2.1 - પ્રયોગ વિષે થોડી વાત / કઠપૂતળી / વિવેક કાણે ‘સહજ’


કોઈ પણ કાવ્યપ્રકારમાં શબ્દક્રીડાનું તત્ત્વ ઓછાવત્તા પ્રમાણમાં હોય જ છે. પરંતુ ગઝલમાં કાફિયા-રદીફ અને એની વિશિષ્ટ રચનારીતિને કારણે શબ્દકીડાના તત્ત્વનું પ્રમાણ વધુ હોય એ સ્વાભાવિક છે.

ઊર્દૂમાં ચારસોથી વધુ અને ગુજરાતીમાં સવાસોથી વધારે વર્ષોથી ગઝલ એક કાવ્યસ્વરૂપ તરીકે પ્રચલિત અને લોકપ્રિય છે, એમ છતાં એનાં ઉપર કેટલાંક આરોપો સાતત્યથી થતા આવ્યાં છે, અને એ સાવ વજૂદ વગરના પણ નથી. એમાંના મુખ્ય આરોપો આ મુજબ છે :
૧. કાફિયાબંદી અને રદીફના બંધનને કારણે એમાં કૃત્રિમતા આવે છે.
૨. ભાવ, વિષય, વિચાર કે આશયની દૃષ્ટિએ ઘણીવાર એક જ ગઝલના જુદા જુદા શેર એટલાં બધાં ભિન્ન હોય છે, કે એ ગઝલને એક જ કાવ્યરચના માનવામાં તકલીફ પડે છે.

અહીં એ નોંધવું જોઈએ કે જરા પણ કૃત્રિમતા ન જણાય અને ગઝલનો પ્રત્યેક શેર એક જ ભાવ, વિષય, વિચાર કે આશયને અનુરૂપ હોય, અને એ એક સર્વાંગસુંદર કાવ્યરચનાનો પ્રત્યય આપે એવી ગઝલોનાં ઉદાહરણો છે, પણ ઘણા જૂજ.

અહીં પ્રશ્ન એ થાય કે શું આ બે મુખ્ય ભયસ્થાનોમાંથી ઊગરી શકાય ? શું અચલ કાફિયા-રદીફને લીધે આવતી કૃત્રિમતાને કોઈ રીતે ઘટાડી શકાય ? ભાવ, વિષય, વિચાર કે આશયનો તંતુ પ્રત્યેક શેરમાં જાળવવાનું સુગમ બને. એ માટે કંઈ કરી શકાય?

આ પ્રશ્નોના ઉત્તર મેળવવા માટે મેં પ્રયોગ ખાતર બે કાવ્યકૃતિઓ રચી, કાફિયા-રદીફ અચલ રહેવાની જગ્યાએ પ્રત્યેક શેર સાથે બદલાતા જાય એવું યોજ્યું. પરંતુ એ જો સાવ નિર્બંધ રીતે ગમે તેમ બદલાય તો કાવ્યનું સ્વરૂપ સાવ શિથિલ થઈ જાય, માટે રદીફ દરેક શેર સાથે અમુક ચોક્કસ રીતે લંબાતો કે ટૂંકાતો જાય અને એને અનુષંગે કાફિયા બદલાતા જાય એવી ગોઠવણ વિચારી. આ સિવાય ભાવ, વિષય, વિચાર કે આશયનો તંતુ જાળવવામાં સુગમતા રહે એ હેતુથી, એક શેરની બીજી પંક્તિ, એના પછીના શેરની પ્રથમ પંક્તિ બને એમ યોજ્યું.

જેમ ગઝલમાં અપેક્ષિત છે તેમ, અહીં પણ ઓછામાં ઓછા પાંચ શેર અથવા એનાથી મોટી એકી સંખ્યામાં શેર રાખવા એમ ઠરાવ્યું. આમાં અરધે સુધી (એટલે કે પાંચ શેરની રચના હોય તો ત્રીજા શેર સુધી) રદીફ પ્રત્યેક શેર સાથે ચોક્કસ રીતે લાંબો થતો જાય અને અનુષંગે કાફિયા બદલાતા જાય. ત્યારપછી રદીફ ટૂંકાતો જાય અને છેલ્લા શેરમાં મૂળ કાફિયા-રદીફ અને પ્રથમ શેરની પંક્તિ પર પાછા ફરી શકાય એવું આ રચનાનું સ્વરૂપ રાખ્યું.

ગઝલના બે પ્રમુખ ભયસ્થાનોમાંથી આ રીતે ઊગરી શકાય છે અને એમ કરતાં કાવ્યતત્ત્વને પણ ઠેસ પહોંચતી નથી, એમ મને પ્રયોગને અંતે જણાયું.

આ પ્રકારની કાવ્યરચનાને લંબાતા અને ટૂંકાતા રદીફ અને બદલાતા કાફિયા વાળી, એટલે કે ‘ચલ-રદીફ ચલ-કાફિયા' ગઝલ કહેવી કે એને એક જુદો કાવ્ય-પ્રકાર ગણીને જુદું નામ આપવું એ વિદ્વાનો નક્કી કરી શકે. મારે માટે તો ગઝલકારો અને અન્ય કવિઓને એક પ્રયોગ તરીકે આમાં રસ પડે એટલું પૂરતું છે.



0 comments


Leave comment