3.15 - પડછાયા ઓઢીએ / સંજુ વાળા


લીલી લીંબુડી ઝીણી પાંદડી રે
પાંદડીના પડછાયા ઓઢીએ.
સખીરી, અમે પાંદડીના પડછાયા ઓઢીએ.
સાળુ ખેંચીને કહે વગડાઉ હાથ
સ્ટેજ પડખામાં આવીને પોઢીએ.
સખીરી, કહે પડખામાં આવીને પોઢીએ.

પડતર પરસાળમાં ઊગે અસુખ
સાવ ખુલ્લું તડાક મારું છાપરું.
હળવી બોલાશ કોઈ સાંભળે, ન સાંભળે
ત્યાં, ચૌટે વેરાઈ જતી આબરૂ
સોંસરવી રાત ઝીલું અંધારાં
તોય રહું ખાલીની ખાલી પરોઢિયે.
સખીરી રહું ખાલીની ખાલી પરોઢિયે.

ઓચિંતા ઉભારે ચડતાં ખેંચાણ
જાય વીખરાતી ચારેકોર જાત,
એક એક અંગતતા એકઠી કરું
ને વળી માંડું હું ઓટલે ખેરાત.
અખ્ખાયે ગામના ઉતાર જેવા રસ્તાઓ
ડોકાતા છેક મારી ડોઢીએ.
સખીરી, રહે ડોકાતા છેક મારી ડોઢીએ.

૧૨/૦૩/૧૯૯૨


0 comments


Leave comment