3.20 - મનમોજી / સંજુ વાળા


અમે અમારા મનના માલિક મસ્ત મિજાજી મોજી.
જૂઈ મોગરા પ્હેરી-બાંધી
ભરી બજારે નીકળવામાં શું લાગે બટ્ટો જી?

કરું વાયરા સાથે વાતો
ચડે અંગ હિલ્લોળ તો થોડું હીંચું,
કિયા ગુનાના આળ, કહો
ક્યાં લપસ્યો મારો પગ તે જોવું નીચું ?
તેં એને કાં સાચી માની
વા–વેગે જે ઉડતી આવી અફવા રોજબરોજી.
અમે અમારા મનના માલિક મસ્ત મિજાજી મોજી

મંદિરના પ્રાંગણમાં
ભીના વાળ લઈને નીકળવાની બાબત.
રામધૂનમાં લીન જનો પર
ત્રાટકતી કોઈ ખૂશબૂ નામે આફત.
સાંજે બાગ-બગીચે નવરાધૂપ બેસતા
નિવૃતોની હું એક જ દિલસોજી.
અમે અમારા મનના માલિક મસ્ત મિજાજી મોજી.

૨૦/૦૩/૨૦૦૪


0 comments


Leave comment