3.22 - પડાવ કેવા કેવા / સંજુ વાળા
ચમકારે નાખ્યા રે પડાવ કેવા કેવા?
એક તારા પોપચાંની નમણી ઉઘાડબંધ
એક બધી વાતે વાતે સાકરના પડા જેમ ખૂલવાના હેવા
ચમકારે નાખ્યા રે પડાવ કેવા કેવા?
બરછીની ધાર થતું રિસાવું તો ઠીક પણ
મધપૂડા ઝર્યા જેવાં હસવાનું શું?
વીતે બેઉં વેળ એક સરખો ઉચાટ તે
કહેવું હોય પાણી ને બોલાઈ જાય ભૂ
વળી કદી એકાએક મૂડ તારો ખીલે અને
ઘૂઘરીઓ રણકંતી હોય એવું ગણગણી ખવડાવે એવા
ચમકારે નાખ્યા રે પડાવ કેવા કેવા ?
થોડા બીજા બનાવોને એક બાજું તારવી લે,
પછી થોડી ઉમેર ભીનાશ, પછી જો.
પારખી શકાય એને સાચવી લેવાય
રહે અણજાણ એને સ્હેજ દઈ દેવી ખો.
અથવા તો બધી પડપૂછ મેલી ચાલ જરા
ધૂપદીપ ટાણું છે તો ભોળાભાવે કરીએ ઠાકોરજીની સેવા.
ચમકારે નાખ્યા રે પડાવ કેવા કેવા ?
૨૧/૦૮/૨૦૦૪
0 comments
Leave comment