5 - વંનમાં / ભાનુપ્રસાદ પંડ્યા


કે વંનમાં તડકો વરસ્યો ને ઊગ્યાં ફૂલ !
હોય રખે વાયરો વાયાની કો’ક ભૂલ !
કે વંનમાં તડકો વરસ્યો ને ઊગ્યાં ફૂલ !

વંનમાં ઓવારે જળના ચીલા
ને પાનથી વ્હેતા કૈં ગીતના રેલા
કે વંનમાં બૂડ્યાં બપોરને વમળે
ને છાંયડીએ હોડકાં ધરેલાં !
આમ-તેમ સોડમના ઝૂલતા પુલ !

વંનમાં બરછટ અડ્યાની ય હેલી
ને ફૂટે તાજુ હસ્યાનાં કૂણાં તરણાં
કે વંનમાં મ્હોરવું નજરને રોપાઈ
ને ચાલમાં સવળે છટકવાનાં હરણાં !
મારગે પગલાં ખીલે જ્યાં અડે ધૂળ !
કે વંનમાં તડકો વરસ્યો ને ઊગ્યાં ફૂલ !


0 comments


Leave comment