4.1 - જુદા આકારની લખોટી / સંજુ વાળા


સો–બસ્સો બાબતમાં કોઈક તો હોઈ શકે ખોટી,
સોનેરી ગીનીની ઢગલીમાં
ભળી જેમ જુદા આકારની લખોટી.

પરીવાળી વારતાની કલ્પદ્રુમકુંજ
સાવ સોનાનો હીંચકો ને કુંવરી,
કેટલાં યે વરસોની છેકભૂંસ પછી આજ
ગીતની આ પંક્તિમાં ઊતરી.
સણસણવા લાગી ત્યાં
કવિતાનો ‘ક’સ્હેજ ઠરડાતાં વાગેલી સોટી.
સો–બસ્સો બાબતમાં કોઈક તો હોઈ શકે ખોટી.

નીંદરના પરદાઓ ચીરતોક થાય
દૂર ઠૂમરીના લયમાં ઝબકારો
ખુલ્લા આકાશ તળે દીધા’તા કોલ
એ દિશામાં ખરે કોઈ તારો.
ઘડી ઘડી ઊખળતી
વીતેલી વેળામાં રહે રાત આખી આળોટી,
સો–બસ્સો બાબતમાં કોઈક તો હોઈ શકે ખોટી.

૨૪/૦૫/૨૦૦૫


0 comments


Leave comment