4 - સમય, સૌંદર્ય અને કલા / પરિશિષ્ટ / કઠપૂતળી / વિવેક કાણે ‘સહજ’


‘સમય’ એટલે શું? સમયની વ્યાખ્યા શું?
પ્રથમ દર્શને કદાચ હાસ્યાસ્પદ લાગે એટલો મૂળભૂત આ પ્રશ્ન છે. ‘પાણી એટલે શું?’ – એવો પ્રશ્ન માછલીના મનમાં ન પણ ઉદ્ભવે. પણ સમયાવકાશ (Time-Space) માં સતત વિચરતા, અને એથીય વધીને વિચારતા મનુષ્યને ‘સમય એટલે શું?' – એવો પ્રશ્ન થાય એ સાહજિક છે. માછલી અને મનુષ્યમાં કંઈક તફાવત તો હોય કે નહીં?
‘સેકન્ડ કે જે સમય માપવાનો એકમ (unit) છે, એની વ્યાખ્યા અથવા સમજ આપવાની રીત, સમયાનુસાર બદલાતી રહી છે. આપણે કેટલીક વ્યાખ્યાઓ જોઈએ.
૧. સન ૧૯૫૬ પહેલાં, આપણે સરેરાશ સૂર્ય-દિવસના ૮૬૪૦૦મા ભાગને ‘સેકન્ડ’ કહેતા હતા.
૨. સન ૧૯૫૬થી ૧૯૬૭ દરમિયાન ‘સેકન્ડ’ની વ્યાખ્યા વિષુવવૃત્તિય વર્ષનો ૩૧૫૫૬૯૨૫.૯૭૪૭મો ભાગ, એમ કરવામાં અને માનવામાં આવી.
૩. ત્યાર પછીના સમયમાં ‘સેકન્ડ’ની વ્યાખ્યા CESIUM-133 પરમાણુના વિકિરણની આવૃત્તિ (Frequency) ના આધાર પર આપવામાં આવી.
‘સેકન્ડ’ની આ બધી જ વ્યાખ્યાઓ એક સામાન્ય પૂર્વધારણા (Common Assumption) ઉપર આધારિત છે. અને એ પૂર્વધારણા એ છે, કે વારંવાર પુનરાવર્તિત થતી અમુક ઘટનાઓના કોઈ પણ બે આવર્તનો સરખા સમય-અંતરાલનાં હોય છે. આ એક એવી ધારણા છે જેનો કોઈ આધાર કે પુરાવો નથી.

અહીં દર્શાવેલી પ્રથમ વ્યાખ્યા જો તપાસીએ તો એક દિવસ એટલે કે પૃથ્વી પોતાની ધરીની આસપાસ એક ભ્રમણ જે અંતરાલમાં પૂરું કરે છે એ અંતરાલના ૮૬૪૦૦મા ભાગને આપણે એક સેકન્ડ કહીએ છીએ. અને જો કોઈ એમ પૂછે કે પૃથ્વી પોતાની ધરીની આસપાસ, એક પરિભ્રમણ પૂરું કરવામાં કેટલો સમય લે છે? તો આપણે તરત જ કહીએ કે આટલા કલાક, આટલી મિનિટ અને આટલી સેકન્ડ (કુલ ૮૬૪૦૦ સેકન્ડ).

વાહ! સરસ ! છગન, મગનની સામે રહે છે, અને મગન, છગનની સામે રહે છે. અને જો તમે મૂંઝાઈને પૂછો કે એ બન્ને ક્યાં રહે છે? તો જવાબ મળે કે ‘એકબીજાની સામસામે’ – સરવાળે મૂંઝવણ યથાવત્.

કહેવાનું તાત્પર્ય એટલું જ કે કોઈ પણ બે શબ્દોની વ્યાખ્યા માત્ર એકબીજાના સંદર્ભથી (Circular Referenceથી) આપી શકાય નહીં. આથી એ ફલિત થાય છે કે સમય એ મૂલતઃ અવ્યાખ્યાયિત વિભાવના છે. આપણી ધારણા કે – પૃથ્વી સૂર્યની આસપાસ એક પરિક્રમા નિયત કાલાવધિમાં પૂર્ણ કરે છે – એ આધારહીન છે. સમયને માપવા માટેનો કોઈ પ્રમાણભૂત માપદંડ આપણી પાસે છે જ નહીં.

તો પછી પ્રશ્ન એમ થાય કે આપણે જેને ‘સેકન્ડ' કહીએ છીએ, એ અંતરાલ પણ નિયત કઈ રીતે? દુનિયાની અસંખ્ય ઘડિયાળો, જરાય ચૂક વિના, સેકન્ડના હજારમા ભાગનો સમય પણ આટલી ચોકસાઈથી કઈ રીતે માપે છે? શું આ એક યોગાનુયોગ માત્ર છે?

ખેર ! જે હોય તે. વિચાર કરવામાં આપણો ‘સમય’ શું કામ બગાડવો? જેનું કામ તેને (આ કિસ્સામાં વૈજ્ઞાનિકોને) કરવા દેવું. પરંતુ, પૃથ્વી, પરિક્રમા, સેકન્ડ, ઘડિયાલો – આ બધું જ ભૂલી જઈએ તો પણ, અચરજની વાત એ છે કે આપણા સૌમાં કુદરતી રીતે જ એક અજબ સમયભાન (Sense of Time) રહેલું છે. આ સમયભાન એ આપણી આંતરિક જૈવિક ઘડિયાલ (Biological Clock)ને આભારી છે. આ જૈવિક ઘડિયાલ શું છે ? – એ ટૂંકમાં જોઈએ.

આપણા શરીરમાં ઘણી ક્રિયાઓ જુદી જુદી આવૃત્તિથી પુનરાવર્તિત થતી રહે છે / થવી જોઈએ. દા.ત. હૃદયનું ધબકવું, નિદ્રાવસ્થા અને જાગૃતાવસ્થાનું ચક્ર, ભૂખ લાગવાનું અને એના શમનનું ચક્ર, સ્ત્રીઓમાં માસિક ઋતુચક્ર, જાતીય આવેગોનું અને એમના શમનનું ચક્ર અને બીજા ઋતુ આધારિત ચક્રો.

આપણી આ તમામ જૈવિક ક્રિયાઓ, કુદરતી ઘટનાઓની લય સાથે તાલ મિલાવીને, સુસંવાદ જાળવી રાખવા માટે સતત પ્રયત્નશીલ હોય છે. આ સુસંવાદ જળવાઈ રહે તે માટે આપણામાં કુદરતે મૂકેલી આંતરિક વ્યવસ્થા એટલે ‘જૈવિક ઘડિયાલ' અથવા Biological Clock.

વિજ્ઞાને પ્રયોગો દ્વારા એ સિદ્ધ કર્યું છે કે વનસ્પતિ કે પ્રાણીને, કુદરતી ઘટનાક્રમથી તદ્દન અલિપ્ત રાખવામાં આવે તો પણ, એમની જૈવિક ક્રિયાઓ લાંબા સમય સુધી કુદરતી ઘટનાઓ સાથેનો પોતાનો સુસંવાદ જાળવી રાખે છે. દા.ત. અમુક વનસ્પતિને પ્રયોગશાળામાં લઈ જઈને લાંબા સમય સુધી માત્ર અંધકાર હેઠળ રાખવામાં આવે તો પણ એની દૈનિક જૈવિક ક્રિયાઓ, દિવસ-રાત્રિના ચક્ર મુજબ એ જ લયમાં ચાલુ રહે છે. સમુદ્રકિનારા પર વસતા કેટલાંક કરચલા વળી ૨૪ કલાક અને ૫૦ મિનિટ (ચંદ્ર-દિવસ અથવા Lunar-Day) સાથે લય મેળવતા જોવામાં આવ્યા છે.

ક્યારેક જૈવિક ક્રિયાઓ અને કુદરતી ઘટનાક્રમ વચ્ચેનો સુસંવાદ ખોરવાય પણ છે. દા.ત. કોઈ વ્યક્તિ લાંબા યુરોપ પ્રવાસ પછી વિમાન દ્વારા ભારતમાં પાછી આવે ત્યારે એ જુએ છે કે એની જૈવિક ઘડિયાલ, અહીંના દૈનિક ક્રમ કરતાં લગભગ ચાર-પાંચ કલાક મોડી ચાલી રહી છે. આવી સ્થિતિમાં એની જૈવિક ઘડિયાલ, ખોરવાયેલો સુસંવાદ પુનઃસ્થાપિત કરવા માટે પ્રયત્ન કરે છે, અને એ ન થાય ત્યાં સુધી એ વ્યક્તિ એક પ્રકારની અસ્વસ્થતા અનુભવે છે. અંગ્રેજીમાં આને Jet Lag કહે છે.

મનુષ્યની જૈવિક ઘડિયાલ અને તેનું સમયભાન, અન્યો કરતાં ઘણાં વધારે વિકસિત હોય છે. કહે છે કે સાહિત્ય સંગીત કે કલાવિહોણો માણસ એ પૂંછ અને શિંગડા વિનાનો પશુ માત્ર છે. આપણને અન્ય પ્રાણીઓથી જુદા પાડનારા તત્ત્વોમાંનું એક મુખ્ય તત્ત્વ છે આપણો સૌંદર્યબોધ, જેના મૂળમાં છે આપણું આ અત્યંત વિકસિત સમયભાન. કઈ રીતે, એ હવે જોઈએ.

માણસોને સ્થૂળ રીતે બે વિભાગોમાં વહેંચી શકાય :
૧. કલાભિમુખ
૨. કલાવિમુખ
આપણે જોઈએ છીએ કે જે માણસ કોઈ એક કલામાં પ્રાવિણ્ય કે રુચિ ધરાવતો હોય, એ બીજી કલાઓમાં પણ થોડાઘણા અંશે પ્રવેશ, અથવા છેવટે રૂચિ તો ધરાવતો હોય જ છે. જે માણસ સંગીતને સમજીને એનો આનંદ ઉઠાવી શકતો હોય એને ચિત્ર જોવાનું સહેજ પણ ન ગમતું હોય એવું ભાગ્યે જ જોવા મળે. જે માણસને કોઈ સુંદર કવિતા રોમાંચિત કરે, એને કોઈ ઉત્તમ શિલ્પ પણ ઝંકૃત કરી દે, એમાં આશ્ચર્ય ન થાય.
આનો અર્થ એ થયો કે બધી જ કલાઓમાં સામાન્ય (common) હોય એવું કોઈ તત્ત્વ હોવું જોઈએ, જે બધાં જ કલાભિમુખ મનુષ્યોમાં સમાનરૂપે જોવા મળે. આ એ જ તત્ત્વ હોવું જોઈએ જે કલાભિમુખ માણસોને કલાવિમુખ માણસોથી જુદા પાડતું હોય. પરંતુ આ તત્ત્વ ક્યું હોઈ શકે ?
સૌંદર્યબોધ/ કલાબોધ જેનાં આશ્રિત છે એવું આ તત્ત્વ છે – ‘લય'. લયભાન (કે સમયભાન) એ એવું તત્ત્વ છે જેના વિના કલાના હાર્દને પામવું અશક્ય છે.
આ વિભાવના (Hypothesis), આમ તો કોઈ પણ કલાને લાગુ પાડી શકાય, પરંતુ અહીં આપણે લયભાનનું કલામાં શું મહત્ત્વ છે તે કેટલીક મુખ્ય કલાઓના સંદર્ભમાં તપાસીએ.

સંગીત અને સમય
ભારતીય અને પાશ્ચાત્ય સંગીતમાં ઘણાં તફાવતો હોવા છતાં બંનેનાં મુખ્ય ઘટકો બે – ‘સ્વર’ અને ‘લય', આપણા સંગીતમાં જેમ ૧ર મૂળભૂત સ્વીકૃત સ્વરો (તીવ્ર અને કોમળ સ્વરો સહિત) છે, એમ પાશ્ચાત્ય સંગીતમાં પણ ૧૨ સ્વરો (Major અને Minor Notes મળીને) સ્વીકૃત છે.
‘સ્વર' એટલે ધ્વનિકંપનની આવૃત્તિ (Frequency). આવૃત્તિ એટલે ખૂબ નાના (કહો કે એક સેકન્ડ જેટલા) સમય અંતરાલમાં થતી ધ્વનિના કંપનોની સંખ્યા. આવી જુદી જુદી આવૃત્તિઓ માટે જુદા જુદા સ્વરોનું નામાભિધાન થયું છે. ‘ષડજ', ‘રિષભ’, ‘ગંધાર' વગેરે.

આપણે એક સ્વરને બીજા સ્વરથી જુદો પારખી શકીએ છીએ, કારણ કે આપણે એક સ્વરની આવૃત્તિ, બીજા સ્વરની આવૃત્તિથી જુદી પારખી શકીએ છીએ. આપણામાં અતિશય સૂક્ષ્મસ્તરે રહેલા સમયભાનનું આ ઉત્તમ પ્રમાણ છે.
આ જ સૂક્ષ્મ સ્તરનું સમયભાન જ્યારે સ્થૂળ સ્તરે જળવાય ત્યારે આપણે એને ‘લયભાન’ કહીએ છીએ. લયભાન એટલે નિયત સમયાંતરે પુનરાવૃત્ત થતી ક્રિયા (કે ઘટના)માં નિયત સમયાંતર જાળવવાની (કે પારખવાની) ક્ષમતા. દા.ત. નિયત કાલાંતરે વગાડાતી તાલી, કે તબલા પર વગાડાતો કોઈ તાલ, અથવા ગરબે ઘૂમતી વખતે નિયત કાલાંતરે પુનરાવૃત્ત થતો પદ-વિન્યાસ, કે હાથનું લાલિત્યપૂર્ણ ચલન વગેરે.
ભારતીય અને પાશ્ચાત્ય સંગીત પ્રણાલિઓમાં મુખ્ય ભેદ લયનો છે. ભારતીય સંગીત ચક્રીયલય (Cyclic Rhythm) પર આધારિત છે જ્યારે પાશ્ચાત્ય સંગીત રેખીય લય (Linear Rhythm) પર નિર્ભર છે. આ રેખીય લય ક્યારેક બહુ-સ્તરીય (Multi Layered) પણ હોઈ શકે. આપણી વિભાવના ચકાસવા માટે આપણે ઉત્તર ભારતીય સંગીત પ્રણાલિનું ઉદાહરણ લઈશું.

શાસ્ત્રીય વાદનમાં જ્યારે વાદક આલાપ પૂરો કરે ત્યાર પછી તબલચી વાદકની સાથે પ્રથમ, નિયત લયમાં, કોઈ તાલની તબલા ઉપર શરૂઆત કરે છે. થોડા સમય પછી વાદક લય સાથેની રમત આદરે છે (જેને સંગીતની ભાષામાં ‘લયકારી’ કહે છે). આ દરમિયાન તબલચી તબલા પર એની નિયત લય પકડી રાખે છે. ત્યાર પછી કોઈ તબક્કે વાદક થોડા સમય માટે લયકારી કરવાનું છોડી પોતાની લયને નિયત કરે છે, જેથી તબલચી લયકારી કરી શકે. આને વાદકે તબલચી માટે ‘લહેરો' પકડ્યો, એમ કહેવાય છે. ત્યાર બાદ એવો તબક્કો આવે છે કે વાદક અને તબલચી બંને એકબીજાની લયકારીને પામી જાય છે, અને એવી જ લયકારી એક સાથે શરૂ કરે છે. આ એ તબક્કો છે જેમાં વાદક અને તબલચીની લય ઉપરની પકડ અને પરસ્પર સુસંવાદની ખરી કસોટી થાય છે. વાદક અને તબલચી એક સાથે લયકારી કરીને જ્યારે નિયત ‘સમ' ઉપર એક સાથે આવે છે ત્યારે ખરી રસનિષ્પત્તિ થાય છે. સમાંતર લયકારીના આ તબક્કામાં વાદક અને તબલચી કેવી જુદી જુદી ચમત્કૃતિપૂર્ણ રીતે ‘સમ' ઉપર આવે છે. એમાં એમના કસબની કસોટી છે. (ચક્રીય લય એ હિન્દુસ્તાની સંગીતનું લક્ષણ-વિશેષ છે. ‘સમ' એટલે એ ઘડી જ્યારે તાલની પ્રથમ માત્રા ઉપર સ્વર અને લયના, ક્યારેક સાવ સ્વતંત્ર જણાતા આવર્તનો ભેગાં મળે. ‘સમ' એ હિન્દુસ્તાની સંગીતની કદાચ સૌથી મહત્ત્વની સંકલ્પના (concept) છે.)

એટલું જ નહીં, પરંતુ ઉત્તમ લયભાન ધરાવનાર કોઈ સારો શ્રોતા પણ (ગમે તેટલી ચમત્કૃતિપૂર્ણ લયકારી હોય તો પણ), આવનારી સમ અગોતરી પારખીને બરાબર ‘સમ' ઉપર દાદ આપે છે. લયકારી એ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતનો અવિભાજ્ય ઘટક છે. ‘સમ' ઉપર આવવાની પદ્ધતિ અને એમાં રહેલી ચમત્કૃતિ વાદનને સમૃદ્ધ કરે છે અને શ્રોતાના ચિત્તને ઝંકૃત કરે છે.
આમ સંગીતના સૌંદર્યબોધ માટે જરૂરી સ્વર-ભાન (સૂક્ષ્મ સ્તરનું સમયભાન) અને લયભાન (સ્થૂળ સ્તરનું સમયભાન) ન ધરાવનાર વ્યક્તિ એ સૌદર્યથી વંચિત રહી જાય છે અને કલાના હાર્દને પામી શકતી નથી

નૃત્ય / નાટક અને સમય
સંગીતમાં સમયભાનનું મહત્ત્વ આપણે આગળ જોઈ ગયા. સંગીત એ નૃત્યનો એક પ્રમુખ ઘટક હોવાથી સમયભાનનું જે સ્થાન સંગીતમાં છે એ નૃત્યમાં પણ આપોઆપ છે. નૃત્ય એ દૃશ્ય-શ્રાવ્ય કલાપ્રકાર છે. સંગીતની શ્રાવ્યલય ઉપરાંત એમાં દૃશ્ય-લયનું નવીન પરિમાણ ઉમેરાય છે. નૃત્યમાં અભિવ્યક્તિ દરમિયાન એક ભાવભંગિ/ અંગભંગિથી બીજી ભાવભંગિ અંગભંગિ સુધી જવાની ક્રિયાના લાલિત્ય અને લયબદ્ધતામાંથી એનું સૌંદર્ય પ્રગટ થાય છે. સમયભાન / લયભાન વિના નૃત્યમાં પણ સૌંદર્યબોધ શક્ય નથી. લયભાન વિના નૃત્યકલા પણ વિકસી કે ટકી શકતી નથી.

નાટ્યની વાત કરીએ તો નાટ્યમાં જ્યારે બે પાત્રો વચ્ચે સંવાદ થાય છે ત્યારે સંવાદના ભાવોને અનુરૂપ શબ્દોના ઉચ્ચારની તીવ્રતા (Pitch અથવા Frequency)માં વધઘટ જરૂરી છે, જ્યાં પાછું સ્વરભાન જરૂરી બને છે. વળી સંવાદને અસરકારક બનાવી ધારી રસનિષ્પત્તિ કરવા માટે બે શબ્દો કે વાક્યો વચ્ચેના અંતરાલ, વધુ કે ઓછા ભાર, કે હળવાશથી કરાતા ઉચ્ચારો, કાકુઓ વગેરેની પણ નિતાંત આવશ્યક્તા છે. લયભાન વિના કોઈ અભિનેતા સારો અભિનય કરી શકે એ વાતમાં માલ નથી.

નાટક લખવા માટે પણ આ બધી બારીકીઓનું જ્ઞાન સુક્ષ્મ સ્તરે અનિવાર્ય છે. નાટકનાં વિવિધ દૃશ્યો, પ્રવેશો વગેરેની એક માંડણી (Composition) અને લય, નાટકકારને સંકલ્પનાના તબક્કે (While Conceiving the Play) જ અભિપ્રેત હોય છે. નાટકકાર એના પ્રેક્ષકને ક્યારે ક્યારે, કેવા કેવા માનસિક /ચૈતસિક તબક્કાઓમાંથી લઈ જવા માગે છે, એના ઉપર આ લય મહદઅંશે આધારિત હોય છે.

બર્તોલ્ત બ્રેખ્ત (Bertoli Brecht) જેવાં કેટલાંક નાટકકારો, નાટકની આવી લયબદ્ધતાને વચ્ચે વચ્ચે તોડતા રહેવાના મતના છે. એ પાછળ એમનાં આગવાં કારણો અને હેતુઓ પણ છે, પરંતુ એની ચર્ચા અત્રે અપ્રસ્તુત છે.
અહીં મુદ્દો એટલો જ નોંધવાનો છે કે હેતુપૂર્વક લયને તોડવા માટે પ્રથમ લય પરનું પ્રભુત્વ જરૂરી છે.

કવિતા / ગદ્ય અને સમય
કવિતાને મુખ્ય બે વિભાગોમાં વહેંચી શકાય : છાન્દસ અને અછાન્દસ.
આપણી વાણીને મુખ્યત્વે બે પ્રકારના ધ્વનિ-ઘટકોમાં વહેંચી શકાય, ‘લઘુ’ અને ‘ગુરુ’, એવાં ધ્વનિ-ઘટકો કે જેમનો ઉચ્ચાર ટૂંકો હોય એમને ‘લઘુ’ની અને જે ધ્વનિ-ઘટકોનો ઉચ્ચાર લાંબો અથવા દીર્ઘ હોય એમને ‘ગુરુ’ની સંજ્ઞા આપવામાં આવે છે. દા.ત. ‘અ’, ‘ઉ’, ‘ઈ' જેવાં હૃસ્વ સ્વરો અને એમની સાથે જોડાયેલા વ્યંજનોને ‘લઘુ’ અને ‘ઊ’ કે ‘ઈ’ જેવાં દીર્ઘ સ્વરો એમની સાથે જોડાયેલા વ્યંજનોને ‘ગુરુ’ ગણવામાં આવે છે.
છંદશાસ્ત્રમાં ધ્વનિ-ઘટકોને લઘુ-ગુરુની સંજ્ઞાઓ આપવા માટેના ઘણા નિયમો (અને એમના અપવાદો પણ) છે, પરંતુ એની ચર્ચા પણ અત્રે અપ્રસ્તુત છે.
સાવ સરળ ભાષામાં છન્દની સમજણ આપવી હોય તો એમ કહી શકાય કે આવા લઘુ અને ગુરુ ઉચ્ચારવાળા ધ્વનિ-ઘટકોની નિયત સંખ્યા અને ક્રમ (Order) ધરાવતી વાણી એટલે છંદોબદ્ધ વાણી.
[અરે હા ! ઠીક યાદ આવ્યું. કેટલાંક ભાષાસુધારકો, અમુક હૃસ્વ અને અમુક દીર્ઘ સ્વરો ગુજરાતી લિપિમાંથી રદ કરવા માટેની ઝનૂની ઝુંબેશ ચલાવી રહ્યાં છે. મોટાભાગના લોકો (વિદ્વાનો અને ભાષાશાસ્ત્રીઓને બાદ કરતાં) એ સ્વરોનો ઉપયોગ કરતા નથી એટલા માટે, ભાષાના સરળીકરણ માટે, અને અંતતોગત્વા એના ઉદ્ધાર માટે. (એમ તો મોટા ભાગના લોકો પોતાના શરીરના, ખભાથી ઉપરના ભાગનો ખાસ ઉપયોગ કરતા જણાતા નથી એનું શું? આની પણ કંઈક ઉપાય યોજના આ લોકોએ વિચારવી જોઈએ.).

મારું બીજું પણ એક અવલોકન છે. ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ કે એના ગતિના નિયમોનો હું કદી ઉપયોગ કરતો નથી. મારું માનવું છે કે મોટાભાગના (ઇજનેરો અને વૈજ્ઞાનિકો સિવાય) એનો ઉપયોગ કરતા નથી. તો પછી આપણા બિચારા બાળકોને માથે આવા અઘરા નિયમોનો ભાર શા માટે લાદવો? આનાથી તો બાળકો કંટાળીને વિજ્ઞાનથી વિમુખ થશે અને આપણી બિચારી ગુજરાતી ભાષાની જેમજ, બાપડું વિજ્ઞાન પણ મરણપથારીએ પહોંચી જશે. આમ પણ ન્યૂટન પછી ઘણાં વર્ષે આલ્બર્ટ આઇન્સ્ટાઇને ગાણિતિક રીતે સાબિત કર્યું જ છે કે ન્યૂટનના ગતિના નિયમો અમુક સ્થળ-કાળના સંદર્ભે જ સાચા છે, નિરપેક્ષ રીતે નહીં. એટલે ‘આઈન્સ્ટાઈને ન્યૂટનના નિયમો ખોટા પુરવાર કર્યા છે’ – એવી દલીલ પણ હાથવગી જ છે. માટે, આવાં ખોટા અને અઘરા નિયમો શાળાના પાઠ્યપુસ્તકોમાંથી તરત જ કઢાવી નાખવાની પણ તાતી જરૂર છે.

મારો આ લોકોને નમ્ર અનુરોધ છે કે એમણે વિજ્ઞાનને બચાવી લેવાની ઝુંબેશ પણ ઉપાડવી જોઈએ. જોકે એવી કંઈ ઉતાવળ નથી – ‘ઉ', ઊ', ‘ઇ’, ‘ઈ’ વગેરે બાબતના અતિમહત્ત્વના પ્રશ્નોમાંથી એ લોકો પરવારે, પછી વિજ્ઞાનવાળો પ્રશ્ન હાથ પર લઈ શકાય.
હાલ પૂરતું તો ભાષા સુધાર / ઉદ્ધારના એમના ઉદાત્ત કાર્ય પર ધ્યાન કેન્દ્રીત કરીને, એમણે આ લેખ આગળ વાંચવામાં પોતાના સમયનો દુર્વ્યય ન કરવો, એ જ ઈષ્ટ.]

સ્વયં-સ્પષ્ટ છે કે આવી છંદોબદ્ધ, સમાપ વાણીનું, લઘુ-ગુરુ ધ્વનિ ઘટકોના સ્થાન અને ઉચ્ચાર પ્રમાણે પઠન કરવામાં આવે તો એ પઠન લયબદ્ધ જ હોય. આવી લયબદ્ધ વાણી લખવામાં, એનું પઠન કરવામાં અથવા એમાંથી નિષ્પન્ન થતા સૌંદર્યને પામી, કવિતાના હાર્દ સુધી પહોંચવામાં સમયભાન/ લયભાન અનિવાર્ય છે.

અછાન્દસ કવિતા કે ગદ્યની પૂર્વશરત એ છે કે એમાં કોઈ નિયત લય ન હોવી જોઈએ. (આજ લક્ષણ એમને છાન્દસ કવિતાથી જુદા પાડે છે). પરંતુ એમાં કોઈ (અનિયત) ભાષાકીય લય તો હોવી જ જોઈએ. આ લયથી જ, જે કે તે સર્જકની વૈયક્તિક્તા (Individuality) ઊપસી આવે છે, જે એના કલાવિશ્વનું એક અતિમહત્ત્વનું પાસું છે. અછાન્દસ કવિતા કે ગદ્યના સર્જકને એની કૃતિની માંડણી (Composition), એની સંકલ્પનાના તબક્કે જ અભિપ્રેત હોય છે, કે જે દ્વારા તે ભાવકને ક્રમવાર એમાં ઊઘડતા ભાવવિશ્વોમાંથી લઈ જવા માગે છે.
આથી જ નાટકની જેમજ, અછાન્દસ કવિતા કે ગદ્યનું સર્જન કે એનું ભાવન પણ એક વિશિષ્ટ પ્રકારનું લયભાન માગી લે છે.

ચિત્ર / શિલ્પ અને સમય
ચિત્રનું સૌંદર્ય મુખ્યત્વે ત્રણ બાબતોમાંથી પ્રગટે છે.
૧. રંગવિધાન (Colour Scheme)
૨. આકાર સૌષ્ઠવ (Shape & Flow)
૩. માંડણી (Composition)
‘સ્વર'ની જેમ જ ‘રંગ' પણ એક સંકલ્પના (Concept) છે. આપણી આંખો ઉપર અનેક જુદી જુદી આવૃત્તિ (Frequency)નાં વિદ્યુત-ચુંબકીય વિકિરણો પડતાં રહે છે. આવૃત્તિ કે Frequency એટલે શું એ આપણે અગાઉ જોઈ ગયા. એમાંની અમુક ચોક્કસ આવૃત્તિઓ પ્રત્યે જ આપણી આંખો સંવેદનશીલ હોય છે અને એમને જોઈ શકે છે, જેને આપણે દૃશ્યપ્રકાશ કહીએ છીએ. દૃશ્યપ્રકાશનો જે કુલ આવૃત્તિ-વિસ્તાર (Frequency Range) છે, એમાંની જુદી જુદી આવૃત્તિઓ એટલે જ જુદા જુદા રંગો. લાલ રંગની આવૃત્તિ સૌથી ઓછી, તો જામલી રંગની આવૃત્તિ સૌથી વધુ હોય છે. લાલ રંગથી નીચેની (Infra-Red) અને જામલી રંગથી ઉપરની (Ultra-Viole) આવૃત્તિઓના વિદ્યુત-ચુંબકીય વિકિરણો આપણી આંખોની સંવેદન-ક્ષમતાની બહાર હોવાથી જોઈ શકાતા નથી.

અહીં થોડી આડવાત. આપણે જાણીએ છીએ તેમ, સંગીતમાં એક સપ્તકનો વ્યાપ બે ગણી આવૃત્તિનો હોય છે. દા.ત. તાર સપ્તકના ષડજની આવૃત્તિ, મધ્ય સપ્તકના પડ઼જથી બમણી તેમ જ મંદ્ર સપ્તકના ગંધારની આવૃત્તિ, મધ્ય સપ્તકના ગંધાર કરતાં અરધી... વગેરે. રસપ્રદ વાત એ છે કે દૃશ્ય-પ્રકાશનો આવૃત્તિ વિસ્તાર પણ બરાબર એક સપ્તક જેટલો, એટલે કે બમણી આવૃત્તિનો હોય છે. પારજામલી એટલે કે Ultra-Violet વિકિરણની આવૃત્તિ, લાલ રંગની આવૃત્તિ કરતાં લગભગ બમણી હોય છે. આપણે એને પ્રકાશ-સપ્તક પણ કહી શકીએ.

દૃશ્ય-પ્રકાશના આવૃત્તિ-વિસ્તાર (એટલે કે પ્રકાશ-સપ્તક)ની નીચે તથા ઉપર આવાં અનેક વિદ્યુત-ચુંબકીય વિકિરણોના સપ્તકો હોય છે. એ તમામ સપ્તકો પૈકી આપણે માત્ર એક જ સપ્તક (પ્રકાશ-સપ્તક) જોઈ શકીએ છીએ.
‘સ્વર' અને ‘રંગ'ની સંકલ્પના (Concept) વચ્ચેનું સૌથી વિસ્મયકારક, મનોહર અને અદ્ભુત સામ્ય એ છે કે જેમ સ્વર-સપ્તકને આપણે સાત મુખ્ય સ્વરોમાં વહેંચ્યું છે, તેવી જ રીતે પ્રકાશ-સપ્તકને આપણે સાત મુખ્ય રંગોમાં વહેંચ્યું છે. આ પ્રકાશ-સપ્તક એ જ આપણું મેઘધનુષ્ય.
એક સ્વર-સપ્તકમાં અસંખ્ય આવૃત્તિઓ હોય છે, જેમાંની અમુક જ સાંગીતિક (સંગીતની દૃષ્ટિએ રસપ્રદ) હોય છે. બધી જ આવૃત્તિઓનું નામાભિધાન કરવાનું નથી તો આપણું સામર્થ્ય કે નથી એવી આવશ્યકતા. માટે સ્વર-સપ્તકની અસંખ્ય આવૃત્તિઓમાંથી માત્ર સાત મુખ્ય આવૃત્તિઓને આપણે નામ આપ્યાં (સા, રે, ગ... વગેરે). એ જ રીતે પ્રકાશ-સપ્તકની અગણિત આવૃત્તિઓ પૈકી માત્ર સાતને આપણે સ્પષ્ટ રીતે જુદી તારવી શકીએ છીએ, જેમને આપણે સાત રંગોનાં નામ આપ્યા.

શું આ બધો એક વિરલ યોગાનુયોગ માત્ર છે ? શું સ્વરોનું નામાભિધાન કરનાર અને રંગોનું નામાભિધાન કરનાર કોઈ એક જ વ્યક્તિ (કે Team) હતી ? શું એમને આ બધી તાંત્રિક (Technical) બાબતોનું જ્ઞાન હતું ?
આ બધાં પ્રશ્નો ચિંતન માગી લે છે. પરંતુ ગમે તેટલી રસપ્રદ હોય તો પણ આડવાત એ આડવાત. માટે હવે આપણે મૂળ વાત પર પાછા ફરીએ.
સ્વરની જેમજ, એક રંગને બીજા રંગથી જુદો પારખવા માટે તેમજ ચિત્રના રંગવિધાનમાંથી નિષ્પન્ન થતા રસને પામવા માટે સૂક્ષ્મ-સ્તરનું સમયભાન આવશ્યક છે.
ચિત્રકાર પોતાની અભિવ્યક્તિ માટે રંગવિધાન ઉપરાંત જુદા જુદા આકારો અને તેમની માંડણી (Composition)નો પણ આશ્રય લે છે. સળંગ ભાસતું ચિત્ર પણ વાસ્તવમાં અનેક ભાગોનું બનેલું હોય છે. એમાંના ક્યા ભાગ પર ભાવકની નજર પહેલાં પડવી જોઈએ અને એ ક્યા ક્રમમાં અને કેવા પ્રવાહમાં (લયમાં) ચિત્રના અન્ય ભાગો પરથી પસાર થવી જોઈએ, એનો પણ ચિત્રકારે સંકલ્પનાના તબક્કે ખ્યાલ રાખવાનો હોય છે. ભાવકને પોતાના ચિત્રના વિવિધ ભાગોમાંથી કઈ રીતે અને કેવી લયમાં દોરી જવાય તો ધારી અસર જન્માવી શકાય, એ બાબત પ્રત્યે ચિત્રકાર સભાન હોય છે, અને ચિત્રના રંગ આકારો અને માંડણી એ પ્રમાણે રાખે છે.

આમ એ સ્પષ્ટ થાય છે કે ચિત્રના સર્જન/ભાવનમાં પણ સમયભાન/ લયભાન (સૂક્ષ્મ તેમજ સ્થૂળ સ્તરે)નું આગવું મહત્ત્વ છે. અથવા કહો કે સમયભાન ચિત્રકલામાં પણ અન્ય કલાઓ જેટલું જ પ્રસ્તુત અને જરૂરી છે.

શિલ્પની બાબતમાં રંગવિધાનની ચર્ચા ચિત્ર જેટલી પ્રસ્તુત નથી. પરંતુ ચિત્ર માટે કરેલી આકાર-સૌષ્ઠવ અને માંડણીની ચર્ચા શિલ્પ માટે પણ એટલી જ પ્રસ્તુત છે.
આમ શિલ્પકલામાં સમયભાન/ લયભાનના મહત્ત્વ વિશે જુદી ચર્ચા નવેસરથી કરવાની રહેતી નથી.

ઉપસંહાર :
‘સમય’, ‘સૌંદર્ય’ અને ‘કલા’ને પરસ્પર સંબંધ શું છે એના ઉપર પ્રકાશ ફેંકવાનો પ્રયત્ન કરતી આ વિભાવના (Hypothesis), આપણે કેટલીક કલાઓના પરિપ્રેક્ષ્યમાં તપાસી. આ જ રીતે એને મોટા ભાગની અન્ય કલાઓ માટે પણ તપાસીને, એની પ્રસ્તુતતા પ્રતિપાદિત કરી શકાય.

આ સાથે એ સ્પષ્ટ કરવું પણ આવશ્યક છે કે સૌંદર્યબોધ અને એ દ્વારા કલાના હાર્દ સુધી પહોંચવા માટે સમયભાન/ લયભાનનું હોવું એ જરૂરી શરત ખરી, પણ પર્યાપ્ત નહીં.
સમયભાન / લયભાન હોવા માત્રથી કોઈ વ્યક્તિ ઉત્તમ સંગીતકાર/ નર્તક, નાટ્યકાર, કવિ, ચિત્રકાર કે શિલ્પી થઈ શકે એમ માનવું વધારે પડતું છે.
સાચા કલાકાર હોવા માટે એક એવા ઈશ્વરદત્ત તત્ત્વની આવશ્યકતા છે, જેના વિશે વિજ્ઞાનને અદ્યાપ કોઈ જાણકારી, અરે અણસાર (Clue) સુધ્ધાં નથી. આ ખાસ તત્ત્વની જન્મજાત ઈશ્વરી દેન હોય, એ દેન વહેલી પરખાય/પાંખાય, એનું યોગ્ય સંમાર્જન થાય, યોગ્ય ગુરુ મળે અને વિધાતાને મંજૂર હોય, તો સાચી કલા સુધી કદાચ પહોંચાય તો પહોંચાય.
* * *


0 comments


Leave comment