12 - લીલો પુરાવો / ભાનુપ્રસાદ પંડ્યા


તૃણ, તમે તો ગરજેલા આષાઢતણું થૈ મૌન લીલેરું ઊગ્યાં !
તૃણ ! અમારા થરકાટોનાં રૂપ ! ધરાને અંગે ક્યાંથી પૂગ્યાં !
અરે, અડ્યાનો ઈલમ ! - અમારી આંગળિયુંના પથ્થરને ફૂલ ફૂટયાં !
સુવાસના થૈ અમે પલાણ્યા અશ્વો જાણે ચોગરદમથી છૂટ્યા !

તુણ, તમારી ભીનાશોમાં
ચળકે કો’ક રૂઠેલા લીસા લીસા બે’ક અબોલા !
તમે તો પગલાંનાંયે ચોર !
મળેના સગડ–અમે કૈં ખેાયેલાંને ખોળ્યાં !

તૃણ ! તમે તો ચાર પગે ઊછળતા
ખીલેખીલાનો કૈં ભરચક મીઠો સ્વાદ !
અને જોતરે નહીં જોડેલા વકરેલાનો ધૂવાકૂંવા પાદર વિખવાદ !

તૃણ, નથી આ તીતીઘોડો ઊછળતો ઉલ્લાસ અમારો લસરે !
તૃણ ! ધરાને ગગન મળ્યાનો લીલો પુરાવો નજરનજરમાં ઠરે !


0 comments


Leave comment