3.14 - ગાંઠ વળી ગઈ / સંજુ વાળા


રેશમનું પટકૂળ નવુંનક્કોર
અચાનક ગાંઠ વળી ગઈ,
પહેલી પળના પ્હેલેરા અંઘોળ
વચોવચ જાત ઢળી ગઈ.
રેશમનું પટકૂળ નવુંનક્કોર...

આરણ-કારણ આંખે આંજું, માંજુ ઠાલા અવસર લઈ ઊંડળમાં
ઝળઝળિયાંમાં સાત રંગનાં સપનાં જાણે પડ્યા લિસોટા જળમાં
બંધ ઓરડે ઊછરતી એક વેલ
અરેરે! બળી જળી ગઈ
રેશમનું પટકૂળ નવુંનક્કોર...

ક્યારામાં કરમાતી લીલી છાંય તળે હું એવું તો કરમાઈ,
જરાક અમથી સંકોરી ત્યાં મૂઈ અધૂરપ ચગે ચડી રે બાઈ
ઝબકીને જોયું તો મારી
માઢ–મેડિયું ખળભળી ગઈ
રેશમનું પટકૂળ નવુંનક્કોર...

૦૫/૮૦/૧૯૯૪


0 comments


Leave comment