1.42 - ઉછાળે છે નિરંતર / વિવેક કાણે ‘સહજ’
ખોબેથી વ્યથાઓને ઉછાળે છે નિરંતર
એક માનવી પ્રશ્નોની વચાળે છે નિરંતર
બે-ચાર ક્ષણો લોહીમાં ગંઠાઈ ગઈ છે
બે-ચાર ક્ષણો રોજ પિગાળે છે નિરંતર
લાગે છે, એ પોતાને પ્રથમવાર જુએ છે
દર્પણમાં છબી એમ નિહાળે છે નિરંતર
એ જાય જે રસ્તે ત્યાં પગેરું નથી રહેતું
પગલાંને કોઈ એનાં, પખાળે છે નિરંતર
પ્રતિમામાં સમાશે નહીં વ્યક્તિત્ત્વ સહજ’નું
શું મીણને બીબાંઓમાં ઢાળે છે નિરંતર?
0 comments
Leave comment