1.47 - વાવ આવે છે / વિવેક કાણે ‘સહજ’


ક્યાંક સુંદર તળાવ આવે છે
ક્યાંક સૂમસામ વાવ આવે છે

આ સફર પણ ખરી છે જીવનની
કેવાં કેવાં પડાવ આવે છે

ઘાવ ભાસે ભલે ઉપરછલ્લા
ખૂબ મોડો રુઝાવ આવે છે

એના એ પ્રશ્ન કાળ દોહરાવે
એ જ લૂલો બચાવ આવે છે

આમ તો કંઈ નિદાન થાય નહીં
આમ ઝીણેરો તાવ આવે છે

ચિત્તપટ પર આ દર્દના બુટ્ટા
કેવો દિલકશ ઉઠાવ આવે છે ?

આમ ઊંડો ને ઊંડો ઊતરું છું
આમ પાછો ચઢાવ આવે છે

કુદરતી ક્રમ છે દોસ્ત, જાળવજે
અંતે બદ્ધાનો દાવ આવે છે

પાત્ર એક જ્યાં ‘સહજ’ વિદાય થયું
વારતામાં ઘુમાવ આવે છે.


0 comments


Leave comment