4 - બારી / ભાનુપ્રસાદ પંડ્યા


પૂરવના નયનમાં નયનને પરોવતી,
દીવાલની કટિ પરે લટકી શી બારી !

સવારમાં સૂરજનાં કિરણોની ઝિલમિલ
જોતાંવેત ઓરડીની ભોંય પરે ઢળી પડી
લળી લળી પ્રણમતી કોને હશે બારી ?

રજનીએ દીવો થતાં દીવાલથી કૂદી પડી
શિશુ જેમ શેરીમહીં આળોટતી બારી !

ઘણી વાર મધરાતે નાના એના મુખ મહીં
તારા–મઢ્યા વિરાટ એ ગગનની છબી
યશોદાની જેમ બસ, મૂઢ બની અનિમેષ
જોયા કરું, જોયા કરું !

દિવસ ને રાત બારી પવનનાં ઝુલ્ફાંને
ફગફગી રહે તોય હોળ્યા કરે, હોળ્યા કરે !
સમીરના કેશ ખર્યા રજકણે ઘર મારું
ભરી દઈ છાનીમાની હસી રહે બારી !

આંગળીએ વળગાડી નજરને રોજેરોજ
ક્ષિતિજના પાલવને પકડવા જાય !
દોડાદોડ કરતી એ ચપલાને જોયા પછી
કહું કેમ સ્થપતિએ જડી દીધી બારી ?


0 comments


Leave comment