11 - શ્રાવણ વદમાં / ભાનુપ્રસાદ પંડ્યા


રહી રહીને નેવલું ઝરે થઈ મીરાનું ગીત !
આંખથી ખસી ગૈ આંસુની પાતળી એક પછીત !

ધૂળમાં ઊગી ફરકે લીલો દેવકીનો ઉલ્લાસ !
છૂટતી કારાગારથી જાણે એમ ઊડી સુવાસ !

ઓસરી ઉપર થાંભલી પાસે સાંજ ઢળે આકુલ !
સીમથી સમીપ આવતું ત્યાં તો ઠેકતું રે ગોકુલ !

હાંઉ ! લ્યો, આવી દૂરથી ઓરા ડેલીએ ઊભા પંથ !
ઘરમાં હવે માય ના એવી ઉભરાણી છે ખંત !

અંધારને લઈ ગોદમાં મીઠું મરકી રહી રાત !
કાલ તો એવો ઊછરીને એ થઈ જાશે પરભાત !


0 comments


Leave comment