1.49 - રસમય નથી / વિવેક કાણે ‘સહજ’


કોઈ માણસ શહેરમાં રસમય નથી
કંઠમાં કોઈ સ્વર, કે પગમાં લય નથી

બંધ આંખે તેજ શું, અંધાર શું?
મૃત શહેરમાં કોઈ સૂર્યોદય નથી

એક પણ બાળકની આંખોમાં અહીં
કોઈ જિજ્ઞાસા, કોઈ વિસ્મય નથી

એક સતત શંકામાં જીવે છે બધા
એક વાતે લેશ પણ સંશય નથી

આયખું દુઃસ્વપ્ન નીકળો ! હે પ્રભુ
એ વિના બીજો કોઈ આશ્રય નથી

શ્વાસ છે, ઉચ્છવાસ છે, ને તે છતાં
જોઈએ એવો ‘સહજ’ અન્વય નથી


0 comments


Leave comment