3.16 - કવિને બાંધતી દુનિયા... દુનિયાને બાંધતો કવિ / વિવેક કાણે ‘સહજ’ / આસ્વાદક : રઈશ મનીઆર


ખોબેથી વ્યથાઓને ઉછાળે છે નિરંતર
એક માનવી પ્રશ્નોની વચાળે છે નિરંતર

બે-ચાર ક્ષણો લોહીમાં ગંઠાઈ ગઈ છે
બે-ચાર ક્ષણો રોજ પિગાળે છે નિરંતર

લાગે છે, એ પોતાને પ્રથમવાર જુએ છે
દર્પણમાં છબી એમ નિહાળે છે નિરંતર

એ જાય જે રસ્તે ત્યાં પગેરું નથી રહેતું
પગલાંને કોઈ એનાં, પખાળે છે નિરંતર

પ્રતિમામાં સમાશે નહીં વ્યક્તિત્ત્વ સહજ’નું
શું મીણને બીબાંઓમાં ઢાળે છે નિરંતર?

- વિવેક કાણે 'સહજ'

વીસમી સદીનો ઉંબરો ઓળંગીને એકવીસમી સદી સુધી પહોંચતા ઘણાં ગુજરાતી કાવ્યપ્રકારો હાંફી ગયા છે. ગઝલ એમાં અપવાદરૂપ છે. ગઝલને સહજતાથી આ યાત્રા કરાવનારા કેટલાક સક્ષમ રાહબરોમાં વિવેક કાણે ‘સહજ’ નું નામ મોખરે આવે.

ગઝલસ્વરૂપનું તલસ્પર્શી જ્ઞાન, પરંપરાનો પ્રેમાળ પરિચય અને આધુનિકતા સાથે અનાયાસ અનુબંધ.. એક સાથે આ બધું સહજની ગઝલોમાં જોવા મળે છે, એ વાત ગઝલની દિશા અને દશા બાબતે આપણને એક રાહતજનક અનુભવ કરાવે છે.

પ્રસ્તુત ગઝલ પાંચ શેરની નાનકડી રચના છે. ગઝલનું સ્વરૂપ સ્વૈરવિહારી છે. ભિન્ન ભિન્ન કલ્પનો અને કાફિયાઓની ભરતી કવિત્વને એકાગ્ર થવા ન દે એમ પણ બને. અહીં ‘નિરંતર' રદીફ અર્થવિશ્વની સીમા નિર્ધારી આપે છે અને અંતહીનતાની વિવિધ ઘટનાઓને કાવ્યાત્મક રીતે અને ગઝલોચિત બાનીમાં ઢાળવાનું આહ્વાન કરે છે.

પહેલા શેરમાં ‘એક માનવી' કાવ્યનાયક છે, બીજા અને છેલ્લા શેરમાં સર્જક પોતે કાવ્યનાયક છે અને ત્રીજા-ચોથા શેરમાં પ્રિયતમા કેન્દ્રમાં છે. આ રીતે કવિએ નિરંતરતાના ભાવને કોઈ એક જ પરિપ્રેક્ષ્યમાં ઘૂંટવાને બદલે વૈવિધ્યની તરફેણ કરી છે. ગઝલનો દરેક શેર અલબત્ત, સ્વતંત્ર છે પરંતુ શેરોની સહોપસ્થિતિ, ક્રમ અને ભાવવિશ્વ એક ગઝલનું એકાત્મક વાતાવરણ ઊભું કરવામાં સફળ થાય તો ભાવકનો આનંદ પણ સઘન થાય.

પહેલા શેરની પહેલી જ પંક્તિ ચિત્રાત્મક છે. ખોબેથી વ્યથાઓને નિરંતર ઉછાળતો માનવી આપણી નજર સામે તાર્દશ થાય છે. રસ્તાની ધારે વેચવા બેઠેલો ફેરિયો કે દરિયાની રેતી ઉછાળતો દીવાનો... કોઈ પણ ચિત્ર મગજમાં ઝબકી શકે. ઉછાળવામાં વ્યથાને વહેંચવાનો ઉપક્રમ છે કે વ્યથાથી મુક્ત થવાનો મરણિયો પ્રયાસ છે એ પણ વિચારવાનું રહે. હોડીમાં પાણી સતત ભરાઈ રહ્યું હોય ત્યારે બીજું શું થઈ શકે ? વ્યથાઓનું બાહુલ્ય માનવ નિયતિ છે એ ભાવનું ચિત્રાત્મક સ્પંદન આપણને સ્પર્શે છે.

બીજા શેરમાં ય વ્યથા કવિનો પીછો નથી છોડતી, પરંતુ હવે એ અંગત બને છે. વ્યથા હવે સમયનું રૂપ ધરીને આવે છે. સમયનો કોઈ મોટો પટ નહીં, પરંતુ માત્ર બે-ચાર ક્ષણોનું પણ એટલું ગજું છે કે એ ક્યારેક લોહીની પ્રવાહિતામાં સઘનતાના ટાપુઓ જેવી ગાંઠ સર્જી દે છે તો ક્યારેક શરીરની સઘનતા બેચાર ક્ષણોની ગરમીથી પીગળવા માંડે છે. આ શેરનું કવિકર્મ ધ્યાનાર્હ છે. સમયના હાથે રૂપાંતર પામતું અસ્તિત્ત્વ કેવું નિસહાય છે તે કવિ સુપેરે વ્યક્ત કરે છે. ‘બે-ચાર ક્ષણો’ની પુનરાવૃત્તિ, ગંઠાવા અને પીગળવાનો વિરોધાભાસ અને ક્ષણોની ક્ષણિકતાનું નિરંતરતામાં રૂપાંતર... આ બધું જ મનોહર કાવ્યકૃતિ રચે છે.

ત્રીજા શેરમાં વિષય બદલાય છે. આ તગઝ્ઝુલનો શેર છે. ઉર્દૂ પરંપરામાં દર્પણ અને પ્રિયતમા વિષે ઘણા શેરો કહેવાયા છે. આવો જ વિચાર અગાઉ કોઈ ઉર્દૂ શેરમાં વ્યક્ત થઈ ગયો હોય એમ પણ બને. પણ દરેક શેરનું નવેસરથી અર્થઘટન કરવાનો ભાવકને હક્ક છે અને તક છે. Self-Image અને Self-esteem વચ્ચે ઘેરો સંબંધ છે. માણસ પોતાની છબિ મૂલવતો રહે છે એ એની મનપસંદ પ્રવૃત્તિ છે. ક્ષણેક્ષણ છબિ બદલાય છે, જો એ બદલાતી છબિ પ્રસન્નકર હોય તો એને નિહાળવાની પણ મજા છે. અહીં જોવું એ માત્ર જોવું કે નિહાળવું નથી. નિહાળવાની સાથે સાથે સંતોષ, પ્રસન્નતા તૃપ્તિ અને થોડા થોડા ગર્વની લાગણી પણ ‘નિરંતર ગાઢ થતી જાય છે.

ચોથો શેર રોમાન્ટીસીઝમ અને મિસ્ટીસીઝમનો મેળ લઈને આવે છે. પ્રિયતમા જ્યાં જાય છે ત્યાં એનું પગેરું નથી રહેતું. કારણ ? કોઈ નિરંતર એનાં પગલાંને પખાળે છે. અહીં પ્રેમી અને પ્રિયપાત્ર સમાન કક્ષાએ વિહરતા નથી. પ્રિયપાત્ર ઉન્નભ્રૂ અને બેપરવાહ હોય એવી છબિ ઊભી થાય છે અને પ્રેમી પ્રેમમાં પરવશ હોય, ભક્તિભાવની જેમ પ્રેમભાવ સેવતો હોય એવું ચિત્ર ખડું થાય છે. કવિતામાં આવો પ્રેમભાવ શોભે !

પણ કવિએ એક જ ગઝલમાં ભાવકને પરવશતાથી ખુમારી સુધીની યાત્રા કરાવવાનું નિર્ધાર્યું છે. એટલે ખુમારી અને ખુદારીના ટંકાર સાથે ગઝલ પૂરી થાય છે.

દુનિયા દરેક નવા અનુભવને, દરેક નવા અભિનિવેશને, દરેક નવી અભિયાનને, દરેક નવા આગંતુકને કોઈ ને કોઈ ચોકઠું કોઈ ને કોઈ બીબું લઈને એમાં ઢાળવા તૈયાર ઊભી છે. નાવીન્ય, મૌલિકતા કે તાજપની દુનિયાને તલાશ જ નથી શું? નદી વહે છે તેથી કાંઠાનું અસ્તિત્ત્વ છે. કાંઠા બનાવી દેવાથી નદી નીપજતી નથી. દુનિયાને નિર્બંધતાનો ડર છે અને કવિને બંધનથી નફરત છે. છતાં કવિ દુનિયાને ચાહે અને દુનિયા કવિને ચાહે એ જરૂરી છે.

તો વિવેક કાણે ‘સહજ’ની આ નાનકડી સુંદર ગઝલ નિમિત્તે વિચારોને ઢાળવાનો કે ઉછાળવાનો અને એ રીતે ગઝલને નિહાળવાનો કે પખાળવાનો પ્રયાસ થયો. મરીઝે કહ્યું છે.
મારા કવનનું આટલું ઊડું મનન ન કર
કંઈ યાદ રહી જશે તો ભુલાવી નહી શકે

દરેક સારી ગઝલનો એકાદ શેર આપણામાં ગંઠાઈને રહી જાય છે અને એકાદ શેર કશુંક પીગાળીને વહી જાય છે.
– ડૉ. રઈશ મનીઆર


0 comments


Leave comment