3.9 - આંબલો / સંજુ વાળા
ઉંબરા મોઝાર મ્હોર્યો આંબલો
છાતીની મોઝાર મ્હોરી શાખ રે...
અવળા તે હાથની આડશ્યું કરીને કાંઈ
સવળે પેટાવ્યા દીવા ગોખમાં
નમતાં નેવાંથી ઢળી જાય અંજવાસ
એને કેમ ભર્યો જાય ફૂટી બોખમાં?
ફળિયું ધીખે ’ને ધીખે ઓરડો
એને આકરો ધીખે છે વૈશાખ રે...
છાતીની મોઝાર મ્હોરી શાખ રે...
હોય જો કપાસ એને ખાંતેખાતે કાંતીએ
ને કમખો વણીને કાંઈ પહેરીએ.
માથાબૂડ આપદાનાં ઝળૂબ્યાં રે ઝાડ
ઝીણા નખ થકી કેટલાંક વહેરીએ
મોભ રે મૂકીને ઊડ્યો મોરલો
ભેળી ઊડી હાલી બેઉં આંખ રે...
છાતીની મોઝાર મ્હોરી શાખ રે...
૦૩/૦૫/૧૯૯૪
0 comments
Leave comment