકમની બજવણી કરતા ઊભેલા હથિયારધારી રક્ષકો અને થોડે દૂર તૃષાર્ત પ્રવાસીઓનું એક ટોળું.

ચિત્રને માંડમાંડ મગજમાંથી વાળીઝૂડીને બહાર કાઢ્યું કે તરતજ વેક્યુમ પમ્પના નિયમ મુજબ, ખાલી થયેલ માનસગોખલામાં પેલી હોટેલમાંથી સંભળાતી ગીત–લીટીઓ આવીને ગોઠવાઈ ગઈ. આ લીટીઓએ તો પેલા ચિત્ર કરતાં ય વધારે હેરાન કર્યો. આંસુ તારાં દડી ન જાય, ઢોળાઈ ન જાય એની સાવચેતી રાખવાનું સૂચવતી એ કડી સિવાય આખા ડબ્બામાં બીજું કાંઈ સંભળાય જ નહિ ને ! પુલ ઓળંગીને સનતને બંગલે જવા ઊપડ્યો ત્યાં ય પણ બસ, ‘... આંખો મેં હી પીના, હસતે હસતે જીના....’ ની જ ધૂન.

સનત આજે મારી રાહ જોતો થાકીને હવે ઊંઘમાં આવવાનો થયો હતો. ‘પિનુભાઈ, આજે હોમ-વર્કમાં તે નિબંધ લખી લાવવા સિવાય બીજું કાંઈ નથી કહ્યું.’
‘શાના ઉપર લખવાનું કહ્યું છે ?'

સનતે હોમ-વર્કની નોટબુકમાંથી વાંચવા માંડ્યું : ‘તમે જોયેલ સૃષ્ટિસૌન્દર્યનું વર્ણન કરો –'
‘તે એમાં અઘરું શું છે? લખી નાખ હું લખાવું તેમ.’

સનતે તેની નોંધપોથીમાં લખવા માંડ્યું.
મેં લખાવવું શરૂ કર્યું :
‘એક સુન્દર સરોવરને તીરે અનેક પક્ષીઓ પાણી પીએ છે; કેટલાંક કાંઠે બેસીને છબછબિયાં કરે છે; પાંખો ફફડાવી પાણી ઉડાડે છે, અને ગમ્મત કરે છે. પ્રવાહી રજતવર્ણી ચાંદની સમા એ સરોવરમાં તરતા રૂપાળા રાજહંસો તેમની લાવણ્ય-નીતરતી ડોક પાણીમાં ડુબાવીને સાચાં મોતીનો ચારો કરે છે. પણ કાંઠે બેઠેલા એક અભાગી પક્ષીની તરસ છિપાતી જ નથી. ગમે તેટલું પાણી પીએ છતાં એ પક્ષી તરસ્યું જ રહે છે. છેવટે, થાકીને, એ પ્રથમ વર્ષાની રાહ જોતું વાદળા સામે તાકી રહે છે. એક દિવસ ખરેખર, વાદળીઓ વરસે છે અને આ તૃષાર્ત પક્ષી એ ફોરાંને મોમાં જ ઝીલે છે, છતાં પણ એની તરસ નથી છીપતી :

સનતે વચ્ચે પૂછ્યું : ‘એવું તે હોય, પિનુભાઈ? એની તરસ તે કેવી? પીધેલું પાણી કયાં જાય? '
મેં કહ્યું : ‘એ પક્ષીને ગળે કાણું છે... હં, હવે આગળ લખ... ફરી એ પક્ષી પેલા સરોવરની પાળે જઈ બેસે છે. તરસ છિપાવવાનાં વ્યર્થ ફાંફાં મારતું, અને ફરી, આવતે વર્ષે થનાર પ્રથમ વર્ષાની રાહ જોતું –‘
‘પણ સૃષ્ટિસૌન્દર્યના આવા નિબંધનો અર્થ શું છે એ તો કહો પિનુભાઈ!’ સનતે પૂછ્યું.
મેં કહ્યું : ‘એ સમજવા માટે તારી ઉમર હજી નાની છે.’
* * *


0 comments


Leave comment