3.19 - નાહક લલચાવ મા / સંજુ વાળા
યાર, મને નાહક લલચાવ મા
તારાં હજાર કામ સાથે રાખીને તું
આવે તો બહેતર છે આવ મા...
યાર, મને નાહક લલચાવ મા...
બ્હાનાં તો કાગળનાં આબેહૂબ ફૂલ
જેને મહેકવાની નહીં કોઈ નેમ,
તું પણ ગજબ યાર, નિતનવા ઉછેરે
વાર અને તિથિનાં વ્હેમ.
કાચાં સંવેદન તો માખણના પિંડ
આમ ચાકડે ચડાવીને તાવ મા
યાર, મને નાહક લલચાવ મા...
ચામડી તળેની આગ ઠારવાની હવે કોઈ
મારામાં ય રહી નથી હામ,
તૂટેલા વાયદાઓ ધાગે પરોવવા
ને ભોગવવાં એનાં પરિણામ.
જોયાંને જૂઠ અને સપનાંને સાચ
કહી, ફાવે તેમ અફવા ફેલાવ મા.
યાર, મને નાહક લલચાવ મા....
૨૩/૦૫/૨૦૦૪
0 comments
Leave comment