1.41 - ભાંગે છે નિરંતર / વિવેક કાણે ‘સહજ’
એકેક કરી ભ્રમ બધાં ભાંગે છે નિરંતર
આ કાળ, જૂનો ચાકળો સાંધે છે નિરંતર
રાત્રીના ગહન પોત ઉપર દર્દના બુટ્ટા
એની એ કથા, કોણ આ માંડે છે નિરંતર
અનુભૂતિનો પટ, ઘટ્ટ વણાયા જ કરે છે
ઝીણાથી યે ઝીણું કોઈ કાંતે છે નિરંતર
જાણે છે ઉતારો અહીં થોડો જ વખત છે
એ ક્યારનો એક ગાંસડી બાંધે છે નિરંતર
ભાષામાં ચમક એમ અમસ્તી નથી આવી
શબ્દોને ‘સહજ’ મૌનથી માંજે છે નિરંતર
0 comments
Leave comment