3.17 - ખુદ પોતાને પણ જડો નહીં / વિવેક કાણે ‘સહજ’ / આસ્વાદક : હરદ્વાર ગોસ્વામી
એવાં ભૂલા પડો, કે ખુદ પોતાને પણ જડો નહીં
જો આવડે તો ચાકડે, માણસ ઘડો, ઘડો નહીં
છંદો, રદીફો-કાફિયા, ને શેરિયતની પણ શરત
આમાં તમારું કામ નહીં, દાઝી જશો, અડો નહીં
જો હોય દમ, તો દોરવો, અથવા તો અમને અનુસરો
કંઈ નહીં તો છેવટે ખસો, મારગ કરો નડો નહીં
વેચાઈ પણ જવું પડે, તો ભાવ એવો રાખજો
આંબી જ ના શકે કોઈ, કોઈને પરવડો નહીં
આ શબ્દ-સંપદા ‘સહજ', સર્વસ્વ છે અમારે મન
નામાનો ચોપડો નહીં, નોટોનો થોકડો નહીં
- વિવેક કાણે 'સહજ'
- વિવેક કાણે 'સહજ'
સવાઈ ગુજરાતી વિવેક કાણેની જ્યારે જ્યારે ગઝલ વાંચી/ સાંભળી છે ત્યારે લગભગ નિરાશ થવાનું આવ્યું નથી. એમાં પણ એમનાં અનોખા અંદાજ અને અવાજમાં ગઝલ સાંભળવી એ એક લ્હાવો છે.
વિવેકને સાહિત્ય સાથે કોઈ સીધો સંબંધ ન હોવા છતાં તમામ સ્વરૂપના એ ભાવક આ ઉત્સુકતા અને અભ્યાસ જ કદાચ એમને ઉત્તમ ગઝલ તરફ દોરી ગઈ છે.
ગઝલના પ્રત્યેક શેરનું ભાવવર્તુળ અને કુળ જુદું જુદું હોવાનું. એ રીતે જોઈ તો પ્રત્યેક શેર એક કવિતા છે. વિવેકની આ આખી ગઝલમાં ખુમારી અને ખુદ્દારીની વિવિધ મુદ્રાઓ અભિવ્યક્ત થાય છે, લેટ્સ સી....
ઉલા મિસરાથી જ ખબર પડી જાય છે કે કવિને બાહ્ય કરતા આંતર વિશ્વમાં વધુ રસ છે. પોતાની અંદર જ એવા ભૂલા પડવું છે કે ખુદને પણ ન જડી શકે. જાતને નિરપેક્ષ રાખીને જાતને તપાસવી જોઈએ, તો જ ચાકડા પર ઘડાને બદલે માણસ ઘડી શકાય છે. માણસનું સાચું ઘડતર એના આંતર વિશ્વ દ્વારા જ થાય છે. ‘શોધ શોધ તું ભીતર શોધ’ રજનીશ આ જ વાતને પુષ્ટિ આપે છે. ગિરનારી કવિ રાજેન્દ્ર શુક્લ યાદ આવે...
મને શોધવામાં જ ખોવાયો છું હું
પતે પરક્રમાં આખરે હું મળીશ જ.
પ્રથમ બોલે છગ્ગો (ઉત્તમ શેર) ફટકારનાર કવિ પાસે બીજા શેરે અપેક્ષા વધી જાય. જોકે કવિ એમાં મહદઅંશે સફળ પણ રહ્યા છે.
બીજા શેરમાં ગઝલ સર્જનની ક્રિયા વર્ણવાઈ છે. ગઝલની શરતે ગઝલ લખાય એ જ ઉત્તમ. ગઝલ લેખન એ અગાસી પર ઘોડા દોડાવવા જેટલું અઘરું કામ છે. આજે કોઈ પણ સામયિકનું પૃષ્ઠ ખોલો તો ૧૦માંથી ૭ કવિતા ગઝલ સ્વરૂપની હોય છે. પણ એ ૭માંથી ખરેખર ગઝલ કેટલી ? ગઝલ સર્જનના સંદર્ભે મનોજે જે વ્યાખ્યા આપી ‘કવિતા તો છે કેસર વાલમ/ઘોળો સોના વાટકડીમાં' તેનાથી સામેના છેડે બેસવાનું વિવેક પસંદ કરે છે. બંને કવિની વાત સાચી છે, આસ્વાદ્ય છે. આજના સમયમાં સૌથી મોટું કામ ‘કોઈને નડવું નહીં’ એ છે. પથદર્શક થઈ શકો એ તો સારી વાત છે, પણ એ શક્ય ન બને તો અમારી જેમ ખસી જઈને, અન્યને ચાલવા દઈએ એ પણ મોટી સેવા છે. ગેરમાર્ગે દોરવા કરતા ચૂપ થવું એ વધુ સારી સ્થિતિ છે. યોગી કરતા ઉપયોગી થવું અઘરું છે... ‘બેફામ' યાદ આવે છે...
કોઈ અમને નડ્યા તો ઊભા રહી ગયા
પણ ઊભા રહી અમે કોઈને ના નડ્યા.
આજે જ્યારે એક માણસ બીજા માણસને સ્કૂટર પર લિફ્ટ આપે છે ત્યારે ખિસ્સાનું પાકીટ તપાસી લેવાનું હોય છે, હાથ મેળવે ત્યાર પછી આંગળીઓ ગણી લેવાની હોય છે, છુટ્ટા પડે ત્યારે વિચારધારા તપાસી લેવાની હોય છે. આવા સમયમાં જીવીએ છીએ ત્યારે માણસ બજારુ થઈ ગયો છે. એના ચારિત્ર્યની કિંમત બોલાય છે. પણ આ તો કવિ છે, ખુમારીના ભોગે કશું જ નહી, કદાચ વેચાઈ જવાની મજબુરન ક્ષણ આવે તો ભાવ એવો રાખવો કે કોઈને ય પરવડીએ નહીં. એટલે બંને પક્ષે આબરૂ (!) રહી જાય. વડોદરાના જ કવિ ખલીલ કહે છે કે....
ખુમારી તો ખરેખર વારસાગત ટેવ છે મારી
હું મારી ટેવ છોડીને તને મળવા નહીં આવું
મક્તામાં કવિ ખૂલીને શબ્દનું મહાત્મ્ય વર્ણવે છે. શબ્દો કવિને મન સર્વસ્વ છે, હોવા જોઈએ. ‘નામાનો ચોપડો નહી’ કહીને નિર્દેશે કે નફા-નુકસાનથી પર એક વિસ્ફારિત વિશ્વ છે. ‘નોટોના થોકડો નહીં’ એમ કહીને કવિએ પૈસાને એનું યોગ્ય સ્થાન બતાવી દીધું છે. પૈસો મહત્વનો ખરો, પણ સર્વસ્વ નહીં. આજે જ્યારે દુનિયા રૂપિયાના રણકારે નાચી રહી છે ત્યારે ‘સહજ' એ શબ્દ સંપદાનું કરેલું ગૌરવ સંતર્પક છે. આખી ગઝલમાં પ્રત્યક્ષ કે પરોક્ષ ખુમારી પડઘાયા કરે છે. આ ગઝલની નોખી અનોખી કળા પણ માણવા જેવી છે. અંતે દુશ્મનોએ પણ માનવું પડે કે ‘વિવેક કા હૈ અંદાજે બયાં ઔર...!'
– હરદ્વાર ગોસ્વામી
0 comments
Leave comment