7 - તરસબાઈનું ગીત / ભાનુપ્રસાદ પંડ્યા


તમે વડાં – વૈશાખનાં દીકરી, તરસબાઈ !
ગયાં બપ્પોરી ગોખથી નીસરી, તરસબાઈ !

ઓવારાના નિસાસાની ઝાળ લૈ, તરસબાઈ !
કિંયાં ચાલ્યાં વંટોળની ફાળ થૈ, તરસબાઈ !

ક્યાંક ખોવાણી પાણીની પોઠ હો, તરસબાઈ !
એને ગોતે છે આંધળા આ હોઠ હો, તરસબાઈ !

ભરી મોરલાના બોલતણી ખોઈ રે, તરસબાઈ !
તમે દિશા દખ્ખણની જોઈ રે, તરસબાઈ !

જશે ગાતાં જે મારગમાં માઢ રે, તરસબાઈ !
મળે સંતાયો ક્યાંકથી અષાઢ રે, તરસબાઈ !


0 comments


Leave comment