3.12 - ના તરછોડો/ સંજુ વાળા
અધવચ ના તરછોડો
કોઈ કંઠનો હાર બનીને છોને મ્હાલે
અમે રહીશું થઈને પગનો તોડો.
જી... અધવચ ના તરછોડો.
છાને ખૂણે પાળી–પોષી અમે ઉછેર્યું મબલખ,
એ મબલખની માથે ઊગ્યાં અણધાર્યા આ દ:ખ.
કેમ છોડીએ વાળે વાળે વાત પરોવી
કચકચાવી બાંધ્યો જે અંબોડો!
રે... અધવચ ના તરછોડો!
હજુ લોહીમાં રણઝણ થાતાં હાથ મળ્યાનાં કંપન,
એ કંપનના શરમશેરડા થયા આંખનું અંજન
ભરી તાંસળી દો છુટકારો એ જ હાથથી
વ્હાલું, એ હાથે જો ડોક મરોડો.
પણ... અધવચ ના તરછોડો!
૨૯/૧૨/૨૦૦૪
0 comments
Leave comment