3.13 - તું–હું / સંજુ વાળા
જે કંઈ આપે બધું બેવડું પરત કરીશું,
રખે ભૂલશો, એમાં અમને ગમતી કોઈ શરત કરીશું.
જરા મૂછમાં મરકો ત્યાં તો
નવતર નસીબ ખૂલે
ગરીબ આખું ગામ, કોઈ ના
આવે મારી તૂલે.
તું આકાશી તારા માગે, તો પણ હાજર તરત કરીશું.
રખે ભૂલશો, એમાં અમને ગમતી કોઈ શરત કરીશું.
તું જો નમણું ગીત બને, હું
થાઉં સૂરીલું ગળું
અજવાળું માગે તો દીવે
તેલ બનીને બળું.
તું પહેરે તે ખેસ-ખમીસે પરવાળાં શાં ભરત કરીશું.
રખે ભૂલશો, એમાં અમને ગમતી કોઈ શરત કરીશું.
૧૩/૧૧/૨૦૦૪
0 comments
Leave comment