1.44 - માનવી / વિવેક કાણે ‘સહજ’


છું આમ તો ઉપરથી સ્વસ્થ રહી શકેલો માનવી
હું ભીતરેથી હચમચેલો, ખળભળેલો માનવી

તપી તપીને આગમાં નિખરતો જાઉં ક્યાં સુધી
છું આખરે તો હાડ-માંસનો બનેલો માનવી

ન છીનવી શકે કોઈ, ન ખૂંચવી શકે કશું
હું આભ ઓઢીને જમીન પર સૂતેલો માનવી

જો તું કહે, ઉતરડીને આ નામ ચહેરો ફેંકી દઉં
પછી તો હું’ય આ, કે તે, કે એય’ને પેલો માનવી

બરડ થઈ ગયો ‘સહજ’ તો આટલી નવાઈ શી ?
છે કંઈક વાર પીગળી, ફરી થીજેલો માનવી


0 comments


Leave comment