4.11 - નહીં બોલું / સંજુ વાળા
બસ, હવે નહીં બોલું
ચોબાજુ બકવાસ છલકતો હોય છતાંયે
ભરી સભાની વચ્ચે નહીં ખાવાનું ઝોલું.
બસ, હવે નહીં બોલું.
પંડિતના ઘર પાસેથી નીકળવું, સઘળાં
જ્ઞાન અને વિજ્ઞાન સદંતર મૂકી,
સામે કોઈ સાક્ષાત પ્રગટ પરખાય પરંતુ
વાતે-વિગતે નહીં પડવાનું ઝૂકી
રાત કકળતી માથે લઈ કોઈ ઘર આંગણે
આવે ત્યારે કહો, બારણાં બંધ કરું કે ખોલું?
બસ, હવે નહીં બોલું
પુસ્તકનાં પાનાંમાં તું અટવાઈ પડે ને
પ્રશ્ન કરે તો શબ્દકોશ દેખાડું,
અરથ-નરથથી સર્જાતા વિવાદ વિશે
જો ગાંઠ વાળશે તો સમજાશે આડું.
એક છાબડે આવી બેઠું સમજ નામનું સત
હવે હું ક્યા પદાર્થ સાથે એને તોલું?
બસ, હવે નહીં બોલું
૨૩/૦૪/૨૦૦૪
0 comments
Leave comment