4.3 - હજુ / સંજુ વાળા


હજુ પ્રભાતી સ્વર ઊઘડતા તુલસીક્યારો સીંચી
હજુ મને એ લય ગણગણવો ગમતો આંખો મીચી

હજુ પવનમાં ભેજ વહે છે, હજુ ઢાળ છે લીલા,
હજુ ઋતુઓ વળાંક લઈને છેડે કંઠ સૂરીલા.
હજુ કોઈ માળામાં પ્રગટે પહેલવહેલું ચીં.. ચીં..
હજુ મને એ લય ગણગણવો ગમતો આંખો મીચી

હજુ ક્યાંક આથમતી વેળે બેસી બે-ત્રણ વૃદ્ધા
હજુ વિગતના સ્વાદ ચગળતી ખખડધજ સમૃદ્ધા
હજુ વયસ્કા પુત્રી ઉત્તર વાળે નજરે નીચી
હજુ મને એ લય ગણગણવો ગમતો આંખો મીચી.

હજુ નદીના કાંઠે કોઈ કૂબામાં ગાતી મુનિયા.
હજુ ય ચાંદામામા કહીને મા દેખાડે દુનિયા.
હજુ ય નવતર રંગ પકડવા તું પકડે છે પીંછી
હજુ મને એ લય ગણગણવો ગમતો આંખો મીચી

૧૫/૦૧/૨૦૦૫


0 comments


Leave comment