1.50 - બસ, એટલું નક્કી કરો / વિવેક કાણે ‘સહજ’


ડૂબવું છે ? દિન, પ્રહર, બસ એટલું નક્કી કરો
મયકદા કે માનસર, બસ એટલું નક્કી કરો

કાં જતો કરવો પડે છે શ્વાસ, કાં લખવી ગઝલ
ચાલશે શેના વગર, બસ એટલું નક્કી કરો

ધ્યેયસિદ્ધિ થઈ કે નહીં એ પ્રશ્ન તદ્દન ગૌણ છે
કેવી રહી સઘળી સફર, બસ એટલું નક્કી કરો

જન્મ લીધો ત્યારથી મરવું અફર છે ભાગ્યમાં
કઈ રીતે, કોના ઉપર, બસ એટલું નક્કી કરો

મેં કસુંબો પણ પીધો છે, ને પીધું છે રૂપ પણ
શેષ છે શાની અસર, બસ એટલું નક્કી કરો

ભર વસંતે તો ‘સહજ’ ખીલ્યા હશો, ડોલ્યા હશો
કેવી વીતી પાનખર, બસ એટલું નક્કી કરો


0 comments


Leave comment