3.7 - દરિયો દેખાડે / સંજુ વાળા


રહેવા દે, વળી વળી કાં મને દરિયો દેખાડે?
ઘૂઘવતા જળનો ભંડાર તું- એમ કહી
જપેલા જીવને જગાડે.
કાં મને દરિયો દેખાડે?

ચાંદો ચીંધાડીને રોજ રોજ ચહેરાને આપે સરપાંવ,
મહેરબાની કર, કોઈ જાણીતી વસ્તુની સાથે સરખાવ.
ફૂંકી ફૂંકી ને શાંત સૂતેલાં પાણીમાં
રંગીન પરપોટા ઉગાડે.
કાં મને દરિયો દેખાડે?

યાદ કર, આપ્યું ’તું કોઈ વખત નામ એક તરફડતી માછલી.
લઈ લઉં પરત તારી સિલ્લકમાં સચવાયેલ ક્ષણ બધી પાછલી.
ભીની હવા જેવા એ દિવસો સંભારી
કોણ ફરી છાલક ઉડાડે?
કાં મને દરિયો દેખાડે?

૧૦/૦૪/૨૦૦૪


0 comments


Leave comment