3.16 - કળ જડે નહીં / સંજુ વાળા
સાત સાત જીવતરની ઊંચી હવેલીમાં
જીવ્યાની પળ જડે નહીં.
લમણે લખેલ કાળાં હીબકાં છે, હીબકાંનું
તાકું તો તળ જડે નહીં.
કાળમુખી રાત સ્હેજ પાંપણે અડે ત્યાં
આંખ, ગળતી પરોઢ જેવું ચૂવે,
કોટીબંધ મોર અમે માર્યાની દંતકથા
મંડાતી પાણીયારે, કૂવે.
માથાફોડ વીંઝાતી કાળઝાળ ચર્ચાની
કૂંચી કે કળ જડે નહીં.
સાત સાત જીવતરની...
અંદર ભોંકાય મારું અણિયાળું હોવું
ને પાનીમાં હણહણતા હય,
એકાન્ત મન સાવ સંકોરી રહેવાનું
સમજણનો સાચવીને લય.
મારામાં બિડાતી હું પોતે હોઉં તોયે
સંકેલી સળ જડે નહીં.
સાત સાત જીવતરની.......
૨૧/૧૨/૧૯૯૧
0 comments
Leave comment