5.1.3 - યજ્ઞેશ દવેની કવિતાની ભાષાસંરચના / આધુનિકોત્તર કવિતા / અજયસિંહ ચૌહાણ
પોતે અનુભવેલા સંવેદનને શબ્દરૂપ આપવું એ કોઈપણ સર્જક માટે મોટો પડકાર છે. એટલે જ દરેક સર્જક-ભાષા સાથે સતત મથામણ કરે છે. ચિત્તમાં બંધાયેલો સંવેદનપિંડ ભાષા રૂપ પામતા સુધી કવિની કસોટી કરે છે. યજ્ઞેશ દવેની કવિતાનો સૌથી મોટો વિશેષ એમના કાવ્યોની ભાષા સંરચના છે.
યજ્ઞેશ દવેએ ‘નાની કવિતાઓ' લખી પણ એ મુખ્યત્વે દીર્ઘકવિતાના કવિ છે. એમની કવિતામાં આવતા વૈશ્વિક સંદર્ભોને કારણે એમની ભાષા પણ એ પ્રકારે ઘડાઈ છે. એમના પ્રથમ સંગ્રહ ‘જળની આંખે'માં પ્રમાણમાં તત્સમ્ પદાવલિ વધારે છે જ્યારે ‘જાતિસ્મર’માં બોલચાલની ભાષા વધારે પ્રયોજાઈ છે. જેમકે :
“ગુલમહોર અમલતાશની વીથિકાઓમાં,ઘાસલ મેદાનોમાં,વિસ્તીર્ણ ધાન્યક્ષેત્રોમાં,ધુમ્મસઘેર્યા વગડાઓમાં,ધીખતા ધોમમાં,નખક્ષત જેવી ચંદ્રલેખાનાઆછા અંજવાસમાં કેરાત્રિના ગાઢાતિગાઢ અંધકારમાં”(‘જળની આંખે', પૃ.૩)
વિષયને અનુરૂપ પદાવલિ અહીં છે. વળી દીર્ઘકાવ્યોમાં પણ પ્રાસયુક્ત શબ્દો દ્વારા એક પ્રકારનો લય સિદ્ધ કર્યો છે. જેમકે :
“આપણા ભાવથી,આપણી માયાથી,આપણી છાયાથીવસ્તુઓ ઘૂમાય છે, ધરબાય છેકટાય છે ને કજળે છે”(‘જળની આંખે', પૃ.૩૩)
અહીં સંયોજકો પાસેથી પણ કવિ કામ લે છે. મોટાભાગની કવિતાઓમાં આવા સંયોજકો દ્વારા લય સિદ્ધ કર્યો છે. પંક્તિને અંતે આવતા “એ”, “ઓ”, “ઈ”, કારાન્ત પદને કારણે પણ કાવ્યના ભાવ-સંવેદના અને લયને વળ ચડે છે. ઉપરાંત કઠોર વર્ણોના રવાનુકારી શબ્દ પ્રયોગને કારણે પણ કવિતામાં એક પ્રકારનું કર્ણમાધુર્ય આવે છે ને કાવ્યભાવ ઇન્દ્રીયગમ્ય રીતે અનુભવાય છે. જેમકે :
“તારા ખજાનામાં ઠણણ ઠલવાતીઅનેક રાજાઓની ખંડણી’’(‘જળની આંખે', પૃ.૨૧)*“આત્મખનન,વારંવાર આત્મખનન,ફરી ફરી એ જ આત્મખનનને અંતેઠાલી ઠીબડીમાં ઠન ઠન.”(‘જળની આંખે', પૃ.૧૨)
અહીં ‘ઠણણ ઠલવાતી' શબ્દપ્રયોગોમાં સિક્કાના ઠલવાવાની ક્રિયા અનુભવાય છે તો ‘આત્મખનન’ પણ એ જ રીતે ઇન્દ્રિયગમ્ય રીતે આસ્વાદ્ છે. ‘પૃથ્વી' કાવ્યમાં પૃથ્વીના પસાર થતાં અવિરત કાલોને વારંવાર પુનરાવર્તિત થતા શબ્દો અને ક્રિયાપદોમાં આ રીતે મૂક્યા છે.
“વરસોનાં વરસ,વરસતાં વરસ,વરસતો બરફ,બરફ, બરફ, બરફ,ખરેખર ખરતો શીત સ્ફુલ્લિંગ જેવો,ફર ફર વરસતો ફૂલ જેવોચૂપચાપ વરસતોસૂમસામ વરસતો”(‘જાતિસ્મર', પૃ. ૪૯)
યજ્ઞેશ દવેએ ભાષાને તોડી-મરોડીને નવા સંદર્ભો, પ્રતીકો અને કલ્પનો આપ્યાં છે.
“નવેળીની ગંદી ગટરમાં પોતાનું મોં જોતો સૂર્ય.”- પૃ– ૧૧ (જાતિસ્મર)
“તારા કૃષ્ણ કેશરાશિનો વિપુલ-ઘન અંધકાર.”- પૃ - ૨૪ (જળની આંખ)
ઘણાં કલ્પનોમાં જીવનાનંદદાસના ‘વનલતા સેન' કાવ્યનો સંદર્ભ યાદ આવે. યજ્ઞેશ દવેના કાવ્યોની ભાષા રચના પર જીવનાનંદ દાસની ઘણી અસર છે. યજ્ઞેશ દવેની કાવ્યભાષાનો બીજો વિશેષ છે કાવ્યમાં આવતા ‘મિથ' કે પાત્રના સમયને અનુરૂપ ભાષા પ્રયોગો. જેમકે :
“કંઈ કેટલીય વારઅપમાનિત થઈને ફર્યો છુંતારા મત્સ્યવેધી સ્વયંવરોમાંથી,અનેકાનેકવાર મારાં લક્ષવેધી બાણરહી ગયાં છે ધનુષની તંગ પ્રત્યંચા પરમને જ લક્ષતાં”(‘જળની આંખે', પૃ.૨૧)
યજ્ઞેશ દવેની ભાષા રચના અનેક સંદર્ભોથી ઘડાયેલી છે માટે એમની કવિતાને આસ્વાદવા માટે ભાવક પાસે વિશેષ સજ્જતાથી અપેક્ષા રહે છે. ભાવક પાસે ઇતિહાસ, પુરાણ, સંસ્કૃતિ, રાજકારણ, પર્યાવરણ, વિજ્ઞાન અને માનવશાસ્ત્ર (એનથ્રોપોલોજી)ના વિષયોનું થોડું ઘણું વાચન હોય તો એમની કવિતાના સંદર્ભો વધારે સારી રીતે ખૂલે છે. યજ્ઞેશ દવેની કવિતામાં પ્રકૃતિ અને નારી, વસ્તુજગત અને સંવેદનનું યોગ્ય સંયોજન થઇને એક નવીન અભિવ્યક્તિરીતિ એ ગટે છે માટે જ એ આધુનિકોત્તર ગુજરાતી કવિતાના મહત્ત્વના કવિ છે.
* * *
0 comments
Leave comment