4.12 - આઘાં મુકામ / સંજુ વાળા


પૂછી પૂછીને ઠીક ઠેકાણે પૂગવાનું
પૂછવામાં ના જરીયે નાનપનો ભાર...
અઘરી મુસાફરી ને આઘાં મુકામ
હવે, ચીંધાડે કોણ કોઈ અદકું દુવાર !

ર્મો-મેળા થાય બધે પાણા-ઢેખાળાથી
વળી ક્યાંય અડકીને વહી જાતી લ્હેરો
મોકળે ફંટાશ પાર થાય બધાં પટ-પાદર
ક્યાંક જીવ અડોઅડ અથડાતો ઘેરો

આગળ ભળાય મે’ર બેઠો મા’રાજ
મારી પાછળનાં પગલાંનો નૈં કોઈ પાર....
અઘરી મુસાફરી ને આઘાં મુકામ...

રૂંઝ્યુંવેળાની ઝાંખ સોંસરવી રેલાતી
તમરાંની બોલાશે ચડી ટાઢ્યઆવતી
બીકણ કાયામાં સાવ ટૂંટિયું વળેલ હામ
ધા નાખી ઉપરવાળાને પોકારતી

ચારેકોર ઝાંય ઝાંય વાતો હુહવાટ
ક્યાંય કળાતી નથ્ય મને પાંખી અણહાર...
અઘરી મુસાફરી ને આઘાં મુકામ..

૧૩/૦૪/૨૦૦૬


0 comments


Leave comment