3.17 - અડધાં કમાડ / સંજુ વાળા


અડધાં કમાડ અમે વાખ્યાં
ઉંબરથી મોભ લગી અડવડતાં અંધારાં
ઝાઝાં ઢોળ્યાં ને થોડાં ચાખ્યાં...
તાંબાની તાસકમાં ઠાર્યો કંસાર
રાત ઠારી કેમેય નથી ઠરતી,
આઠે પહોર જેના ઊડતી વરાળ
એવી હું કહેતાં ધગધગતી ધરતી.

કારણમાં એવાય દિવસો પણ હોય
જેને સોણલે સાજણ નથી રાખ્યા...
અડધાં કમાડ અમે વાખ્યાં

હું રે ચબૂતરાની ઝીણેરી જાર્ય
કોઈ પારેવું આવે નહિ ચણવા
મુઠ્ઠીયે હોઉં અને માણુયે હોઉં
કોણ બેઠું છે દાણાઓ ગણવા.

સવળાં બોલાવીએ તો અવળાં સમજાય
એવાં કવળાં તે વેણ કોણે દાખ્યાં?
અડધાં કમાડ અમે વાખ્યાં

૨૩/૦૩/૧૯૯૮


0 comments


Leave comment