8 - આણીપા આવજો / ભાનુપ્રસાદ પંડ્યા


હવે તે આણીપા આવજો !
ધૂળની ભીતર પોઢી સુગંધી યાદ
એને ભીનેરું અડકી ઉઠાડજો !
હવે તો આણીપા આવજો !

વ્હેતું’તું ઘૂઘવતું તાણ અહીં–કાંઠાને
સંભારો તોય નહીં સાંભરે;
રૂઠયાં ચરિયાણ અને પાદરના ટોળામાં
તરણાનો સ્વાદ જૂનો ભાંભરે !
થાકેલી ગ્હેક નાચે પીંછે પથરાઈ એવો
તાજો ઉન્માદ લેતા આવજો !

આખો અવકાશ ભરી ભલ્લે રેલાય હવે
ગાજ્યા અવાજતણું સુખ;
અચિંતું આભ જેમ ત્યારે ઝબકશે
રિસાયેલ ઓરડાનું મુખ !
બારણું ઝાલીને ક્યાંક બેઠા, વિજોગને
આઘે જાવાનું કે’તા આવજો !
હવે તો આણીપા આવજો !


0 comments


Leave comment