4.2 - કાગળમાં ઘાત / સંજુ વાળા
કાગળના પોત માથે ઘાત થયો કારમો
ચોપાઈ ને શ્લોક વાંચો
સંભળાવો એને આખો અધ્યાય અઢારમો.
આ તે કેવી સફેદાઈ
જેમાં શાહી–ખડિયા ઢોળાય અને ખૂટે,
નજરાયા શેનાથી કે,
અક્ષરની આંચ અડ્યે ફુગ્ગા જેમ ફૂટે.
ઉ.જો. અને સુ.જો વદો
કેમ એને કખગ...થી ચંદરમા બારમો?
કાગળના પોત માથે ઘાત થયો કારમો.
બરડ સ્વભાવ મળ્યો
એમાં પાછું ભળ્યું કોઈ લાકડાંનું કુળ,
યાદ આવે મૂળ, અને
ઉદરમાં વાંસ જેમ ફૂટે લીલાં શૂળ,
જાઓ, સહુ કવિજનો
કાગળના છાજિયામાં છાતીફાડ રમો.
કાગળના પોત માથે ઘાત થયો કારમો.
૦૩/૦૯/૨૦૦૪
0 comments
Leave comment