3.21 - ચાલીના નાકે / સંજુ વાળા
ચાલીના નાકે એક તું હો, ‘ને હોય એક સુક્કા મેવાની દુકાન
પગમાં પહોંચવાની ધસમસતી ઉતાવળ
કીકીએ તરછોડ્યાં પોપચાં,
એક રીતે આખ્ખીએ ઘટનામાં કાંઈ નહીં
એક રીતે તંતુઓ જોડતા.
પોતાની લંબાઈ તાગવામાં સૌ કોઈએ લઈ લીધાં ખોબામાં ભાનસાન
ચાલીના નાકે એક તું હો, ‘ને હોય એક સુક્કા મેવાની દુકાન
આવ-જામાં ફેલાતું ઘેઘૂર ચોમાસું
ને પાણી જેમ જાત રહે વહેતી
પંપાળે કોઈ સાવ સાચુકલી ખાનદાની
કોઈ સાવ અંગત અથેતિ
કોઈ વળી ખિસ્સામાં ખણખણતી ઓળખ લઈ બાંકડે બેસીને ચાવે પાન
ચાલીના નાકે એક તું હો, ‘ને હોય એક સુક્કા મેવાની દુકાન
૩૧/૦૩/૧૯૯૨
0 comments
Leave comment