3 - બે ઓલિયા / ચુનીલાલ મડિયા


આજે રવિવાર હતો. કતલની રાત જેવી શનિવારની રાતે, બધા દિવસોનું વેર વાળતા હોય તેમ વાંચી શકાય તેટલું વાંચી, સવારે સાડા નવ વાગ્યે બગાસાં ખાતાં ખાતાં સૌ હોસ્ટેલની ઓરડીઓ બહાર આવ્યા. દાતણ ચાવતાં ચાવતાં કૂચો ઓશરીના કઠેડાની કોર ઉપર જલતરંગ વગાડતા હોય તેમ તાલબદ્ધ પછાડતાં જ સૌએ સર્વાનુમતે ઠરાવ કર્યો કે ઘારી-દૂધપાકની ફિસ્ટ ઉડાવ્યા પછી ઊંઘવું નહીં, પણ કોઈ સિનેમામાં ઊપડવું.

ઠરાવ થતાં જ સિનેમાશોખીન કાપડિયા ખોલીમાંથી છલાંગ મારતાકને તાજું દૈનિક લઈ આવ્યા અને એક પછી એક ચિત્રની જાહેરખબર વાંચવા લાગ્યા.
‘ઓહો !' કાપડિયાના પગની નીચેની જમીને કંપ અનુભવ્યો હોય અને એકાએક આંચકો લાગ્યો હોય તેમ તેઓ બે પગે કૂદીને બિચારા બાળાભોળા જેવા ઓઝા ઉપર સવાર થઈ ગયા.
‘અરે, અરે, કંઈ ભાન છે કે નહીં? શાં મસ્તીતોફાન શરૂ કર્યા છે?’ કાપડિયાનો ભાર સહન ન થતાં ઓઝા બરાડી ઊઠ્યા.
‘ક્યા કહના યાર, સાઈકલવાલી !' કાપડિયા આખી હોસ્ટેલ સાંભળી શકે તેવડા બુલંદ અવાજે બોલ્યા, ‘સાથે, સ્ટેજ પર કોકિલકંઠી મિસ અખ્તરીબાઈ તથા મિસ મુમતાજનો સુંદર નાચ તથા ગાયનો –‘

ઓઝાના ખભા ઉપર બેસીને કાપડિયા આ શબ્દો બોલ્યા ત્યારે કોઈ દૈત્ય બ્રહ્મવર્ચસને દૂષિત કરી રહ્યો હોય તેમ સૌને લાગ્યું.
‘ગેટ ડાઉન, ગેટ ડાઉન, મિ. કાપડિયા !' ઓઝા કાપડિયાના આવા વર્તનથી નારાજ થતાં બોલ્યા.

ઓસરીમાં ઓઝા તથા તેમના રૂમ-કમ્પેનિયન પાંડેજીએ સ્ટેજ પરના નાચની વાત સાંભળીને કિવનાઈન ખાધું હોય તેમ દાતણ એમ ને એમ મોંમાં રાખી મોં બગાડ્યું, હોઠ મચકોડ્યા, નાકનું ટેરવું ઊંચે ચડાવ્યું, ભ્રમરો સંકોડી અને ‘હ અ અ ક થ્થુ !’ કહીને એ નાચની બદબો થૂંકી નાખી.
કાપડિયાએ તો એક હાથ કમ્મરે ટેકવી, બીજે હાથે મોં લૂછવાનો રૂમાલ કપાળ ઉપર ઢાંકી, કમ્મર એક બાજુ મરડીને અંગભંગ કરતાં એમની આગવી જબાનમાં તાન છોડી –
‘પનઘટ પે નંદલાલ છેર ગયો હાં –
મોહે પનઘટ પે....’
‘બ્યૂટિફુલ, મિ. કાપડિયા !’
‘વન્સ-મોર, પ્લીઝ.'
ચારે બાજુથી કાપડિયાના નાઝોઅંદાજની કદર થવા લાગી.

ઓઝા અને પાંડેજી જેમતેમ દાતણનાં ચીરિયાં કરી, ઊલ ઉતારીને નળે જઈ કોગળા કરી, ધૂંઆપૂંઆ થતા ખોલીમાં આવ્યા.
બંને એવા તો રૂઢિચુસ્ત અને સનાતની હતા કે હોસ્ટેલમાં તેમની ગણતરી પાક ઓલિયાઓ તરીકે જ થતી. બંને ઘરેથી નીકળતી વખતે બાપાએ આપેલી ગીતાનો સાંજસવાર પાઠ કરતા. નીતિ, સભ્યતા. શુચિતા, ધર્મપરાયણતા વગેરેની સ્પષ્ટ લાઇનદોરી તેમની આસપાસ બંધાઈ ગઈ હતી.

સવારના પહોરમાં જ આજે કાપડિયાએ આખો દિવસ ચાલી શકે તેટલી ચર્ચાનો ખોરાક એમને પૂરો પાડી દીધો હતો.
‘સ્ટેજ ઉપર નાચ !' ઓઝાએ મોં બગાડી શકાય તેટલું બગાડી વધુમાં વધુ ઘૃણા ઉત્પન્ન થઈ શકે તેમ મરડી મરડીને ‘ના... અ... અ...ચ !’ એમ ઉચ્ચાર કર્યો.
‘અટર વલ્ગર' પાંડેજીએ તેમની રીત પ્રમાણે ઓઝાના કથનની પૂર્તિ કરી આપી.
‘કેટલા ગંદા શબ્દો આવે છે ! અને એથીયે વધારે વલ્ગર ચેનચાળા !’
‘લોકોનાં ટેઇસ્ટ્સ કેટલાં હીન છે!' પાંડેજીએ કહ્યું.
‘જેવાં એમનાં જીવન !’
‘જેવા એમના સંસ્કાર !' પાંડેજી ઊંડા ઊતર્યા.
‘જેવાં એમનાં માતપિતા !' ઓઝા ઝીલતા ગયા.
‘જેવો સમાજ એવાં માતપિતા !’ પાંડેજીએ ઓઝાના કથનનો મોટા પાયા પર ઉપયોગ કર્યો.
‘વોટર ઓલવેઇઝ સીક્સ ઇટ્સ ઓન લેવલ. જેવાં એમનાં જીવન એવી એમની રુચિ.’ બંને મિત્રોએ અંતે સો વાતની એક વાત કરી નાખી.

બપોરે કલબમાં જમતાં જમતાં સિનેમા-ચિત્રની ચર્ચા ઊપડી :
‘કાપડિયા, એક ઘારી વધારે દાખજો. મિસ મુમતાઝને વન્સમોર આપવા તાળીઓ પાડવી ફાવશે.’ કોઈ રસિકે કાપડિયાને ઘારીનો આગ્રહ કરતાં કહ્યું.
ઓઝા-પાંડેજીની જોડી ખૂણામાં બેઠી બેઠી મનમાં સમસમી રહી.
‘અરે એક તે શું, એકવીસ ઘારી ખાશે તોય પચી જશે'
‘અરે મહારાજ, આજે ઊપડવાના કે ?’ કોઈએ પીરસવાવાળા મહારાજને પૂછ્યું.
‘ક્યાં?'
‘સ્ટેજ પરના ડાન્સમાં.'
‘તમારી સ્પેશિયલનો નાચ છે!’
‘ક્યી! “છોટેસે બલમા” વાળી?’ મહારાજે સામે પૂછ્યું.
‘હા, હા, હા.’ સૌએ હા પાડી.
‘એના આંગણામાં જઈને ગિલ્લી ખેલી આવો.’ કોઈએ મહારાજને આમંત્રણ પાઠવ્યું.
‘હોવે હોવે !’ મહારાજ ખુશ થયા.

છેવટે ચર્ચા એટલી હદે પહોંચી કે ઓઝા-પાંડેજીના કાનમાં કીડા હોય તો જરૂર એ સાંભળીને ખરી પડ્યા હોત.
ખોલીમાં આવીને એમણે ફરી પાછી ‘હલકી રુચિ અને નીતિનું ધોરણ’ની ચર્ચા ઉપાડી. તેમાંથી ધીમે ધીમે ‘નીતિનાં બંધનોનો લોપ અને સમાજની અધોગતિ’માં ઊતરી પડ્યા, અને અંતમાં ‘વિલાસી પ્રજા અને તેનું પતન’ સુધી પહોંચી ગયા. છેવટે બન્નેએ એમ નક્કી કર્યું કે બીજાઓ ઉપર દાખલો બેસાડવા માટે એમણે બંનેએ તો બાજુના થિયેટરમાં ચાલતું ‘ધર્માત્મા' ચિત્ર જ જોવા જવું. આ બધી ચર્ચા દરમિયાન બન્નેએ અકળાઈને બે-ત્રણ વખત એકબીજા સામું જોયું.

થોડો વખત વીતતાં ઓઝાએ ઘડિયાળ સામું જોઈ ઊભા થઈને કહ્યું :
‘પાંડેજી, આજે સિસ્ટરને ત્યાં જવું છે માટે હું વહેલો જઈશ. ગયા રવિવારે પણ નહોતો જઈ શક્યો. તે ચિંતા કરતાં હશે. ત્યાંથી સીધો જ તમને ‘ધર્માત્મા'માં મળીશ.’
‘અચ્છા !’ પાંડેજીએ ખુશ થઈને હા પાડી.
‘અચ્છા, ત્યારે જાઉં છું.’ કહી ઓઝા ખોલીની બહાર ગયા. ઓઝા બહાર નીકળ્યા કે તરત જ પાંડેજીએ મોં ધોઈ, વાળ ઓળી, કોટ ચડાવી, મનમાં ઓઝાને ગાળો ભાંડતાં ભાંડતાં બીજે જ રસ્તે ચલતી પકડી. ‘સાલો ઓલિયો, પોતે તો નહીં જુએ પણ બીજાનેય નહીં જોવા દે' કહી, ‘ધર્માત્મા'માં જવાને બદલે લપાતાછુપાતા ‘સાઈકલવાલી'ના થિયેટરમાં જ તેઓ ઘૂસ્યા. એક પઠાણને બે આના આપી પહેલા વર્ગની ટિકિટ લીધી અને શરૂ થવાને અર્ધી મિનિટની વાર હતી, ત્યારે અંધારાનો લાભ લઈ, એક ખૂણામાં જઈ બેસી ગયા.

તેમને ચિત્ર થોડું જોવું હતું ? બે ભાગ ગયા અને થિયેટર આખું બત્તીઓથી ઝળાંહળાં થઈ રહ્યું, ત્યારે જ તેઓ જરા ઊંચા થયા. તબલચીએ તબલું ઠોક્યું અને અંદરથી મિસ અખતરીબાઈ બહાર આવી. તેણે મોઢા ઉપર પાઉડરનો છૂટથી ઉપયોગ કરેલો હતો. મોમાં પાનનો ડૂચો ભર્યો હતો અને કપડાં એવાં અને એવી રીતે પહેર્યા હતાં કે એ શરીરને ઢાંકવાને બદલે ઊલટું જ કામ કરતાં હતાં. તેણે આવીને પહેલું ગીત શરૂ કર્યું અને પછી તો તેણે ગાવાને બદલે ઘૂમચકરડીઓ જ ફરવા માંડી.

એક પૂરું થતાં બીજું ગીત શરૂ કર્યું. આ ગીતે તો પ્રેક્ષકોને ખૂબ ઉશ્કેરી મૂક્યા. તેમાં પણ જ્યારે એણે આગળના વર્ગમાં બેઠેલા કોઈ પાઘડીવાળા તરફ આંગળી ચીંધી આંખ મીંચીને ગાયું, ‘કાકા પાઘડીવાળા ચોર મોહે અખિયાં મારે...એ, એ’ ત્યારે તો બીજા સૌને કાકાની ઈર્ષ્યા આવી.
‘કાકા, ફાવ્યા!’
‘નસીબદાર લાગો છો, કાકા !’
‘કાકાની જલેબી ગરમ !'

પાંડેજીએ સહેજ ઊંચા થઈને એ નસીબદાર ‘કાકા’નાં દર્શન કરવા કર્યું ત્યાં તો તેમણે શું જોયું? તેમની આગળની જ હારની ખુરશી ઉપર... ઓઝા? હા, એ જ. એ જ તેમની ચિરપરિચિત ચોટલી અને કોઈ દિવસ તેલનો સ્પર્શ સરખો પણ નહીં પામેલું ભૂખરા ઊભા વાળવાળું માથું.

પાંડેજીએ ઓઝા ઉપર હજાર હજાર લ્યાનતો વરસાવવા માંડી. જોયો એ ઓલિયો, કેટલા રસથી નાચ જોઈ રહ્યો છે ! પણ હું? સભ્યતાનો બુરખો પહેલેથી જ એવો તો ઓઢાઈ ગયો છે... પણ, અત્યારે હવે શો ઉપાય? એ જોશે તો તો મરવા જેવું જ થશે.
ઈન્ટરવલનો સમય આવ્યો. ‘ઠંડી સોડા લેમન,’ ‘આઈસ પાણી', ‘હિંદુ ચા', ‘ચિનાઈ શીંગ' વગેરેથી થિયેટર ગાજી ઊઠ્યું. પાંડેજીને થયું કે ઓઝા આ બાજુ મોં ફેરવશે કે મને જોઈ જશે અને હોસ્ટેલ આખીમાં ધજાગરો બાંધશે, માટે ચાલો, આ ઈન્ટરવલનો સમય બહાર ગાળી આવીએ. પછી બે હાર પાછળ, સામેને ખૂણે જઈ બેસીશું.

તેઓ થિયેટર બહાર નીકળ્યા. પણ ખિસ્સામાંથી રૂમાલ કાઢી, તેનો પંખો બનાવી હવા ખાવા જાય છે, ત્યાં તો અંદરથી ઓઝા પણ લપાતાછુપાતા, ટોળા સાથે નીકળતા દેખાયા. માર્યા ઠાર ! નજીક ઊભેલા છોકરાની ઓથે છુપાવા પાંડેજીએ મહેનત કરી અને તેમાં કંઈક ફાવ્યા પણ ખરા; છેક છેલ્લી ઘડીએ એ છોકરાને કમબખ્તને કોણ જાણે શું સૂઝયું તે ‘સાર ગાયનની ચોપડી કિંમત એક આનો...' કરતોકને સરકી ગયો અને એની જ પેલી બાજુની ઓથે છુપાયેલા ઓઝાને અને આ બાજુએ છુપાયેલા પાંડેજીને સામસામા - સન્મુખ લાવી દીધા.
‘અરે પાડેજી !’
‘અરે ઓઝા !’
બંનેએ એકબીજાને એકીસાથે જ સંબોધ્યા.
‘તમે અહીં?' પાડેજીએ ઓઝાને કહ્યું.
‘અરે, સાલું થિયેટર જ ભુલાઈ ગયું. પેલામાં જવાને બદલે અહીંની ટિકિટ લેવાઈ ગઈ. કોઈ દિવસ આવેલ નહીં ને !'

ઓઝાએ ઉત્તર ઘડી કાઢ્યો. પછી પાંડેજીની પણ કસોટી કરવા તેઓને સામું પૂછ્યું : ‘પણ તમે અહીં?'
‘અરે, કાપડિયાનો અરજન્ટ ટેલિગ્રામ હતો તે અંદર આપવા જવા ટિકિટ લેવી પડી. પછી ઈન્ટરવલ સુધી બહાર જ ક્યાં કોઈ નીકળવા દીએ છે ?’
‘અચ્છા !’
‘ચાલો હવે રૂમ પર જઈશું ને?’
‘હાસ્તો.'
‘રેકટરે કહ્યું કે ટેલિગ્રામ આપી આવો, પછી તો આવવું જ જોઈએ ને ? પણ આવા થિયેટરમાં આવતાં આપણી કેટલી આબરૂ જાય એ એને શું ખબર પડે ?’
‘હા, આપણને અહીં સૌ એક પતંગમાં ગણી કાઢે !' ઓઝાએ પાંડેજીની પૂર્તિ કરી.

બંને જણા હલકાં સિનેમા-ચિત્રો અને પ્રેક્ષકોની માનસ-વિકૃતિ ઉપર લાંબાં લાંબાં વાક્યો બોલતા થિયેટર છોડી ગયા.'
પણ કોણ જાણે કેમ, કોઈ એથી આગળ જવા તૈયાર ન હતું. ‘કંઈક’ તેમના પગને ખેંચી રાખતું હતું. ઓઝાને થયું કે પાંડેજીએ તેના રંગમાં ભંગ પાડ્યો. હવે તો કોઈ પણ હિસાબે તેની સાથે હોસ્ટેલમાં જવું જ પડશે.
‘અરે પાંડેજી, મારી થેલી સિસ્ટરને ઘેર ભૂલી ગયો છું તે લેવા જવું પડશે.’ ઓઝાએ કહ્યું.
પાંડેજીને તો ભાવતું હતું ને ઓઝાએ બતાવ્યું : હજી તો મિસ મુમતાઝનો ખંજરીનાચ બાકી હતો.
‘વારુ, ત્યારે હું રૂમ પર જાઉં છું.’
‘અચ્છા !’
બંને જુદા પડ્યા પછી પાંડેજી, આસ્તેથી અંદર આવી, ડોરકીપરને ‘પાસ’ દઈ, ખૂણાની જગ્યામાં લપાઈને બેસી ગયા.
પાંડેજી થોડેક દૂર નીકળી જાય એટલી વાર ઓઝા નજીકની ગલીમાં લટાર મારીને પાછા આવ્યા. આ વખતે તેઓ ખેલ શરૂ થયા પછી અંદર ગયા, જેથી અંધારાનો લાભ ઉઠાવી શકાય. તેમણે છેલ્લી હારમાં ખૂણામાં બેસવું સલામત ધાર્યું. બે હાર વચ્ચેથી રસ્તો કરતા, સૌને પગ ઊંચા લેવડાવતા, કેટલાકની ગાળો ખાતા ખાતા ખૂણામાં પહોંચ્યા ત્યાં –
‘અરે ઓઝા !'
‘અરે પાંડેજી !'
‘કેમ પાછા ?'
‘કોણ? હું ને? અરે, હા, સિસ્ટરનો બિંદુ કહ્યા વિના અહીં પિકચર જોવા આવ્યો છે તેને ગોતવા આવવું પડ્યું... તમે?' ઓઝાએ ગોટો વાળ્યો.
‘હું ને? હા, હું તો બસમાં ચડવા ગયો ત્યાં ખિસ્સામાં હાથ નાખતાં યાદ આવ્યું કે ચિનાઈ શીંગવાળાને બે આની આપીને સાત પૈસા પાછા લેતાં ભૂલી જ ગયો છું.’

ઘડીક વાર તો બંનેએ અંધારામાં એકબીજાની મુખાકૃતિઓ તરફ ટગર ટગર જોયા કર્યું.
પછી બંનેએ એટલા બધા માણસો વચ્ચે પણ ખુલ્લા દિલનું ખડખડાટ હાસ્ય વેર્યું.
* * *


0 comments


Leave comment