3.15 - ભીતરમાં પ્રત્યાયન પામતી ગઝલ / વિવેક કાણે ‘સહજ’ / આસ્વાદક : ગૌરાંગ ઠાકર


એકેક કરી ભ્રમ બધાં ભાંગે છે નિરંતર
આ કાળ, જૂનો ચાકળો સાંધે છે નિરંતર

રાત્રીના ગહન પોત ઉપર દર્દના બુટ્ટા
એની એ કથા, કોણ આ માંડે છે નિરંતર

અનુભૂતિનો પટ, ઘટ્ટ વણાયા જ કરે છે
ઝીણાથી યે ઝીણું કોઈ કાંતે છે નિરંતર

જાણે છે ઉતારો અહીં થોડો જ વખત છે
એ ક્યારનો એક ગાંસડી બાંધે છે નિરંતર

ભાષામાં ચમક એમ અમસ્તી નથી આવી
શબ્દોને ‘સહજ’ મૌનથી માંજે છે નિરંતર

- વિવેક કાણે 'સહજ'

ગઝલકારે ગઝલના આંતર-બાહ્ય માળખાને વફાદાર રહીને કાવ્ય સિદ્ધ કરવાનું હોય છે. ગઝલની સ્વરૂપગત વિશેષતા અને મર્યાદાને અનુસરીને જે કેટલાક ગઝલકારોએ ગઝલને આત્મસાત કરી છે એમાં વિવેક કાણે ‘સહજ’નું નામ અજાણ્યું કે નવું નથી.

પ્રસ્તુત ગઝલમાં કવિ ગુજરાતી ગઝલમાં ખૂબ જ ઓછી ખેડાયેલી બહર ‘ગાગા લલગાગા લલગાગા લલગાગા'ને ઉપયોગમાં લે છે અને છંદનાં આંતરિક લયને પકડીને મજબૂત પાંચ શેર આપે છે. ગઝલનાં મિજાજને અનુરૂપ યોગ્ય રદીફની પસંદગી અને જાળવણીને કવિની સિદ્ધિ ગણવામાં આવે છે. અહીં પણ કવિએ ‘છે નિરંતર' રદીફ રાખી છે અને તેને સંપૂર્ણ ગઝલમાં સફળતાપૂર્વક નિભાવેલી જોવા મળે છે. ગઝલમાં ભાંગે, સાંધે, માંડે, કાંતે, બાંધે, માંજે શબ્દો કાફિયા તરીકે વપરાયા છે. સામાન્ય રીતે ગઝલમાં ક્યાં ચુસ્ત કાફિયા હોય છે, ક્યાં ખુલ્લા કાફિયા જોવા મળે છે પરંતુ અહીં કવિ નહીં ચુસ્ત કે નહીં ખુલ્લા કાફિયા પ્રયોજી કાફિયાનાં સૌંદર્યની સુંદર શાસ્ત્રીય માવજત કરે છે જે નોંધનીય છે. કવિ મત્લાના શેરથી વાચકને બાથમાં લેતા કહે છે :
એકેક કરી ભ્રમ બધાં ભાંગે છે નિરંતર
આ કાળ જૂનો ચાકળો સાંધે છે નિરંતર
અહીં કવિ, મનુષ્ય જીવનમાં સતત એક સાથે બનતી બે ઘટના, ભાંગવું અને સાંધવું તરફ સરસ નિર્દેશ કરે છે. સતત વહેતા જીવનમાં માણસનાં સ્વપ્નો, આકાંક્ષાઓ, અપેક્ષાઓ એ સમય સાથે ભાંગી જતી જોવા મળે છે. જેની સામે માણસ લાચાર હોય છે પરંતુ સામે મનુષ્ય એ જૂના ખ્યાલોને, જૂના સંબંધોને જેમ ભરતકામ કરેલા કોઈ જૂના કપડાના ટુકડાને ફરી સાંધીને સુશોભિત કરવાનો પ્રયત્ન કરે તેમ સતત પ્રયત્નશીલ જોવા મળે છે. આ બંને ક્રિયાઓ એક નિયતિની ને બીજી મનુષ્યની કવિ તટસ્થતાથી જુએ છે જે નિરંતર છે એમ પણ કહે છે.
રાત્રીનાં ગહન પોત ઉપર દર્દનાં બુટ્ટા,
એની એ કથા કોણ આ માંડે છે નિરંતર.
આ શેરમાં કવિએ રાત્રિના અંધકારને ગહન પોતનું રૂપક આપીને કમાલ કરી છે. ગહન શબ્દ જ આપણને કશુંક ગૂઢ, અપરિચિત, જે દેખાય છે તેની પાછળનું હોય, એવા ત્રિપરિમાણી દૃશ્યનો નિર્દેશ કરે છે. રાત્રિનો અંધકાર ઉકેલવો એ માનવીનું ગજું નથી માટે કવિને રાતનું અંધારું ગહન લાગે છે. જે કશુંક ઢાંકે છે, ગર્ભિત રાખે છે, એનો તાગ મેળવવા માણસ દરરોજ મથે છે પણ માત્ર રાત્રિના સૌંદર્યસમાન તારલા જ આવે છે. જેને કવિ ગહન પોત ઉપરના દર્દના બુટ્ટા કહે છે.

રાતના અંધારા સાથેની કવિની આ મથામણોમાં સવાર પડે છે ને વળી રાત થાય છે. સતત ચાલતી આ ઘટમાળને કવિ એની એ કથા કહે છે.
અનુભૂતિનો પટ ઘટ્ટ વણાયા જ કરે છે
ઝીણાથી યે ઝીણું કોઈ કાંતે છે નિરંતર
આ શેરમાં કવિનું ભાષાકર્મ ઊડીને આંખે વળગે છે. અનુભૂતિનો પટ અને ઘટ્ટ શબ્દનો સાથે પ્રયોગ, વળી ‘ઝીણાથી ય ઝીણું'નો સમાસ શેરને ગતિ તો આપે જ છે, પણ કવિને જે કહેવું છે એમાં મદદ પણ કરે છે.

ઉત્તમ ભાષાકર્મ અને ઈંગિતો દ્વારા શેર કહેવાના કવિકર્મને અહીં આપણે માણી શકીએ છીએ. દરરોજ જિવાતા જીવનના અનુભવોથી માણસ ઘડાતો જ રહે છે. તેમ છતાં, એની નિયતી એને સતત નવા નવા અનુભવોથી ઘડતી રહે છે, બદલતી રહે છે, જેને કવિ, કુદરતનું, ઈશ્વરનું ઝીણાથી ય ઝીણું કાંતણ કહે છે.
જાણે છે ઉતારો અહીં થોડો જ વખત છે
એ ક્યારનો એક ગાંસડી બાંધે છે નિરંતર.
અહીં કવિ જીવનની ક્ષણભંગુરતા અને મનુષ્ય જીવનમાં મૃત્યુ નિશ્ચિતતા વિશે વાત કરે છે. જે વ્યક્તિ મૃત્યુની અનિવાર્યતા અને સત્યને સમજી જાય છે એ ધીમે ધીમે પરંતુ સતત જીવને સંસારના મોહ-માયામાંથી મુક્ત કરતો રહે છે અને એનું પોટલું વાળીને જેમ સફરમાં જવાનું હોય તેમ મનને મૃત્યુ માટે તૈયાર કરે છે.
ભાષામાં ચમક એમ અમસ્તી નથી આવી,
શબ્દોને ‘સહજ’ મૌનથી માંજે છે નિરંતર
મક્તાના શેરમાં કવિ પોતાનાં તખલ્લુસ ‘સહજ’ શબ્દનો અર્થસભર ઉપયોગ કરે છે. કવિ કહે છે સુંદર ભાષાની અભિવ્યક્તિ માટે સુંદર શબ્દોની આવશ્યકતા રહે છે. જેમ મોતી મેળવવા મરજીવો દરિયામાં ઊંડી ડૂબકી મારે છે એમ કવિ અહીં પોતીકા મૌનમાં ડૂબી જઈને ચમકતા શબ્દો મેળવવાની વાત કરે છે. એમ કહેવાય છે કે જે પોતાનાં મૌનને સાંભળે છે એના શબ્દો બધાં સાંભળે છે. આ વાતને કવિ શેરમાં મૂકી કમાલ કરે છે.

અંતે કવિશ્રી વિવેક કાણે ‘સહજ'ને આવી સરસ અને મનુષ્યજીવનને મુઠ્ઠી ઊંચેરું બનાવવા તરફ અંગુલીનિર્દેશ કરતી ગઝલ લખવા બદલ અભિનંદન આપું છું. તેમના તરફથી ગુજરાતી ગઝલ સાહિત્યને આવાં જ અદકેરા સર્જન પ્રાપ્ત થાઓ એવી શુભેચ્છા.
– ગૌરાંગ ઠાકર


0 comments


Leave comment