1 - તરસ્યા તળાવની વેળુ / ભાનુપ્રસાદ પંડ્યા


હું તો તરસ્યા તળાવની વેળુ
ગગન મને કહેશો કે કેમ થાય ભેળું ?

કાઠે વીખરેલ ઓલ્યા લુખ્ખા ઓવાળમાં
પોઢ્યો આષાઢ આઠ માસ !
કોરીને કાંપમાં ખરીઓની છાપ, ગયો
ભાંભરતો જુનો સહવાસ !
ઊના વંટોળની ઊંચેરી પાલખીમાં
મૂંગા કાસદ રોજ મેલું !

વહેલી પરોઢ કોઈ તૃણની પાંપણમાં
પેખું અણસાર એના ભીના
લીલા ખેતરનો ફરકે છે સોબતી
એના તરંગ લઉં ઉછીના !
સાંજે સુકોમળી ભોળી આંગળીઓમાં
મીનના રોમાંચ માની ખેલું !
હું તો તરસ્યા તળાવની વેળુ
ગગન મને કહેશો કે કેમ થાય ભેળું ?


0 comments


Leave comment