4.7 - તમાશાને તેડાં / સંજુ વાળા


તમાશાને મોકલ્યાં રે તેડાં
સપરમો દાડો જોઈ કરવાને બેઠા કે કવિતા
જોડી નામઠામ વગરના નેડા.
તમાશાને મોકલ્યાં રે તેડાં.

પેનમાં સુકાઈ ગઈ શાહીને મનાવવા
હાથ જોડી શાંતચિત્તે કરીએ આરાધના
ખીચોખીચ ઊભરાતા કોટિ કોટિ કાગળોના
પારને પમાય એવી કઈ હશે સાધના ?
તણખામાં દાવાનળ સમેટાય જાણું પણ
કેમ સંકેલાય કોઈ લંબાયેલા છેડા?
તમાશાને મોકલ્યાં તેડાં.

કાગારોળ કરી કરી ઢળી પડી જીભ અને
ઝૂરી ઝૂરી પાક્યાં પાંચે આંગળીનાં ટેરવાં
બાવડાં તો દીધાં પણ બળ એમાં પૂર્યા નહીં
સામે તાણ ચડતા ભીનારા કેમ ઝેરવા ?
કોને જઈ પૂછીએ ને કાઢીએ પિછાણ ક્યાં ?
કેટલે પહોચાડે કોઈ નકશાના કેડા?
તમાશાને મોકલ્યાં રે તેડાં

૩૧/૦૮/૨૦૦૪


0 comments


Leave comment