11 - ભીના કાગળના રાજહંસ / જનક ત્રિવેદી


એક છોકરો છે. આમ તો એનું સાચું નામ કંઈક બીજું જ છે, પણ ધારો કે એનું વહાલનું નામ ભટૂર છે. નાનો હતો ત્યારે ગોળમટોળ હતો, એટલે દાદીમાએ વહાલમાં એનું નામ ભટૂર પાડ્યું હતું. હજી પણ એ ગોળમટોળ છે, અને હજી પણ મમ્મી-પપ્પા એને ભટૂર નામે જ બોલાવે છે. ભટૂર ખુશમિજાજ છોકરો છે.

ભટૂર શેરીમાં રમવા જતો નથી. નાનો હતો ત્યારે પણ નહીં. - મમ્મી કહે છે; અમારા ભટૂરની રાવ ફરિયાદ હજી સુધી આવી નથી. ઝઘડો તો એ કોઈ દિવસ કરે જ નહીં. અમારો ભટૂર ઘરની બહાર નીકળે નહીં. ભટૂરને ગાળો બોલતાં આવડતી નથી.

ભટૂર સમયસર સ્કૂલે જાય છે. ઘરે મોડો આવતો નથી.
ભટૂર ચા પીતો નથી. બચપણમાં દૂધ પીતો હતો તેમ હજી દૂધ જ પીએ છે. દૂધ-નાસ્તો કરતાં અને જમતાં-જમતાં એને ચોપડી વાંચવાની ટેવ છે.

બચપણમાં ભટૂરને રંગીન ચિત્રવાર્તાઓની ચોપડીઓ જોવી ગમતી. વાંચતાં શીખ્યો પછી રમવાને બદલે બાળવાર્તાઓની ચોપડીઓ અથવા કોમિક્સ વાંચ્યા કરતો. બીજી ચોપડી ન મળે તો એની એ વાંચ્યા કરતો. મમ્મી કહે છે; અમારા ભટૂરને ભલું ઘર ને ભલી ચોપડીઓ... ભટૂરને દોસ્તાર-બોસ્તારની જરૂર જ નહીં.

ભટૂર ટ્યૂશનોમાં નિયમિત જાય છે. ક્લાસમાં પહેલો નંબર લાવે છે. મમ્મી ચિંતા કરે છે; ભણવાની લાહ્યમાં બિચારો નિરાંતે જમતોય નથી... કેવો દૂબળો પડી ગયો છે, જો ને.

રોજ રાત્રે બાર-સાડા બાર સુધી અભ્યાસનું વાંચવાનો નિયમ ભટૂર અખંડ પાળે છે. (અલબત્ત, અભ્યાસનાં પુસ્તક વચ્ચે વાર્તા-નવલકથાનું પુસ્તક રાખી ક્યારેક વાંચી લે છે. એ તો બસ, ખાલી ફ્રેશ થવા પૂરતું જ – જો... જો... પાછા મમ્મીને કહેતા નહીં.)

બુદ્ધિવર્ધક શંખપુષ્પી સિરપ મમ્મી લાવી આપે છે તે આનાકાની વગર પી લે છે. કસરત કરવી ગમતી નથી તેથી વિકલ્પમાં ભટૂરને ચ્યવનપ્રાશ ચાટવું પડે છે. ભટૂરને ચશ્માં આવી ગયાં છે. મમ્મી કહે છે. ચશ્માંમાં અમારો ભટૂર - ઇન્ટેલેક્યુઅલ દેખાય છે.

ઘસઘસાટ ઊંઘવું તે ભટૂરનો પ્રિય વિષય છે. ઊંઘવાનું મળે તો એ ખાવાનું પસંદ કરે નહીં.
ભટૂરને ઘરમાં ખાલી અંડરવેર-લેંઘો પહેરવાં ગમતાં નથી. મોટા માણસની જેમ ઘરમાં પેન્ટ-બુશશર્ટ પહેરે છે. મમ્મી કહે છે; અમારા ભટૂરને ઉઘાડાં ફરવું ગમતું નથી. બચપણથી જ એ કોઈનાં દેખતાં કપડાં બદલતો નથી... એટલી લાજશરમ સારી.

ભટૂરને બાથરૂમ સિવાય ખુલ્લામાં નહાવાનું ફાવતું નથી. બચપણમાં પોતે નદીમાં તરતા, ઢબઢબતા, ચતપાટલી તરતા. કોશિયા- પલોઠિયા ધુબાકા મારતા અને ડૂબકી દાવ રમતા તેનાં સંભારણાંનો પટારો પપ્પા ખોલે છે અને મમ્મી સાંભળે નહીં તેમ કહે છે; ખબર છે... અમે બાર વરસના ઢાંઢા હતા ત્યાં સુધી તો નદીમાં નાગાપૂગા નાતાતા...! ભટૂર કોઈ મજાની સાહસકથા સાંભળતો હોય તેમ પપ્પાની વાતો સાંભળે છે. પછી મમ્મી સાંભળે નહીં તેમ (હા, બરાબર પપ્પાની જેમ !) ધીમેથી પૂછે છે;... હેં... પપ્પા... તમને શરમ નોતી આવતી છોકરીઓની ?

ભટૂર ચૌદ વર્ષનો કિશોર છે. મમ્મી કહે છે;.. ભટૂરનો અવાજ ખરાબ થઈ ગયો છે... અમારો ભટૂર છોકરીઓ જોડે તો વાત જ કરે નહીં... હું તો કહું છું... ભઈ... ચારિત્ર્ય પહેલું.

ટીવી ભટૂરની જરૂરિયાત છે. અંગ્રેજી નહોતું આવડતું ત્યારે પણ યુજીસીના પ્રોગ્રામ જોતો. ટીવી દ્વારા જ અંગ્રેજી શીખ્યો, ને હવે અંગ્રેજી સબ ટાઇટલવાળી મલયાલમ, કન્નડ, બંગાળી ફિલ્મો જુએ છે. મમ્મી કહે છે... ભટૂરના પપ્પા કાયમ ડિસ્ટ્રિક્ટમાં હોય અને હું મહિલા ક્લબમાં... પણ ભટૂરની મારે જરાય ચિંતા નહીં... એ તો એ ઈ...ને મોજથી ટીવી જોતો હોય. પછી... બોલો એને એકલું શું કરવા લાગે ?

ભટૂરને હાથે પીરસીને જમી લેવાની ટેવ છે, મમ્મી કહે છે... બિલકુલ નાનકડો હતો ત્યારથી જ આવો ડાહ્યો છે અમારો ભટૂર... સ્કુલેથી આવે ત્યારે હું ભાગ્યે જ ઘરે હોઉં. મને એની લવલેશ ચિંતા નહીં.. હાથે લઈને મજેથી જમી લે.

ભટૂરને નકામાં ગપ્પાં મારવાં ગમતાં નથી. ફુરસદના સમયમાં ભટૂર કાનમાં હેડફોન ભરાવી વૉકમેનમાં માઇકલ જેક્સન, અપાચી ઇન્ડિયન, રેમો ફર્નાન્ડિસ અથવા બાબા સાયગલનાં પૉપ કે રેપ સોન્ગ્સ સાંભળ્યા કરે છે. કામ સિવાય ભટૂર ઘરમાં ભાગ્યે જ બોલે છે. મમ્મી કહે છે; કોઈને લાગે જ નહીં કે આ ઘરમાં છોકરું હશે... અમારો ભટૂર સંગીતપ્રેમી છે... એને શાંતિ ગમે છે.... બહુ બકબક કરતાં છોકરાંવ... ભઈ... આપણને તો ગમે નહીં.

ભટૂર સાંજે દોસ્તારો સાથે ફરવા જતો નથી. પપ્પા સાથે ચેસ રમે છે. પપ્પા ન હોય તો એકલો રમે છે.
રમતનું મેદાન રસ્તામાં આવે છે ત્યારે ભટૂર આંખો ચોરી લે છે. ઓલિમ્પિક સ્પર્ધાઓ, વિમ્બલડન અને ફ્રેન્ચ ઓપન ટેનિસની ફાઇનલ્સ અને ફૂટબૉલ, હોકી તથા ક્રિકેટ વર્લ્ડકપનો લાઇવ ટેલિકાસ્ટ જોવાનું ભટૂર ચૂકતો નથી. રેસલિંગના પોઇન્ટ, ગ્રીક અને ફ્રી સ્ટાઇલ કુસ્તી વચ્ચેનો તફાવત તથા પેનલ્ટી કિક-કોર્નરના નિયમ ભટૂર જાણે છે. ગિલ્લી દંડા અને કબડ્ડી કેમ રમાય તેની ભટૂરને ખબર નથી. ઓળકામડાં જેવી કોઈ રમત છે તે ભટૂર જાણતો નથી. ભમરડાને દોરી વીંટતાં આવડતું નથી. કોડીએ કઈ રીતે રમાય તેનો ભટૂરને ખ્યાલ નથી.

ભટૂરને બરફના ગોળા ખાવા ગમે છે, પણ ગોળાની રેંકડીવાળાને થોભવા અવાજ કરતો નથી.
ઘેર કોઈ આવે છે તો ભટૂર અંદરના રૂમમાં ચાલ્યો જાય છે. ભટૂરને અતિશય ગંભીર પ્રકારની આર્ટ ફિલ્મો જોવી ગમે છે. બમ્બઈયા ફિલ્મો તરફ નફરત છે. સત્યજિત રાયની તમામ ફિલ્મો એણે જોઈ છે. મોડી રાતની A સર્ટિફિકેટ ફિલ્મો પણ ભટૂર જુએ છે.

ટોમ સોયર, હકલબરી ફિન, મુલ્લા નસરુદ્દીનની વાર્તાઓ, ચેહફની વાર્તાઓ, તુર્ગેનેવ અને શોલોખોવની નવલકથાઓ તથા ગોર્કીની આત્મકથા જેવાં પુસ્તકો પપ્પા લાવે છે. ભટૂરે એ બધાં વાંચ્યાં છે. વારંવાર વાંચ્યાં છે.

પપ્પા ભાગવત કે રામાયણ લાવતા નથી. મિત્રે આપેલી મહાભારતકથા ભટૂર વાંચતો હતો. મમ્મીએ મનાઈ કરી; મહાભારત ઘરમાં લવાય નહીં... ઘરમાં મહાભારત થાય. ભટૂરને કંઈક બોલવાનું મન થયું પણ બોલ્યો નહીં. પુસ્તક મિત્રને પાછું આપી દીધું. ભટૂરે ગાંધીજીની આત્મકથા વાંચી નથી.

પરીક્ષા આપવા જતી વેળા મમ્મી કહે છે, ત્યારે ભટૂર ભગવાન સામે બૂટ પહેરીને જ હાથ જોડી લે છે. મમ્મી કંકુનો ચાંદલો કરી દે છે તે બહાર જઈ ભૂંસી નાખે છે. ભટૂરે છાનાંછપનાં મોટાભાઈનાં રજનીશનાં પુસ્તકો વાંચ્યાં છે, અને મમ્મીની ગેરહાજરીમાં મોટાભાઈને ‘ઓશો'નો અર્થ પૂછે છે.
ભટૂરને જન્મદિવસે મમ્મી-પપ્પાનાં ચરણસ્પર્શ કરવાનું યાદ આવતું નથી. ભટૂર દાદીમાનું નામ જાણતો નથી. નાનાને ઘરે જવાનું ખાસ કરીને ટાળે છે, કારણ, નાનાને છાપું વાંચી સંભળાવવું પડે છે. પપ્પાના કુટુંબીઓ ભટૂરને ખાસ ઓળખતા નથી. વેકેશનમાં ભટૂર મામાને ઘરે જતો નથી.

મમ્મી-પપ્પાના હાથના મેથીપાકનો ‘સવાદ' ભટુરે ક્યારેય ચાખ્યો નથી.
પપ્પા ક્યારેક મોજમાં હોય ત્યારે પોતાના બચપણનાં સંસ્મરણો સંભળાવે છે. ભટૂર ગંભીર થઈને સાંભળે છે. પીઢ માણસની જેમ આશ્ચર્ય વ્યક્ત કરે છે અને બહુ થાય તો ક્યારેક માપેલું જોખેલું સ્મિત કરી લે છે. પરંતુ મમ્મીને ગણકાર્યા વગર પપ્પાની જેમ રઝળપાટ, રમતો, તોફાનો અને ધિંગામસ્તી કરવા ઘર અને સ્કૂલની ચાર દીવાલો વચ્ચેથી નાસી છૂટવાનું એને મન નથી થતું. એ તો બસ, ટીવીમાં વાર્તા કરનારની સામે ડાહ્યાડમરાં થઈ વાર્તા સાંભળતાં ભૂલકાંઓની જેમ પપ્પાની વાતો ચૂપચાપ સાંભળતો રહે છે. ‘ગુલાબી આરસની લગ્ગી' નામની એક ચોપડીમાં આવું બધું વાંચેલું તે ભટૂરને યાદ આવે છે. મમ્મી ભટૂરના પપ્પા પર ખિજાય છે;.... શું સાવ નકામી વાતો કરો છો.... છોકરાના સંસ્કાર બગડે એનું કંઈ ભાન છે કે નહીં.

(ભટૂર હમણાં ‘આઇ લવ યુ’નું સ્ટિકર ખરીદી લાવ્યો છે અને કોઈની નજરે ન ચડે તેમ એકાદ પુસ્તક અથવા નોટબૂકના પૂંઠાની અંદર ચીપકાવવાનો એનો ઇરાદો છે. બીજું, ઘરમાં એકલો હોય ત્યારે ‘આશિકી'નાં ગીત ગણગણતો હોય છે.)

ભટૂરે કદી મમ્મીના ખોળામાં સૂવાનું વેન કર્યું નથી. ભટૂરે ક્યારેય મમ્મીને દાદીમાની જેમ પરીકથાઓ કરવાનું કહ્યું નથી. ભટૂરે ક્યારેય ફળિયામાં સૂતાંસૂતાં આકાશમાં ટમકતા તારલા અને ચાંદામામામાં રેંટિયો કાંતતી ડોશી જોઈ નથી. ભટુરે ક્યારેય મમ્મીના હાથે જમવાની હઠ પકડી હોય તેવું મમ્મીને યાદ નથી. ભટૂર ક્યારેય મમ્મી-પપ્પાની આંગળી પકડી ચાલ્યો નથી. મમ્મી કહે છે; અમારા ભટૂરને કોઈના આધારની જરૂર નહીં.

એકવાર, કોણ જાણે કેમ, ભટૂરને ચિત્રો ચીતરવાનો સોલો ચડ્યો. રાત ને દિવસ, બસ, ચિત્રો ચીતર્યા કરે અને રંગો ભર્યા કરે, પછી સામે રાખી નીરખ્યા કરે. મમ્મીએ ઠપકો દીધો; આવાં ચીતરડા ચીતરવામાં દિ નહીં વળે... ખબર છે ને... ફર્સ્ટક્લાસ લેવાનો છે. ભટૂરે બધું સમેટી લીધું અને શાણો બની ડ્રોઇંગ પેપર, ચિત્રો, કલરબોક્સ અને પીંછીઓ ટેબલના ખાનામાં નજરે ન ચડે તેમ છેક ઊંડે ધકેલી દીધાં. મમ્મી રાજી થઈ.

પર્સન્ટેજ થોડા ઓછા આવ્યા. ફર્સ્ટક્લાસ તો હતો જ. પરંતુ ડિસ્ટ્રિકશન માર્ક આવ્યા નહીં. મમ્મી સખત ગુસ્સે થઈ. ભટૂર મૂંગો મૂંગો સાંભળતો રહ્યો. બહુ થયું ત્યારે પપ્પાએ મમ્મીને વારવાની કોશિશ કરી; બસ હવે... ઘણું થયું. કંઈ નાપાસ તો નથી થયો ! થઈ રહ્યું. ભટૂર ઉપરની ઝડી પપ્પા પર વરસવા માંડી;... બગાડો... બગાડો... તમતારે બગાડો... છોકરાને આમ તમે જ બગાડી મૂક્યો છે... હજી વાર્તાની ચોપડીઓ વંચાવો. પપ્પા ધીમેથી બોલ્યા; જ્ઞાન તો તેમાંથી પણ મળે છે. મમ્મી ઊકળી ઊઠી;.. તમારી ફિલોસોફી રાખો તમારી પાસે... શતરંજ રમાડો... ફિલ્મો દેખાડો... દીકરાની કેરિયર બની જશે... ! પછી ભટૂરનો અભ્યાસ, કેરિયર અને ભટૂર, બધું બાજુ પર રહી ગયું. અર્ધોએક કલાક મમ્મીનું ફાયરિંગ ચાલુ રહ્યું. પપ્પા પુસ્તક વાંચવામાં ગરકાવ થઈ ગયા. ભટૂર પાંપણો ઢાળી બેઠો રહ્યો. પછી મમ્મી બબડતી બબડતી રસોડામાં ચાલી ગઈ. ઓરડો એકાંત ટાપુ બની ગયો. પછી પપ્પાએ ભટૂરની આંખોમાં ભરાયેલાં ઝળઝળિયાં તરફ ત્રાંસી નજરે જોયું. બસ, ખાલી જોયું.

એકવાર ભટૂરે મૂડ જોઈ મમ્મીને પૂછ્યું હતું; હે મમ્મી,.... ભગવાને તમને શીંગડાં આપ્યાં હોત તો ?!
તો... ? ! - મમ્મીને રમૂજ થઈ.
હું અનાથ હોત. - બોલીને ભટૂર આસ્તેથી સરકી ગયો હતો.
ફરી નવા વર્ગની અર્ધસત્રાંત પરીક્ષાઓ આવી પહોંચી. શરૂઆતથી જ ભટૂરની તૈયારીઓ સતત ચાલુ હતી.

રાત્રિના લગભગ બેએક વાગે મમ્મીની નીંદર ખૂલી ગઈ. રાબેતા મુજબ ભટૂરના રૂમમાં ટેબલ લેમ્પ બળતો હતો. મમ્મીએ અંદર ડોકિયું કર્યું. ખીચોખીચ અંધકાર વચ્ચે ભટૂર ટેબલ પાસે બેઠો હતો અને ધીમા સ્વરે કોઈ ફિલ્મી ધૂન ગણગણતો હતો ને કંઈક લખતો હતો. બારણું હલવાનો સહેજ અવાજ થયો. અનાયાસ ગીતની ધૂન ભટૂરના ગળામાં અટકી ગઈ. મમ્મી આવે છે તેવો ખ્યાલ આવતાં લખેલો કાગલ ચોપડીની વચ્ચે સંતાડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. લખાણ વાંચતાં મમ્મીની ભૃકુટી તંગ બની. સમુદ્રમાં તોફાન આવી રહ્યું હતું અને નાનકડી હોડી હાલકડોલક થઈ રહી હતી. કાગળમાં ભટૂરે કવિતા લખી હતી, -
જે વર્ગમાં ભણું છું હું
એ જ વર્ગમાં બાઝ્યાં છે જાળાં
ને જાળામાં કરોળિયા.
ભણે છે કરોળિયા –
એક કરે બાદબાકી
તો બીજો વાંચે કવિતા
ત્રીજો સ્પેલિંગ પાકા કરે
ચોથો કરે ચિત્રકામ.
ભણતાં હું શીખ્યો નહીં,
ભણતાં શીખી ગયા કરોળિયા....!
કવિતા વાંચી મમ્મીએ તિરસ્કારપૂર્વક ‘ઊંહ... કવિતડાં ...!' બોલતાં શારી નાખતી નજરે ભટૂર સામે જોયું. પછી કવિતા લખેલો કાગળ ફાડી નાખ્યો. પછી કાગળની કટકીઓ ભટૂરની સામે ટેબલ ઉપર ફેંકી. પછી ફરી ઊંહકાર કરી અંદર ચાલી ગઈ. ધૃણા, અપમાન, તિરસ્કાર, ગુસ્સો, ઠપકો, કાગળ ફાડવાની ક્રિયા - બધું તીવ્રતર અને પ્રતીતિકારક. ભટૂરથી એક શબ્દય બોલાણો નહીં. નિ:શબ્દ અંધકારમાં કાગળનો ચિત્કાર સાંભળ્યા પછી એને કશું સંભળાતું નહોતું – મમ્મીનો ઊંહકાર પણ નહીં.

એક ફક્ત ટેબલ ઉપર વેરાયેલા કાગળના નાના નાના ટુકડાઓ જોતો રહ્યો.
સવારે ભટૂર મોડો ઊઠ્યો. મોં ધોયા પછી એણે ટેબલના ખાનામાં ઊંડે ધકેલી દીધેલાં ચિત્રો બહાર કાઢ્યાં. પછી, એક પછી એક બધાં ફાડ્યાં. કલરબૉક્સમાંથી રંગોની બધી ટીકડીઓ ટેબલ પર ઠાલવી. એક પછી એક બધી પીંછીઓના વાળ ખેંચી કાઢ્યા અને પછી પીંછીઓ તોડી નાખી. પછી કવિતાના કાગળના ટુકડાઓ અને ચિત્રોના ટુકડાઓ સાથે રંગોની ટીકડીઓ અને વાળ વગરની તૂટેલી પીંછીઓ વેસ્ટપેપર બાસ્કેટમાં ફેંકી દીધી. મમ્મી બારી આગળ ઊભી હતી. પરંતુ એ તો હતી મમ્મીના આકારની કાચની પૂતળી. ભટૂરની દૃષ્ટિ એના ચહેરાની આરપાર બારી બહાર દેખાતું આકાશ જોઈ રહી હતી. આકાશ ભીનું ભીનું હતું અને આકાશનો રંગ વાદળી નહીં, સફેદ હતો, બિલકુલ સફેદ કાગળ જેવો. આકાશ કોઈએ ફાડી નાખ્યું હતું અને તેના નાના નાના ટુકડાઓ બારીના ચોકઠાની બહાર દૂર... બહુ દૂર હવામાં આમતેમ ઊડી રહ્યા હતા, સરકી રહ્યા હતા અને ભટૂરનું મન પતંગિયું પકડવા મથતા કોઈ બાળકની જેમ હવાની લહેરો પર તરી રહેલા એ ધવલ રાજહંસોની પાછળ પાછળ આમ તેમ ઊડી રહ્યું હતું.

મમ્મી બિલકુલ ભટૂરની નજર સામે જ ઊભી હતી, પરંતુ ભટૂરને દેખાતી નહોતી. મમ્મી હસતાં હસતાં કંઈક બોલી રહી હતી. કદાચ ભટૂરની સમજદારી અને આજ્ઞાંકિતતાનાં વખાણ કરતી હશે, પરંતુ ભટૂરને કંઈ સંભળાતું નહોતું. એ વિચારતો હતો; કાગળના ટુકડાઓ ભીના છે છતાં કેમ ઊડતા હશે !
[કવિતા : સૌમિત્ર ત્રિવેદી]
૧૯૯૩


0 comments


Leave comment