9 - એને હાલ્યે... / ભાનુપ્રસાદ પંડ્યા


એના હાલ્યામાં કોરી ધૂળ ના દબાય,
બાઈ, એને હાલ્યે તો ઊગે તરણાં
જેની વચાળ નિત આંખથી અજાણ
એવાં દોડે પવંનનાં હરણાં !

એનાં સૌ પગલાંથી સાગરને મળનારો
ખળખળતો ઉમડે ઉમંગ
અમથી જરીક બે’ક આંગળિયું ફેરવે જ્યાં
અંકાશે સાત સાત રંગ !
પાની અડે ત્યાં એની ફૂટે સુવાસનાં
અણધાર્યાં રાનમાં ય ઝરણાં !

એને આવ્યે તો પીઠ વળગેલો ભાર
બાઈ, હળવો થ્યે ઊઘડે કલાપ !
ઘરમાં હોઈ એ ને તો ય ખેતરમાં લાગીએ
મૂંગા હોઈ એ ને લાગે કરતા આલાપ !
કૂંપળની જેમ રોજ કૉળી તો ઊઠીએ
એને અડક્યે લાગે કે થયાં બમણાં !


0 comments


Leave comment